Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
: ૨૬૦ : આત્મધર્મ ૨૪૭૭ : આસો :
અનેકાન્ત
[અનેકાન્ત દરેક વસ્તુને ‘પોતાથી પૂર્ણ’ ને ‘પરથી પૃથક્’ જાહેર કરે છે]

દરેક વસ્તુ અનેકાંન્તસ્વરૂપથી નક્કી થાય છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી અસ્તિ–નાસ્તિ
આદિ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. દરેક વસ્તુ પોતાપણે અસ્તિરૂપ છે ને પરપણે
નાસ્તિરૂપ છે, આવા અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્ત વડે દરેક વસ્તુનું સ્વરૂપ નક્કી થાય છે. આ જ ન્યાયે,
ઉપદાન–નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર અને દ્રવ્ય–પર્યાય એ દરેક બોલનું સ્વરૂપ પણ અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્ત
વડે નીચે મુજબ નક્કી થાય છે:– –
નિમિત્ત સંબંધી અનેકાન્ત
ઉપાદન અને નિમિત્ત એ બંને ભિન્ન પદાર્થો છે; બંને પદાર્થો પોતપોતાના સ્વરૂપે અસ્તિરૂપ છે ને બીજાના
સ્વરૂપે નાસ્તિરૂપ છે; આ રીતે નિમિત્ત સ્વપણે છે ને પરપણે નથી, નિમિત્ત નિમિત્તરૂપે અસ્તિરૂપે છે ને
ઉપાદાનપણે તે નાસ્તિરૂપ છે. એટલે ઉપાદાનમાં નિમિત્તનો અભાવ છે તેથી ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરી શકે
નહિ. નિમિત્ત નિમિત્તનું કાર્ય કરે ને નિમિત્ત ઉપાદાનનુ કાર્ય ન કરે–આવું અનેકાન્તસ્વરૂપે છે. આવા
અનેકાન્તસ્વરૂપે નિમિત્તને જાણે તો જ નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય છે. ‘નિમિત્ત નિમિત્તનું કાર્ય પણ કરે ને
નિમિત્ત ઉપાદાનનું કાર્ય પણ કરે’ એમ કોઈ માને તો તેનો અર્થ એ થયો કે નિમિત્ત પોતાપણે અસ્તિરૂપ છે ને
પરપણે પણ અસ્તિરૂપ છે, એમ થતાં નિમિત્તપદાર્થમાં અસ્તિ–નાસ્તિરૂપ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો સિદ્ધ ન થયા,
માટે તે માન્યતા એકાંત છે. એટલે ‘નિમિત્ત ઉપાદાનનું કાંઈ પણ કાર્ય કરે’ એમ જેણે માન્યું તેણે આસ્તિ–
નાસ્તિરૂપ અનેકાન્ત વડે નિમિત્તના સ્વરૂપને જાણ્યું નથી પણ પોતાની મિથ્યા કલ્પનાથી એકાંત માની લીધું છે;
તેણે ઉપાદાન–નિમિત્તની ભિન્નતા નથી માની પણ તે બંનેની એકતા માની છે તેથી તેની માન્યતા મિથ્યા છે.
ઉપાદાન સંબંધી અનેકાન્ત
ઉપાદાન સ્વપણે છે ને પરપણે નથી, એમ ઉપાદાનનો અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તસ્વભાવ છે. ઉપાદાનના
કાર્યમાં ઉપાદાનના કાર્યની અસ્તિ છે ને ઉપાદાનના કાર્યમાં નિમિત્તના કાર્યની નાસ્તિ છે. ––આવા અનેકાન્ત વડે
દરેક વસ્તુનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જણાય છે, તો ઉપાદનમાં નિમિત્ત શું કરે? કાંઈ જ કરે નહિ. જે આમ જાણે તેણે
ઉપાદાનને અનેકાન્તસ્વરૂપે જાણ્યું છે; પણ ‘ઉપાદાનમાં નિમિત્ત કાંઈ પણ કરે’ ––એમ જે માને તેણે ઉપાદાનના
અનેકાન્ત સ્વરૂપને જાણ્યું નથી પણ એકાન્તસ્વરૂપે માન્યું છે, તેથી તેની માન્યતા મિથ્યા છે.
નિશ્ચય અને વ્યવહાર સંબંધી અનેકાન્ત
ઉપાદાન નિમિત્તની જેમ નિશ્ચય અને વ્યવહારનું પણ અનેકાન્તસ્વરૂપ છે. નિશ્ચય છે તે નિશ્ચયપણે
અસ્તિરૂપ છે ને વ્યવહારપણે નાસ્તિરૂપ છે; વ્યવહાર છે તે વ્યવહારપણે અસ્તિરૂપ છે ને નિશ્ચયપણે નાસ્તિરૂપ
છે. આ પ્રમાણે કથંચિત્ પરસ્પર વિરુદ્ધ બે ધર્મો હોવાથી તે અનેકાન્તસ્વરૂપ છે. નિશ્ચય અને વ્યવહારનો
એકબીજામાં અભાવ છે એમ અનેકાન્ત બતાવે છે, તો વ્યવહાર નિશ્ચયમાં શું કરે?
વ્યવહાર વ્યવહારનું કાર્ય કરે ને વ્યવહાર નિશ્ચયનું કાર્ય ન કરે એટલે કે વ્યવહાર બંધનનું કાર્ય કરે ને
અબંધપણાનું કાર્ય ન કરે, આવો વ્યવહારનો અનેકાન્તસ્વભાવ છે. એને બદલે વ્યવહાર વ્યવહારનું પણ કાર્ય કરે
ને વ્યવહાર નિશ્ચયનું કાર્ય પણ કરે–એમ જે માને તેણે વ્યવહારના અનેકાન્તસ્વરૂપને જાણ્યું નથી પણ વ્યવહારને
એકાંતપણે માન્યો છે.