મુખ્યતા છે માટે તે નવતત્ત્વો અભૂતાર્થ છે. ‘અભૂતાર્થ’ કહેતાં તે નવતત્ત્વોના વિકલ્પ અભેદ સ્વભાવની દ્રષ્ટિમાં
ઉત્પન્ન જ થતા નથી.
બહારમાં–દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સ્ત્રી, લક્ષ્મી, શરીર વગેરેમાં સુખશાંતિ શોધવાથી તે મળે તેમ નથી. તારે સુખ–
શાંતિ જોઈતા હોય, સમ્યગ્દર્શન જોઈતું હોય, સત્ય જોઈતું હોય, આત્મસાક્ષાત્કાર જોઈતો હોય તો કાયમી ચિદાનંદ
સ્વભાવમાં જ તેને શોધ, અંતર સ્વભાવમાં શોધ્યે જ તે મળે તેમ છે. સત્સમાગમે નવ તત્ત્વોને જાણીને
અંતરંગમાં ભૂતાર્થ ચૈતન્યસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સમ્યગ્દર્શન, સુખ–શાંતિ, સત્ય ને
આત્મસાક્ષાત્કાર થાય છે.
આવો આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શન પોતાના આત્માને તેવો કબૂલે છે. સમ્યગ્દર્શન થતાં
પોતાના સિદ્ધ સમાન આત્માનું સંવેદન થાય છે–અનુભવ થાય છે. સમ્યગ્દર્શનનો વિષય એકલો આત્મા છે,
નવતત્વના ભેદો સમ્યગ્દર્શનનો વિષય છે જ નહિ. નવતત્વો તે તો ભેદો સમ્યગ્દર્શન માટેનું બારદાન છે.
બારદાન ઉપરથી માલનું અનુમાન થાય કે આને કેવો માલ લેવો છે? જેમ કોઈ ફાટ્યોતૂટ્યો કાળો કોથળો લઈને
બજારમાં જતો હોય તો અનુમાન થાય કે આ માણસ કાંઈ કેસર લેવા નથી જતો પણ કોલસા લેવા જતો હશે.
અને કોઈ સારી કાચની બરણી લઈને બજારમાં જતો હોય તો અનુમાન થાય કે આ દાણા કે કોલસા લેવા નથી
જતો પણ કેસર વગેરે ઉત્તમ ચીજ લેવા જાય છે. તેમ જે જીવ કુદેવ–કુગુરુઓને પોષી રહ્યો છે એટલે જેને
બારદાન તરીકે જ કુદેવ–કુગુરુ છે, તો અનુમાન થાય છે કે તે જીવ આત્માનો ધર્મ લેવા નથી નીકળ્યો પણ
વિષયકષાય પોષવા નીકળ્યો છે; જેની પાસે નવતત્ત્વની શ્રદ્ધારૂપ બારદાન નથી તો એમ સમજવું કે તે જીવ
આત્માની શ્રદ્ધારૂપી માલ લેવા નીકળ્યો નથી પણ સંસારમાં રખડવાનો માલ લેવા નીકળ્યો છે. જે જીવ શુદ્ધ
આત્માની શ્રદ્ધારૂપી માલ લેવા નીકળ્યો છે. હોય તેની પાસે સાચા દેવ–ગુરુએ કહેલા નવતત્ત્વોની શ્રદ્ધા જ
બારદાનરૂપે હોય. પહેલાંં નવતત્ત્વોને કબૂલ્યા પછી તેના ભેદનું લક્ષ છોડીને શુદ્ધનયના અવલંબનથી અભેદ
આત્માનો અનુભવ કરતાં ધર્મ પ્રગટે છે. પણ જે કુતત્ત્વોને માને છે ને જેને નવતત્ત્વોનું ભાન નથી તેને તો
ચૈતન્યનો અનુભવ થવાની યોગ્યતા જ નથી. શરીરની ક્રિયાથી કે પૂજા–દયા વગેરેથી જે ધર્મ મનાવે તે શણનો
કોથળો લઈને માલ લેવા નીકળ્યો છે, તે કોથળામાં સમ્યગ્દર્શનરૂપી માલ નહિ રહે. હજી તો જીવ અને શરીર
ભેગાં થઈને બોલવા વગેરેનું કાર્ય કરે છે એમ જે માને તેણે તો વ્યવહારુ નવતત્ત્વોને પણ જાણ્યાં નથી, તેને તો
યથાર્થ પુણ્યપ્રાપ્તિ પણ હોતી નથી. અને નવતત્ત્વ માનીને ત્યાં જ અટકી રહે તો તે પણ માત્ર પુણ્યબંધમાં અટકી
રહે છે, તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. નવતત્ત્વને માન્યા પછી અભેદ એક ચૈતન્યસ્વભાવની સમીપ જઈને
અનુભવ કરે તેને અપૂર્વ ધર્મ પ્રગટે છે.
ભંગ–ભેદનો વિકલ્પ ઊભો થતો નથી પણ એક શુદ્ધ ચૈતન્ય આત્મા જ અનુભવાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે,
તેનું જ નામ આત્મસાક્ષાત્કાર છે ને તે જ ધર્મની પહેલી ભૂમિકા છે.
વ્યવહારદ્રષ્ટિમાં નવતત્ત્વો છે પણ સ્વભાવદ્રષ્ટિમાં નવતત્ત્વો નથી. સ્વભાવદ્રષ્ટિથી એવો અનુભવ કરવો તે જ
ધર્મ છે. *