Atmadharma magazine - Ank 093
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
અષાઢ: ૨૪૭૭ : ૧૮૩ :
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૭
પરમ કલ્યાણનું મૂળિયું –
સમ્યગ્દર્શન પ્રગસ્ટવા માટેની ભૂમિકા
વીર સં. ૨૪૭૬ ભાદરવા સુદ ૪ શુક્રવાર
જેને પોતાના આત્મનું હિત કરવું હોય તેણે પહેલાંં શું કરવું તે વાત ચાલે છે. જે આત્માર્થી છે એટલે કે
જેને પોતાનું કલ્યાણ કરવાની ભાવના છે તેણે દેહથી ભિન્ન ચૈતન્યમૂર્તિ આત્મા કોણ છે તેને જાણવો જોઈએ.
આત્માને જાણવા માટે પ્રથમ નવ તત્ત્વોનું જ્ઞાન કરવું જોઈએ. તે નવ તત્ત્વોમાં પ્રથમ જીવ અને અજીવ એ બે
જાતનાં તત્ત્વો અનાદિઅનંત છે, કોઈએ તેને બનાવ્યાં નથી ને તેનો કદી નાશ થતો નથી. જીવ અને અજીવ એ
બે સ્વતંત્ર તત્ત્વો છે અને તે બેના સંબંધે બંનેની અવસ્થામાં સાત તત્ત્વો થાય છે. આત્મામાં પોતાની યોગ્યતાથી
પુણ્ય, પાપાદિ સાત પ્રકારની અવસ્થા થાય છે ને તેમાં નિમિત્તરૂપે અજીવમાં પણ તે સાત પ્રકાર પડે છે.
આત્મા ચૈતન્યવસ્તુ ત્રિકાળી છે, પણ તેને ભૂલીને અવસ્થામાં મિથ્યાત્વ અને રાગ–દ્વેષથી અજ્ઞાની જીવ
અનાદિ કાળથી બંધાયેલ છે; તે બંધનભાવ આત્માની યોગ્યતાથી છે, કોઈ બીજાએ તેને બંધન કર્યું નથી. જીવને
વર્તમાન અવસ્થામાં જો ભાવબંધન ન હોય તો આનંદનો પ્રગટ અનુભવ હોવો જોઈએ. પણ આનંદનો પ્રગટ
અનુભવ નથી કેમ કે તે પોતાની પર્યાયમાં વિકારના ભાવબંધનથી બંધાયેલો છે. સ્ફટિકના ઊજળા સ્વચ્છ
સ્વરૂપમાં જે રાતી–કાળી ઝાંઈ પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી પણ સ્ફટિકનો વિકાર છે, ઉપાધિ છે, તેમ જીવનો
સ્વચ્છ ચૈતન્યસ્વભાવ છે, તેની અવસ્થામાં જે પુણ્ય–પાપના ભાવ થાય છે ને તેનું સ્વરૂપ નથી પણ વિકાર છે,
બંધન છે; વિકારભાવ તે જીવ–બંધ છે ને તેમાં નિમિત્તરૂપ જડકર્મો છે તે અજીવ–બંધ છે. એ રીતે જીવ–અજીવ
બંનેની અવસ્થા ભિન્ન ભિન્ન છે. જો પર નિમિત્તની અપેક્ષા વગર એકલા આત્માના સ્વભાવથી વિકાર થાય તો
તો તે સ્વભાવ થઈ જાય, ને કદી ટળી શકે નહીં. પણ વિકાર તે જીવની અવસ્થાની ક્ષણિક યોગ્યતા છે ને તેમાં
દ્રવ્યકર્મ નિમિત્તરૂપ છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે, સ્વભાવના લક્ષે વિકાર કે બંધનભાવ થતો નથી.
[અહીં સુધી બંધ સુધીનાં આઠ તત્ત્વોનું વિવેચન થયું, હવે નવમા તત્ત્વનું વિવેચન થાય છે.]
નવમું મોક્ષતત્ત્વ છે. જીવની પૂર્ણ પવિત્ર સર્વજ્ઞ–વીતરાગી આનંદદશા તે મોક્ષ છે. તે મોક્ષપણે થવાની
લાયકાત જીવની અવસ્થામાં છે ને જડકર્મનો અભાવ તેમાં નિમિત્તરૂપ છે. જીવમાં પવિત્ર મોક્ષભાવ પ્રગટ્યો ત્યાં
કર્મો તેની મેળે છૂટી ગયા. જીવ અને અજીવ એ બે ત્રિકાળી તત્ત્વો છે તેને, તેમ જ તેની પર્યાયમાં સાત તત્ત્વરૂપ
પરિણમન થાય છે તેને, –નવે તત્ત્વોને ઓળખવા જોઈએ.
મોક્ષરૂપે થવાની યોગ્યતા જીવની છે, ને જડ કર્મોનું છૂટી જવું તે નિમિત્ત છે, તે અજીવ–મોક્ષ છે.––એ
પ્રમાણે અહીં પ્રથમ તો મોક્ષતત્ત્વની ઓળખાણ કરાવી છે. અંર્તસ્વભાવના આશ્રયે જીવની પરિપૂર્ણ પવિત્ર
અવસ્થા પ્રગટે તેને મોક્ષ કહે છે તેમ જ અજીવ કર્મો છૂટી જવારૂપ પુદ્ગલની અવસ્થાને પણ મોક્ષ કહેવાય છે.
મોક્ષતત્ત્વને જાણી લીધું તેથી મોક્ષ થઈ જતો નથી, પણ મોક્ષ વગેરે નવે તત્ત્વોને જાણ્યા પછી તે ભેદનો આશ્રય
છોડી અંતરના અભેદસ્વભાવના આશ્રયે મોક્ષદશા પ્રગટે છે.