[જ્ઞાનીનાં વચન પુરુષાર્થ–ઉત્તેજક હોય છે]
(શ્રીમદ્ રાજચંદ્રના પત્રોમાંથી કેટલાક અવતરણો)
જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.
–આત્મસિદ્ધિ: ૧૩૦
આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર
કરી તેને રેલવેના કામમાં લીધા છે! * આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ
બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તો જ્ઞાન થાય.
અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને
જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.
બે ઘડી પુરુષાર્થ કરે તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું. રેલવે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે તો પણ બે ઘડીમાં
તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.
જે વાતો જીવને મંદ કરી નાંખે, પ્રમાદી કરી નાંખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિ
રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધા બહાનાં છે.
જીવને સંસારી આલંબનો–વિટંબનાઓ–મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે
એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબન લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ
કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું. પણ પ્રથમ પુરુષાર્થ કરવો.
સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પણ પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.
જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું
કારણ અંતરથી આત્માર્થની ઈચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા
આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણો મળે ત્યારે મુક્તિ થાય. તે પાંચે કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ
પોતે જો પુરુષાર્થ કરે તો મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બધાં ખોટાં આલંબનો લઈ
માર્ગ આડા વિઘ્નો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તો વર્ષનું કામ બે
ઘડીમાં કરી શકાય. [પૃ. ૪૩૨]
જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે, તેથી એવા હીનપુરુષાર્થનાં વચનો કહે છે.
પંચકાળની, ભવસ્થિતિની, કે આયુષની વાત મનમાં લાવવી નહીં; અને એવી વાણી પણ સાંભળવી નહીં.
[પૃ. ૪૧૨]
ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષનો અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાખી છે. પણ જો
આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મોક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. તે ઉપાય
કાંઈ હાથી નથી, જળહળતો અગ્નિ નથી. મફતનો જીવને ભડકાવી દીધો છે. જીવને પુરુષાર્થ કરવો નથી; અને તેને
લઈને બહાનાં કાઢવા છે. આ પોતાનો વાંક સમજવો. સમતાની વૈરાગ્યની વાતો સાંભળવી, વિચારવી. બાહ્ય
વાતો જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી
રહે. [પૃ. ૪૨૬–૭]
જીવોને એવો ભાવ રહે છે કે, સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ–પુરુષાર્થ–કર્યા વિના
પ્રાપ્ત થતું નથી. [પૃ. ૪૯૨]
સત્પુરુષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં. પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય. [પૃ. ૪૨૮]
પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંત કાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન
કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે.
[પૃ. ૪૧૭]
* અહીં આ કથન માત્ર દ્રષ્ટાંતરૂપ છે–એમ સમજવું.
(અહીં આપેલા અવતરણો ગુજરાતી બીજી આવૃત્તિના છે.)