Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARM Regd. No. B. 4787
• નયમસર •
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત શ્રી સમયસાર અને પ્રવચનસાર જેવાં બે
ઉચ્ચતમ પરમાગમો બાદ, તેવી જ કોટિના આ ત્રીજા પરમાગમ શ્રી નિયમસારને
ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે.
“ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈનશાસ્ત્રમાળા” નું આ પ૮ મું પુષ્પ છે.
પરમ પૂ. ગુરુદેવશ્રી અને જિનવાણી માતા પ્રત્યેની પરમભક્તિથી પ્રેરાઈને
આત્માર્થી વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પોતાની અધ્યાત્મ–
રસિકતાવડે આ મહા શાસ્ત્રનો સર્વાંગ સુંદર ગુજરાતી અનુવાદ કર્યો છે. આવું
શાંતરસમય પરમ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે અને પરમ પૂજ્ય
ગુરુદેવ દ્વારા તેના અગાધ આધ્યાત્મિક ઊંડાણ પ્રગટ થતાં જાય છે તે આપણું
મહા સદ્ભાગ્ય છે.
આ પુસ્તકમાં મૂળ સૂત્રો, સંસ્કૃત છાયા, શ્રી પદ્મપ્રભ મુનિરાજ કૃત સંસ્કૃત
ટીકા અને તેનો અક્ષરશ: ગુજરાતી અનુવાદ તેમ જ મૂળ ગાથાઓનો ગુજરાતી
પદ્યાનુવાદ (હરિગીત) છપાયા છે. આખું પુસ્તક દ્વિરંગી છપાયું છે; ઉપરાંત
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ અને પૂ. સદ્ગુરુદેવ–એ બંનેના અતિ આકર્ષક અને
ભવ્ય ત્રિરંગી ચિત્રો પણ આ પુસ્તકમાં અપાયા છે. આ પુસ્તકની બે હજાર
નકલો છપાઈ છે, એકંદર લગભગ ૪૦૦ પૃષ્ઠ છે. લાગત મૂલ્ય લગભગ પાંચ
રૂપિયા થતા હોવા છતાં તેનું મૂલ્ય માત્ર સાડાત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે.
અનુવાદક પોતાની ભાવના વ્યક્ત કરતાં ઉપોદ્ઘાતમાં લખે છે કે: ‘આ
અનુવાદ ભવ્ય જીવોને શાશ્વત પરમાનંદની પ્રાપ્તિ કરાવો, એ મારી હાર્દિક ભાવના
છે. જે જીવો આ પરમેશ્વર પરમાગમમાં કહેલા ભાવોને હૃદયગત કરશે તેઓ
અવશ્ય સુખધામ કારણપરમાત્માનો નિર્ણય અને અનુભવ કરી, તેમાં પરિપૂર્ણ
લીનતા પામી, શાશ્વત પરમાનંદદશાને પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એ ભાવો હૃદયગત
ન થાય ત્યાં સુધી આત્માનુભવી મહાત્માના આશ્રયપૂર્વક તે સંબંધી સૂક્ષ્મ વિચાર
અને ઊંડું અંતરશોધન કર્તવ્ય છે. જ્યાં સુધી પરદ્રવ્યોથી પોતાનું સર્વથા ભિન્નપણું
ભાસે નહિ અને પોતાના ક્ષણિક પર્યાયો ઉપરથી પણ દ્રષ્ટિ છૂટીને એકરૂપ
કારણપરમાત્માનું દર્શન થાય નહિ ત્યાં સુધી જ પવું યોગ્ય નથી. એ જ પરમાનંદ
પ્રાપ્તિનો ઉપાય છે.’
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણીં મોટા આંકડિયા. (જિલ્લા અમરેલી)
મુદ્રક:– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૧–૧૦–૫૧