તો વર્તમાનપૂરતી યોગ્યતાથી, કર્મના નિમિત્તે થાય છે; મૂળ વસ્તુસ્વરૂપમાં તે વિકાર કે નવતત્ત્વના ભેદ નથી.
શુદ્ધનયવડે એકરૂપ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી અનુભવ કરતાં જ્ઞાયકસ્વભાવ એક જ ભૂતાર્થ છે, નવ–તત્ત્વો
અભૂતાર્થ છે. ‘જ્ઞાયકવસ્તુ છું’ એમ જ્યાં અંર્તદ્રષ્ટિથી નક્કી કર્યું ત્યાં જ ભેદનો વિકલ્પ તૂટીને અભેદરૂપ
આત્માનો અનુભવ થયો, અને તે જ સમ્યગ્દર્શન ધર્મ છે.
વિકારને જ આખી વસ્તુ માની લ્યે તો તેના આશ્રયે ધર્મ થાય નહિ. આત્માના સ્વભાવનો નિર્ણય કહો કે
સર્વજ્ઞનો નિર્ણય કહો, બંને એક જ છે; કેમ કે આત્માનો સ્વભાવ છે તે જ સર્વજ્ઞને પ્રગટ્યો છે ને સર્વજ્ઞ જેવો જ
આ આત્માનો સ્વભાવ છે. બંનેમાં પરમાર્થે કાંઈ ફેર નથી. એટલે આત્માનો પૂર્ણ સ્વભાવ ઓળખતાં તેમાં
સર્વજ્ઞની ઓળખાણ પણ આવી જાય છે, ને સર્વજ્ઞની ઓળખાણ કરે તેમાં આત્માના સ્વભાવની ઓળખાણ
આવી જાય છે. સર્વજ્ઞ ભગવાને પ્રથમ તો પોતાના પૂર્ણ જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરીને પછી આત્મામાં એકાગ્ર
થઈને પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરી, તે જ્ઞાનવડે એક સમયમાં ભગવાન બધું ય જાણે જ છે; અને જાણવું તે પોતાનું
સ્વરૂપ હોવાથી તે પૂર્ણજ્ઞાન સાથે ભગવાનને પૂર્ણ સ્વાભાવિક આનંદ પણ છે, અને તેમને રાગાદિ દોષ બિલકુલ
નથી. –આમ જ્યાં સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કર્યો ત્યાં પોતામાં પણ પોતાના રાગરહિત જ્ઞાનસ્વભાવનો નિર્ણય
થયો. પરિપૂર્ણ જ્ઞાન જ મારું સ્વરૂપ છે, એ સિવાય રાગમિશ્રિત વિચાર આવે તે મારું–ચૈતન્યનું ખરું સ્વરૂપ
નથી. વસ્તુનો સ્વભાવ પરિપૂર્ણ જ હોય. જેમ જડમાં ‘અચેતનપણું’ છે. તેનામાં અંશે પણ જાણપણું નથી; જડનો
અચેતન સ્વભાવ છે તેથી તેનામાં અચેતનપણું પરિપૂર્ણ છે ને જ્ઞાન બિલકુલ નથી. તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ
છે, તો તેમાં જ્ઞાન પરિપૂર્ણ છે ને અચેતનપણું બિલકુલ નથી. રાગ પણ અચેતનના સંબંધથી થાય છે એટલે રાગ
પણ જ્ઞાનસ્વભાવમાં નથી. –આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય અને અનુભવ કરવો તે જ ધર્મની શરૂઆત છે.
સમયમાં પૂરા જ્ઞાનપણે પરિણમે તેવો અવસ્થાનો સ્વભાવ છે. તેમ જ અવસ્થામાં અલ્પજ્ઞતા સાથે જે રાગાદિ
ભાવો છે તે પણ ખરેખર જીવ નથી પણ અજીવ છે. રાગ અને અલ્પજ્ઞતા વગરનો એકરૂપ જ્ઞાયકભાવ તે જ
પરમાર્થે જીવ છે. આવા પૂર્ણ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરીને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં અલ્પજ્ઞતા કે
રાગ–દ્વેષ રહેતા નથી પણ પૂર્ણતા જ થઈ જાય છે. પહેલાંં તો એવા પૂર્ણ આત્માને શ્રદ્ધામાં સ્વીકારવાની આ વાત
છે. સ્વભાવ કહેવો ને તેમાં વળી અધૂરાશ કહેવી, તો તે સ્વભાવ જ રહેતો નથી. સ્વભાવ કદી અધૂરો હોય નહિ,
ન અધૂરું હોય તેને સ્વભાવ કહેવાય નહીં.