Atmadharma magazine - Ank 096
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
સુવર્ણપુરી – સમાચાર

ધાર્મિકોત્સવ દર સાલ પ્રમાણે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. હંમેશ સવારમાં પૂજન, પ્રવચન, બપોરે
સ્વાધ્યાય, પ્રવચન, ભક્તિ તથા સાંજે આરતિ, પ્રતિક્રમણ અને રાત્રિચર્ચા થતાં હતાં. પ્રવચનમાં સવારે શ્રી
સમયસારના બંધ અધિકારની ગા. ૨૮૩ થી ૨૮૭ વંચાઈ હતી અને બપોરે શ્રી પદ્મનંદી પચીસીમાંથી
ઋષભજિન સ્તોત્ર ઉપર ભક્તિરસ ભરેલાં પ્રવચનો થયાં હતાં.
ભાદરવા સુદ એકમના રોજ સવારે મહાન પરમાગમ શ્રી નિયમસારજીના ગુજરાતી અનુવાદનું પ્રકાશન
ઘણા ઉલ્લાસપૂર્વક થયું હતું. સવારે પૂજન બાદ નિયમસારજીના પ્રકાશન–મહોત્સવ નિમિત્તે શાસ્ત્ર–યાત્રા નીકળી
હતી. ત્યાર બાદ આત્માર્થી ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમળમાં ઘણી ભક્તિપૂર્વક
નિયમસાર અર્પણ કર્યું હતું. પ્રવચનમાં પ્રથમ માંગળિક તરીકે પૂ. ગુરુદેવશ્રીએ નિયમસારનો ૨૯૭મો કળશ
વાંચ્યો હતો. પ્રવચન પછી નિયમસારજીની પૂજા થઈ હતી. એમ વિધવિધ ઉલ્લાસપૂર્વક નિયમસાર શાસ્ત્રનું
પ્રકાશન થયું હતું.
ભાદરવા સુદ ત્રીજે સવારે પ્રભુજીની રથયાત્રા નીકળી હતી, ને વનમાં અભિષેક–પૂજનાદિ થયા હતાં.
ભાદરવા સુદ ચોથથી દસલક્ષણધર્મની શરૂઆત થઈ હતી. (આ વખતે એક તિથિ વચમાં ઘટતી હોવાથી
દસલક્ષણધર્મની શરૂઆત ભાદરવા સુદ ચોથથી થઈ હતી.) દસલક્ષણધર્મ ઉત્સાહથી ઊજવવામાં આવ્યા હતા. આ
દિવસો દરમિયાન સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાંથી દસલક્ષણધર્મનું સ્વરૂપ પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચનમાં વાંચ્યું હતું.
ભાદરવા સુદ પાંચમે જિનેન્દ્રદેવની રથયાત્રા ગામમાં ફરી હતી.
દસલક્ષણધર્મના છેલ્લા દિવસોમાં બપોરે પૂ. ગુરુદેવશ્રીના રેકોર્ડિંગ–પ્રવચનો પણ સંભળાવવામાં આવતા
હતા અને ભક્તિના ખાસ કાર્યક્રમો ગોઠવાતા હતા.
ભાદરવા સુદ ૧૪ (અનંત ચતુર્દશી) ના રોજ મહાન પરમાગમ શ્રી નિયમસાર ઉપરના પ્રવચનો શરૂ થયા
હતા. (આ પહેલાંં પંચાસ્તિકાય વંચાતું હતું, તેની આઠ ગાથાઓ વંચાયેલ; ત્યાર પછી નિયમસારનું વાંચન શરૂ
થતાં તે વાંચન બંધ રહ્યું હતું.) પ્રવચન બાદ પ્રભુજીની રથયાત્રા નીકળી હતી ને વનમાં અભિષેક–પૂજન થયા હતા.
ભાદરવા વદ એકમે ક્ષમાવણી દિન ઉજવાયો હતો. આ દિવસે જિનમંદિરમાં શ્રી સીમંધરજિનેન્દ્રનો ૧૦૮
કલશથી મહા અભિષેક ઘણા જ ઉલ્લાસ અને ભક્તિપૂર્વક થયો હતો. આ પ્રસંગે રત્નત્રયપૂજન વગેરે પણ થયું હતું.
આત્મધર્મના ગ્રાહકોને સૂચના
આ અંકની સાથે આત્મધર્મનું આઠમું વર્ષ પૂરું થાય છે. માટે દરેક ગ્રાહકોએ પોતાનું નવા વર્ષનું લવાજમ
તુરત મોકલી દેવા વિનંતિ છે આસો વદ૦) સુધીમાં જે ગ્રાહકોનું લવાજમ નહિ આવે તેમને વી. પી. થી કારતક
માસનો અંક મોકલવામાં આવશે. નાના ગામની પોસ્ટઓફિસમાં ઘણા વી. પી. કરવામાં બહુ મુશ્કેલી પડે છે,
તેથી આશા છે કે ગ્રાહકો પોતાનું લવાજમ વેલાસર મોકલીને આત્મધર્મની વ્યવસ્થામાં સહકારરૂપ થશે. લવાજમ
મોકલવાનું સરનામું:
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ: સૌરાષ્ટ્ર.
વડોદરામાં દિગંબર જિનમંદિર
વડોદરામાં ઘણા ધર્મપ્રેમી મુમુક્ષુઓ વસે છે, અને ત્યાં દિગંબર જિનમંદિર છે. પણ તે દિગંબર જિનમંદિર
‘ક્યાં છે તેની ઘણાને ખબર નથી; તેથી આ બાબતમાં વડોદરાથી એક પત્ર છે. તેમાં જણાવે છે કે: ‘વડોદરામાં
વસતા આત્મધર્મપ્રેમી ભાઈઓને વિનતિ કરવામાં આવે છે કે વડોદરામાં માંડવીથી પાણી દરવાજા રોડ, નવી
પોળ માં દિગંબર જૈનમંદિર તેમ જ ધર્મશાળા છે; તે મંદિરમાં હંમેશાં સ્વાધ્યાય માટે મંદિરના વહીવટકર્તા તરફથી
સગવડ કરાવી આપવામાં આવશે. ભવ્યજીવોને ધર્મનો લાભ લેવા માટે આ સૂચના આપવામાં આવી છે.’
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ –એ લેખમાળા (પ્રવચનસારના પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો) નું
લખાણ આ અંકે આપી શકાયું નથી.