Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૧૯ઃ
છતાં તેનો વિષય અલ્પ છે, ને શ્રુતજ્ઞાન પરોક્ષ હોવા છતાં તેનો વિષય ઘણો વિશાળ છે, શ્રુતજ્ઞાન પોતાના
વિષયભૂત પદાર્થના સર્વ ક્ષેત્ર–કાળને જાણે છે. એવા શ્રુતજ્ઞાનમાં અનંત નયો છે. અહીં પરને જાણવાના નયોની
વાત નથી પણ પોતાના આત્માને જાણનારા નયોની વાત છે. સાધક જીવ પોતાના આત્માને નયો વડે કેવો જાણે
છે તેનું આ વર્ણન છે.
‘અસ્તિત્વ–નાસ્તિત્વ’ નામના નયથી જોતાં આત્મા અસ્તિત્વ–નાસ્તિત્વવાળો છે. સ્વથી અસ્તિપણું
અને પરથી નાસ્તિપણું વસ્તુમાં એક સાથે જ છે, જ્ઞાન પણ એક સમયમાં જ તેને જાણે છે અને વાણીદ્વારા તે
કથંચિત્ કહી પણ શકાય છે; એ રીતે સપ્તભંગીના ત્રીજા બોલમાં ‘અસ્તિ–નાસ્તિ’ ધર્મ કહ્યો. વાણીવડે અસ્તિ
નાસ્તિ બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી તેથી અવક્તવ્ય છે એ વાત હવેના બોલમાં આવશે. આ તો
વક્તવ્યનો બોલ છે, અસ્તિ–નાસ્તિ બંને ધર્મો જ્ઞાનમાં એક સાથે આવી જાય છે ને વાણીથી તે ક્રમે કરીને કહી
પણ શકાય છે, આવો અસ્તિત્વ–નાસ્તિત્વ નામનો આત્માનો ધર્મ છે.
વાણીમાં ક્રમ પડે છે પણ જ્ઞાન અને વસ્તુના ધર્મો તો અક્રમ છે. અસ્તિ, નાસ્તિ એમ કહેવામાં ક્રમ પડે છે
પણ વાચ્યરૂપ વસ્તુમાં કાંઈ તે ધર્મો ક્રમે ક્રમે રહેલા નથી, વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે છે. દ્રવ્યમાં અનંતા
ધર્મો એક સાથે જ છે, અનંતા ધર્મોનો ભાવ એક સાથે વર્તે છે તે જ દ્રવ્ય છે, જ્ઞાનમાં પણ અનંત ધર્મો એક સાથે
જણાય છે, વાણીમાં અનંતા ધર્મો એક સાથે આવી શકતા નથી પણ ક્રમ પડે છે, વાણીથી બધા ધર્મો ન કહી
શકાય પણ અમુક ધર્મો જ કહી શકાય છે; માટે શબ્દ સામે જોયે વસ્તુ પકડાય તેવી નથી પણ જ્ઞાનને અંર્તમુખ
કરીને વસ્તુસ્વભાવને પકડે તો જ વસ્તુ સમજાય તેવી છે. આ ૪૭ નયોથી ૪૭ ધર્મોનું વર્ણન કર્યું છે તેનું તાત્પર્ય
એકેક ધર્મના ભેદ સામે જોવાનું નથી પણ એવા અનંત ધર્મોને ધારણ કરનાર ચૈતન્યદ્રવ્યને લક્ષમાં લઈને તેનો
અનુભવ કરવો તે જ તાત્પર્ય છે.
(અહીં અસ્તિત્વ–નાસ્તિત્વધર્મનું વર્ણન પૂરું થયું–પ.)
