Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૭ :
વળી જેમ એકલા પાણીમાં મીઠું, ખાટું કે ખારું એવા ભેદો પડતા નથી; મીઠું, ખાટું કે ખારું એવા જે ભેદો
પડે છે તે સાકર, લીંબુ કે નીમક વગેરે પરનિમિત્તના સંગની અપેક્ષાએ પડે છે, નિમિત્તના સંગની અપેક્ષાએ
જોતાં પાણીમાં તે ભેદો ભૂતાર્થ છે. પણ એકલા પાણીના સ્વભાવને જોતાં તેમાં મીઠું, ખાટું કે ખારું એવા ભેદો
પડતા નથી તેથી તે ભેદો અભૂતાર્થ છે. તેમ આત્મામાં એકલા સ્વભાવથી જોતાં તો તેમાં ભેદ નથી, પણ જડ
કર્મના સંયોગની અપેક્ષાથી જોતાં આત્માની પર્યાયમાં બંધ, મોક્ષ વગેરે સાત પ્રકાર પડે છે, પર્યાયદ્રષ્ટિથી તે ભેદો
ભૂતાર્થ છે. અને જો એકલા આત્માના ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરવામાં આવે તો તેમાં બંધ, મોક્ષ
વગેરે સાત પ્રકારો નથી તેથી તે અભૂતાર્થ છે. એટલે સ્વભાવદ્રષ્ટિથી તો નવતત્ત્વોમાં એક ભૂતાર્થ જીવ જ
પ્રકાશમાન છે, –તેમાં એક અભેદ જીવનો જ અનુભવ છે, ને તે જ પરમાર્થ સમ્યગ્દર્શનનો વિષય છે. આવું
સમજ્યા વગર અનંત કાળમાં જે કર્યું તેનાથી પરિભ્રમણ જ થયું છે ને એક ભવ પણ ઘટ્યો નથી. આ અપૂર્વ
સમજણ કરવી તે જ ભવભ્રમણથી બચવાનો ઉપાય છે.
નવ તત્ત્વો ક્યાં રહે છે? કે જીવ અને અજીવ તો સ્વતંત્ર તત્ત્વો છે, ને તેમના સંબંધથી સાત તત્ત્વો થાય
છે, તેમાં જીવના સાતતત્ત્વો જીવની અવસ્થામાં રહે છે ને અજીવના સાત તત્ત્વો અજીવની અવસ્થામાં રહે છે.
પણ અજ્ઞાનીને તે બંનેની ભિન્નતાનું ભાન નથી એટલે જાણે કે જીવ અને અજીવ બંને ભેગાં થઈને પરિણમતા
હોય એમ તેને લાગે છે. અજ્ઞાની ભિન્ન અખંડ ચૈતન્યતત્ત્વને ચૂકીને, જડ અને ચેતનને એક માને છે અને તેથી
પર્યાયબુદ્ધિમાં તે નવ તત્ત્વોનો જ ભૂતાર્થપણે અનુભવ અનાદિથી કરી રહ્યો છે પણ સ્વભાવ તરફ વળીને
એકરૂપ સ્વભાવનો અનુભવ કરતો નથી. મુક્તસ્વભાવની દ્રષ્ટિએ તો આત્મા એકરૂપ છે તેમાં નવતત્ત્વો નથી,
પણ બાહ્ય સંયોગી દ્રષ્ટિથી–વર્તમાનદ્રષ્ટિથી–વ્યવહારદ્રષ્ટિથી જુઓ તો નવતત્ત્વો ભૂતાર્થ દેખાય છે. અને જો
વર્તમાન પર્યાયને સ્વભાવમાં એકાગ્ર કરીને વર્તમાનમાં સ્વભાવને જુઓ તો નવતત્ત્વો અભૂતાર્થ છે, ને એકલો
જ્ઞાયક આત્મા જ અનુભવમાં આવે છે.
