Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: આસો : ૨૪૭૭ આત્મધર્મ : ૨૫૫ :
કે તેના કર્તાપણાને છોડીને તારા અકર્તા સ્વભાવ તરફ વળ. –આવો ઉપદેશ આત્માને સ્વભાવથી વિકારનું
અકર્તા પણું બતાવે છે.
પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ક્યારે થાય?
અપ્રતિક્રમણનો કે અપ્રત્યાખ્યાનનો ભાવ કાંઈ ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં નથી, તે બંને ભાવ તો
વર્તમાનમાં જ છે, તેમ જ તે છોડીને પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો ભાવ પણ વર્તમાનમાં જ છે. વર્તમાન જે
ભાવ પર તરફ વળ્‌યો તેમાં અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે અને વર્તમાન જે ભાવ સ્વભાવ તરફ વળ્‌યો તે
ભાવ પોતે જ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. પ્રતિક્રમણનો અને પ્રત્યાખ્યાનનો ભાવ જુદો જુદો નથી.
ભૂતકાળના કે ભવિષ્યના વિભાવની રુચિ તો વર્તમાન ભાવમાં છૂટે છે; વર્તમાન ભાવ જ્યાં સ્વ તરફ વળ્‌યો ત્યાં
તેમાંથી ભૂત–ભવિષ્યનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છૂટી ગયું. માટે નક્કી થાય છે કે ભગવાન આત્મા
સ્વભાવથી વિકારનો અકર્તા જ છે. ધર્મી જીવને શ્રદ્ધા અપેક્ષાએ તો ક્ષણે ને પળે વિકારનું પ્રતિક્રમણ તેમ જ
પ્રત્યાખ્યાન વર્તી રહ્યું છે. જે જીવ રાગને પોતાનું કર્તવ્ય માને છે ને રાગરહિત જ્ઞાયકસ્વભાવ તરફ વળતો નથી
તે જીવ, ભલે મહાવ્રત પાળતો હોય તો પણ, ક્ષણે ને પળે મિથ્યાત્વ વગેરેનું અપ્રતિક્રમણને અપ્રત્યાખ્યાન જ કરી
રહ્યો છે. જે અજ્ઞાની જીવ પર્યાયદ્રષ્ટિથી વિકારનો કર્તા થઈ રહ્યો છે તેને આચાર્યદેવ સમજાવે છે કે–જો ભાઈ!
સ્વભાવદ્રષ્ટિથી તું વિકારનો અકર્તા છો, માટે વિકારની અને નિમિત્તની દ્રષ્ટિ છોડ. સ્વભાવના આશ્રયથી વિકાર
થતો નથી પણ નિમિત્ત–નૈમિત્તિક સંબંધથી જ વિકાર થાય છે, માટે સ્વભાવથી તું વિકારનો કર્તા નથી. –આમ
સમજીને સ્વભાવનો આશ્રય કર ને વિકારનું કર્તાપણું છોડ, તો સાચું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થાય.
આગમનો ઉપદેશ આત્માનું અકર્તાપણું જાહેર કરે છે
‘અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે દ્વિવિધ (બે પ્રકારનો) ઉપદેશ છે
તે, દ્રવ્ય અને ભાવના નિમિત્ત–નૈમિત્તિકપણાને જાહેર કરતો થકો, આત્માના અકર્તાપણાને જ જણાવે છે. ’
પૂર્વના પરદ્રવ્યથી પાછું ન ખસવું તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે; અને પૂર્વના વિભાવથી પાછું ન ખસવું તે ભાવ
અપ્રતિક્રમણ છે. ––એમ બે પ્રકારનું અપ્રતિક્રમણ છે.
એ જ પ્રમાણે, ભવિષ્યમાં કોઈ પણ પરદ્રવ્ય મળે તો ઠીક એવો ભાવ તે દ્રવ્યઅપ્રત્યાખ્યાન છે; અને
ભવિષ્યનો વિકારભાવ ઠીક એવો ભાવ તે ભાવઅપ્રત્યાખ્યાન છે. –એમ બે પ્રકારનું અપ્રત્યાખ્યાન છે.
વર્તમાન પર્યાય સ્વભાવ તરફ ન વળતાં જેટલી પર તરફ વળે છે તેટલું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે.
આ બંને પ્રકારના અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છોડવા જેવા છે–એવો જે આગમનો ઉપદેશ છે તે આત્માના
અકર્તાપણાને જ બતાવે છે. જો આત્મા સ્વભાવથી તેમનો કર્તા હોય તો તે છોડવાનો ઉપદેશ હોઈ શકે નહીં.
દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે જે અપ્રતિક્રમણાદિનો ઉપદેશ છે તે એમ જાહેર કરે છે કે પરદ્રવ્ય
નિમિત્ત છે ને તેના આશ્રયે થતો વિકાર તે નૈમિત્તિક છે; આમ વિકારમાં પર સાથેના નિમિત્ત–નૈમિત્તિકપણાની
જાહેરાત થાય છે, પણ તેમાં આત્માની જાહેરાત થતી નથી, એટલે કે દ્રવ્ય અને ભાવનો જે નિમિત્ત–નૈમિત્તિક
સંબંધ છે તે આત્માનું અકર્તાપણું સિદ્ધ કરે છે. જ્યાં સુધી નિમિત્ત–નૈમિત્તિકસંબંધની દ્રષ્ટિ છે ત્યાંસુધી જ
આત્માને અપ્રતિક્રમણાદિનું કર્તાપણું છે, પણ સ્વભાવથી આત્મા વિકારનો કર્તા નથી.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ ક્યારે થાય?
અહીં જે દ્રવ્ય અને ભાવનું નિમિત્ત–નૈમિત્તિકપણું છે તેના ઉપર અજ્ઞાનીની જ દ્રષ્ટિ છે, ને તે જ તેને
બંધનું કારણ છે. જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિમાં પર સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું તૂટી ગયું છે. આત્મા સિવાય
જગતની બધી ચીજો પરદ્રવ્ય છે, તેની રુચિથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. નિમિત્ત–નૈમિત્તિક સંબંધને જે
લાભનું કારણ માને તે નિમિત્ત તરફનું વલણ છોડીને સ્વ તરફ વળે નહિ ને તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય
નહિ. તું પર નિમિત્તની રુચિ છોડ ને સ્વભાવ તરફ વળ–એવો ઉપદેશ ક્યારે બને? –કે જો સ્વભાવથી આત્મા
વિકારનો અકર્તા જ હોય તો જ તે ઉપદેશ બની શકે.