Atmadharma magazine - Ank 094
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: ૨૧૪ : : આત્મધર્મ : ૯૪
શ્રીગુરુ પાસે જઈને ‘આત્મા કોણ છે’ એમ પૂછનાર જીવને પ્રથમ તો આત્માના અસ્તિત્વની શ્રદ્ધા છે,
સાચા દેવ–ગુરુ કેવા હોય તેની શ્રદ્ધા છે, ને તેવા ગુરુ પાસે જઈને આત્મા સમજવા માટે ધા નાંખી છે, એવા
સુપાત્ર શિષ્યને આચાર્યદેવ આ પરિશિષ્ટવડે સમજાવે છે, તે શિષ્ય આત્મસ્વરૂપને પામ્યા વગર રહે જ નહીં.
શિષ્યને એક આત્મા સમજવાની જ ઝંખના છે એટલે બીજા કોઈ આડાઅવળા પ્રશ્ન ન પૂછતાં આત્માનો
જ પ્રશ્ન પૂછયો છે કે પ્રભો! આ આત્મા કેવો છે ને તેની પ્રાપ્તિ કેમ થાય? પુણ્ય–પાપની, સ્વર્ગ–નરકની કે
કર્મની વાત ન પૂછી પણ આત્માની જ વાત પૂછી; બીજું બધું જાણપણું તો અનંતવાર કર્યું છે પણ પોતાનો
આત્મા કેવો છે તે જ પૂર્વે કદી જાણ્યું નથી, તેથી શિષ્ય તે જ સમજવા માંગે છે. પુણ્ય કેમ થાય અને સ્વર્ગ કેમ
મળે–એમ શિષ્ય નથી પૂછતો પણ આત્મા કેવો છે ને તેની પ્રાપ્તિ કેમ થાય?–એમ પૂછે છે, તે પ્રશ્નમાં જ તેની
આત્મા સમજવાની પાત્રતા આવી જાય છે.
વળી પ્રશ્ન પૂછવામાં પણ ‘આ આત્મા કેવો છે’–એમ કહીને પોતાના આત્માને જુદો પાડીને પૂછે છે.
‘આ આત્મા’ એમ કહેવામાં પોતે પોતાના આત્મા તરફ વળવા માંગે છે, બીજા આત્માની સામે જોતો નથી.
પોતે અંતર્મુખ થઈને પોતાના આત્માને જાણતાં બીજાના આત્મા કેવા છે તે પણ જણાઈ જાય છે, કેમ કે જેવો
પોતાના આત્માનો સ્વભાવ છે તેવો જ દરેક આત્માનો સ્વભાવ છે.
‘હે પ્રભો! આ મારો આત્મા કેવો છે? તે હું જાણવા માંગું છું,–આમ પૂછનાર શિષ્યને આત્માની ધગશ
એવી છે કે તે મોક્ષની લાયકાતવાળો જ છે, તે અલ્પકાળે આત્માને સમજીને મોક્ષ પામવાનો છે; આવો પ્રશ્ન
જેને અંતરમાંથી ઊગ્યો તે આત્મસ્વભાવ સમજીને મોક્ષ પામ્યા વગર રહે જ નહિ. પોતે પૂર્વે જે કાંઈ સાંભળ્‌યું
અને જાણ્યું છે તે બધા જાણપણા ઉપર મીંડા વાળીને, પક્ષપાત છોડી દઈને, શ્રીગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછે
છે કે હે ભગવાન! આ મારો આત્મા કેવો છે અને પોતાને પોતાની પ્રાપ્તિ કેવી રીતે થાય?–આમ પૂછનારને
પરની–પૈસા વગેરેની કે પુણ્યની પ્રાપ્તિની ભાવના નથી પણ આત્મસ્વભાવને જાણીને તેની જ પ્રાપ્તિની ભાવના
છે, તેથી જિજ્ઞાસુ થઈને એકલા આત્માનો જ પ્રશ્ન પૂછયો છે.
જો કે પૂર્વે ‘આત્મા કોણ છે અને તે કેમ પ્રાપ્ત થાય’ તે વાત કહેવાઈ તો ગઈ છે, પરંતુ અહીં શિષ્યની
જિજ્ઞાસાને પૂરી કરવા માટે શ્રી આચાર્યદેવ આ પરિશિષ્ટમાં ફરીને પણ તે વાત સમજાવે છે.
અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે બહારમાં પરનું તો કાંઈ કર્યું જ નથી, પરને લેવું કે મૂકવું તે
આત્માના હાથની વાત છે જ નહિ. અનાદિથી અજ્ઞાન ભાવે જીવે વિકારી ભાવો જ કર્યા છે ને તેને જ પોતાનું
સ્વરૂપ માનીને રખડયો છે. તેને બદલે હવે આત્માનું હિત કરવાનો–આત્માના આનંદની પ્રાપ્તિ કરવાનો જેને
ભાવ થયો છે એવો શિષ્ય આત્મા સમજવા માટે પ્રશ્ન પૂછે છે. અનાદિથી પૂર્વે જે કર્યું તેના કરતાં કાંઈક નવું
કરવું છે એવા શિષ્યને અંતરની જિજ્ઞાસાથી પ્રશ્ન ઊઠ્યો છે કે પ્રભો! આ આત્મા કોણ છે ને તેની પ્રાપ્તિ કેમ
થાય છે? એવા શિષ્યને સમજાવવા માટે આ પરિશિષ્ટ દ્વારા તે વાત ફરીને પણ કહેવામાં આવે છે.
જુઓ! અહીં જે શિષ્ય જિજ્ઞાસાથી પૂછે છે કે ‘પ્રભો! આત્મા કોણ છે અને કેવી રીતે તે પ્રાપ્ત થાય?’
એવા શિષ્યને તે ફરીથી સમજાવે છે. જેને આત્માનું સ્વરૂપ જાણીને તે પ્રાપ્ત કરવાની પિપાસા જાગી છે, ‘હું કોણ
છું’ એવો જિજ્ઞાસાનો પ્રશ્ન જાગ્યો છે તેમ જ ‘આત્મા કઈ રીતે પમાય–કઈ રીતે તેનો અનુભવ થાય’ એવો પ્રશ્ન
જેને ઊગ્યો છે એવા શિષ્યને આચાર્યદેવ ફરીથી પણ આત્માનું સ્વરૂપ જણાવે છે. પહેલાંં જ્ઞાન અધિકાર,
જ્ઞેયઅધિકાર અને ચરણાનુયોગમાં જે વર્ણન કર્યું તેમાં આત્મા કોણ છે અને તેની પ્રાપ્તિ કેમ થાય એ બંને વાત
આવી તો જાય છે, પણ અહીં ફરીથી બીજી ઢબથી આચાર્યદેવ તે વાત સમજાવે છે.
શિષ્યના પ્રશ્નમાં બે વાત મૂકી છે : એક તો–આત્મા કેવો છે? અને બીજું– તે કઈ રીતે પ્રાપ્ત થાય?
આત્મા કેવો છે તેનું જ્ઞાન કરું અને તેની પ્રાપ્તિની ક્રિયા કરું– એમ શિષ્યના પ્રશ્નમાં સમ્યગ્જ્ઞાન અને ચારિત્ર
બંનેની વાત આવી જાય છે. શિષ્ય પાત્ર થઈને પૂછે છે કે હે નાથ! મારો આત્મા કોણ છે તે જાણ્યા વિના