ભગવાન આચાર્યદેવ કહે છે કે અખંડ જ્ઞાયકવસ્તુની દ્રષ્ટિએ તો આત્મામાં એકપણું જ છે ને તેના આશ્રયે
એકપણાની જ ઉત્પત્તિ થાય છે. જો કે પર્યાયમાં નિર્મળતાના પ્રકારો પડે છે પણ તે પર્યાય અભેદઆત્મામાં જ
એકાગ્ર થાય છે, માટે અભેદઆત્માનો જ અનુભવ છે.
અજ્ઞાનીને જડ–ચેતનની એકત્ત્વબુદ્ધિથી અનાદિથી નવતત્ત્વો ઉપર જ દ્રષ્ટિ છે, જડના સંગથી ભિન્ન,
એકલા ચૈતન્યતત્ત્વની તેને ખબર નથી. અહો, મારામાં અનંત ગુણો હોવા છતાં હું અભેદસ્વભાવી એક વસ્તુ છું.
જ્ઞાયકસ્વરૂપ છું–આવો અનુભવ કરવો તે પરમાર્થસમ્યગ્દર્શન છે. અભેદ આત્માના અનુભવમાં ‘હું જ્ઞાન છું’
એવા ગુણભેદના વિકલ્પનો પણ અવકાશ નથી તો પછી નવ તત્ત્વના વિકલ્પ તો ક્યાંથી હોય? હજી નવતત્ત્વોને
પણ જે ન માને તેને તો વ્યવહારધર્મ પણ હોય નહિ. તેમ જ પરના સંયોગની સમીપ જઈને નવતત્ત્વોનો
ભૂતાર્થપણે અનુભવ કરવો–અર્થાત્ એક જીવને નવતત્ત્વપણે અનુભવવો–તે પણ હજી સમ્યગ્દર્શન નથી.
સમ્યગ્દર્શન કઈ રીતે છે તે હવે કહે છે: અંતરમાં ચૈતન્યસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તે નવતત્વો
અભૂતાર્થ છે ને એક પરમ પારિણામિક જ્ઞાયક આત્મા જ ‘ભૂતાર્થપણે’ અનુભવાય છે; એવો અનુભવ કરવો તે
જ સમ્યગ્દર્શન છે. અભેદ સ્વભાવની પ્રધાનતાથી આત્માનો અનુભવ કરતાં તે જ્ઞાયકમૂર્તિ ભગવાન તો એક જ
છે, એકપણું છોડીને તે નવ પ્રકારપણે થયેલો નથી.
અહો, આવી સરસ વાત! પાત્ર થઈને સમજે તો ન્યાલ થઈ જાય તેવું છે. પહેલાંં સત્સમાગમે આ વાત કાને
પડે પછી અંતરમાં વિચાર કરીને નિર્ણય કરે, તો તેનો અનુભવ થાય. જ્યાં મુખ્યતા ચૈતન્ય તરફની થઈ ત્યાં
અભેદ ચૈતન્ય જ દ્રષ્ટિમાં રહે છે, નવ ભેદનો વિકલ્પ આવે તેની મુખ્યતા થતી નથી, માટે તે અભૂતાર્થ છે. હું–જીવ
ચૈતન્ય પરિપૂર્ણ છું–એકરૂપ છું, એવા સ્વભાવની દ્રષ્ટિમાં એકતાની જ મુખ્યતા છે ને તેમાં નવતત્ત્વોની અનેકતા
ગૌણ થઈ જાય છે, તેથી શુદ્ધનયમાં નવતત્ત્વો અભૂતાર્થ છે. આત્માના અભેદ સ્વભાવની દ્રષ્ટિ છોડીને પર્યાયમાં
પર સંગની અપેક્ષાથી જોતાં નવતત્ત્વો ભૂતાર્થ છે પણ જ્યાં શુદ્ધનયથી ભેદનું લક્ષ છૂટીને અભેદ સ્વભાવની
મુખ્યતામાં વળ્‌યો ત્યાં ભેદરૂપ નવતત્ત્વોનો અનુભવ નથી માટે તે અભૂતાર્થ છે, ને એક શુદ્ધ આત્મા જ