*
(૬) અવક્તવ્યનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય અવક્તવ્યનયે યુગપદ્ સ્વ–પર દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અવક્તવ્ય છે.’ (અહીં તીરનું
દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
સ્વચતુષ્ટયથી અસ્તિત્વ અને પરચતુષ્ટયથી નાસ્તિત્વ, એવા બંને ધર્મો આત્મામાં એક સાથે છે, પણ
વાણીદ્વારા તે બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી. ‘સ્વથી અસ્તિ છે’ એમ કહેતાં તે જ વખતે બીજા નાસ્તિધર્મનું
કથન બાકી રહી જાય છે અને ‘પરથી નાસ્તિ છે’ એમ કહેતાં તે જ વખતે બીજા અસ્તિધર્મનું કથન બાકી રહી
જાય છે, એ રીતે વાણી દ્વારા બંને ધર્મો એક સાથે કહી શકાતા નથી માટે આત્મા અવક્તવ્ય છે. સર્વથા અવક્તવ્ય
નથી પણ બંને ધર્મો યુગપદ કહી શકાતા નથી તે અપેક્ષાએ અવક્તવ્ય છે, ક્રમે તો કહી શકાય છે. તે અપેક્ષાએ
વક્તવ્ય છે. વસ્તુમાં બંને ધર્મો એક સાથે જ છે. અવક્તવ્યથી વસ્તુને અવક્તવ્ય કીધી, તે વખતે જ વસ્તુમાં
કથંચિત્ ‘વક્તવ્ય’ ધર્મ પણ છે તેને જો ન સ્વીકારે તો અવક્તવ્યનય પણ મિથ્યા છે. અનંતધર્મવાળી આખી
વસ્તુના સ્વીકારપૂર્વક તેના એકેક ધર્મનું જ્ઞાન તે નય છે.
‘અવક્તવ્ય’ એવો શબ્દ તે વાચક છે ને તેના વાચ્યરૂપ ભાવ તે આત્માનો અવક્તવ્યધર્મ છે.
‘અવક્તવ્ય’ એવા શબ્દમાં આત્માનો અવક્તવ્ય નામનો ધર્મ રહેલો નથી; તે ધર્મ તો આત્મામાં રહેલો છે.
આત્મા કેવડો?–કે એક સાથે અનંતધર્મોને પોતામાં ધારણ કરી રાખે તેવડો. કોઈ પણ બીજાની સહાય
વિના પોતે પોતાના સ્વભાવથી જ અનંતધર્મોવાળો છે. આવડા મોટા અનંતમહિમાવાળા પોતાના આત્માને
પ્રતીતમાં લ્યે તો જ સમ્યક્શ્રદ્ધા કહેવાય. આવડા મોટા ધર્મીની કબૂલાત કરે તો જ તેના આશ્રયે ધર્મની શરૂઆત
થાય છે. દરેક આત્મા અનંતધર્મોવાળો ધર્મી છે તેને કબૂલનારી શ્રદ્ધા પણ આવડી મોટી અને ગંભીર છે. તે શ્રદ્ધા
કોઈ નિમિત્તના આશ્રયે કે રાગના આશ્રયે થતી નથી પણ સ્વભાવના આશ્રયે જ થાય છે. આવા આત્માની
કબૂલાત વગર ‘આત્મા તો અખંડ છે, શુદ્ધ છે’ એમ ઉપર–ઉપરથી સાંભળીને માને, તો તેને આત્માનો જેવડો
મહિમા છે તેવડો ભાસે નહિ એટલે તેની શ્રદ્ધા છીછરી–પાતળી–મિથ્યા છે. જેટલા અનંતધર્મોવાળો આત્મા
કેવળજ્ઞાનમાં જણાય છે તે બધાય ધર્મોવાળો આત્મા સમ્યક્શ્રદ્ધાની પ્રતીતમાં આવી જાય છે. શ્રદ્ધા ધર્મોના ભેદ
નથી પાડતી પણ અભેદ આત્માની પ્રતીતમાં તે બધા ધર્મો સમાઈ જાય છે. અનંતધર્મોના સ્વીકારપૂર્વક અભેદ