Atmadharma magazine - Ank 095
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


PDF/HTML Page 23 of 23

background image
ATMADHARM Regd No. B, 4787
ધન્ય તે મુનિવરા!
આત્માના ગુણની ચૌદ ભૂમિકા છે. તેમાં ચોથી ભૂમિકામાં અપૂર્વ
આત્મસાક્ષાત્કાર, નિર્વિકલ્પ અનુભવ થાય છે, ત્યાં યથાર્થ સ્વરૂપનું જ્ઞાન
થાય છે. પછી અંશે સ્થિરતા વધે તે પાંચમી ભૂમિકા છે. અંર્તજ્ઞાનમાં
વિશેષ સ્થિર થઈ, કષાયની ત્રણ ચોકડીનો અભાવ કરી, નિર્વિકલ્પ
ધ્યાનદશા પ્રગટે તેને અપ્રમત્ત નામે સાતમી ભૂમિકા કહે છે; પછી
સવિકલ્પદશા આવે તેને છઠ્ઠું પ્રમત્તગુણસ્થાન કહે છે. મુનિ આ બે દશા
વચ્ચે વારંવાર ઝૂલ્યા કરે છે.
નિર્વિકલ્પદશામાં જો વિશેષ કાળ ટકે તો મુનિ અન્તર્મુહૂર્તમાં
કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ ન થાય ત્યાં સુધી હજારો વાર છઠ્ઠી–સાતમી
ભૂમિકા બદલ્યા કરે છે. ત્રણે કાળે મુનિદશા આવી જ હોય છે. તે મુનિદશા
બાહ્ય તેમ જ અભ્યંતર પરિગ્રહથી રહિત હોય છે, આત્મજ્ઞાન સહિત નગ્ન–
દિગંબરપણું હોય છે. સાતમે ગુણસ્થાને બુદ્ધિપૂર્વક વિકલ્પો છૂટી જાય છે
અને આત્મસ્વરૂપની સ્થિરતામાં તદ્ન નિર્વિકલ્પ આનંદમાં લીન થઈ જાય
છે, ત્યાં ક્ષણે ક્ષણે સાક્ષાત્ સિદ્ધ પરમાત્મા જેવો આનંદ અંશે અનુભવાય
છે. ‘હું આત્મા છું, શુદ્ધ આનંદસ્વરૂપ છું’ એવા વિકલ્પ પણ ત્યાં હોતા
નથી, માત્ર સ્વસંવેદન હોય છે. –આવી સ્થિતિ–સાધકદશા ભગવાન
કુંદકુંદાચાર્યદેવની હતી, ક્ષણે પ્રમત્ત અને ક્ષણે અપ્રમત્ત દશામાં તેઓ ઝૂલતા
હતા.
આચાર્યદેવને કેવળજ્ઞાન પ્રગટ થવામાં સંજ્વલન કષાયનો અંશ
જીતવાનો બાકી રહ્યો છે. ક્ષણમાં છઠ્ઠી ભૂમિકામાં આવતાં આત્મસ્વભાવની
વાત કરે છે, ને ક્ષણમાં તે શુભ વિકલ્પ તૂટીને સાતમી ભૂમિકામાં માત્ર
અતીન્દ્રિય આત્માનંદમાં ઠરે છે, આવી તે ઉત્કૃષ્ટ સાધકદશા છે; તે તેમનો
નિજવૈભવ છે. તે નિજવૈભવથી તેઓ આત્માનું વાસ્તવિક સ્વરૂપ જગતને
કહે છે કે જ્ઞાયક નિત્ય એકરૂપ ચૈતન્યજ્યોતિ છે, તે વર્તમાન ક્ષણિક
અવસ્થાના કોઈ ભેદરૂપે નથી પણ કેવળ જ્ઞાયકપણે શુદ્ધ છે, અખંડ
એકાકાર જ્ઞાયકસ્વભાવમાં અપ્રમત્ત–પ્રમત્તના ભેદ પરમાર્થે નથી.
–સમયસાર પ્રવચનો–૧ પૃ. ૧૫૭–૮
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૨–૯–૫૧