Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
ઃ ૨૦ઃ આત્મધર્મઃ ૯૭
આત્માની શ્રદ્ધા કરે છે. જે જીવ પોતાના આત્માને અનંતધર્મવાળો કબૂલે તે જીવ ક્ષણિક રાગાદિભાવો જેટલો
પોતાને માને જ નહિ. જો રાગ જેટલો જ પોતાને માને તો અનંતધર્મોવાળો આત્મા કબૂલી શકે નહિ; એટલે
અનંતધર્મોવાળા આત્માની યથાર્થ કબૂલાતમાં તો સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન આવી જાય છે.
જે આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વધર્મવાળો છે તે જ આત્મા પરના દ્રવ્ય–ક્ષેત્ર–
કાલભાવથી નાસ્તિત્વધર્મવાળો છે, તે જ આત્મા એક સાથે બંને ધર્મોવાળો હોવાથી અસ્તિત્વનાસ્તિત્વધર્મવાળો
છે, અને તે બંને ધર્મો એકસાથે કહી શકાતા નથી તે અપેક્ષાએ, તે જ આત્મા અવક્તવ્યધર્મવાળો છે;–એ પ્રમાણે
સપ્તભંગીના ચાર ભંગ કહ્યા. જુઓ! આ અસ્તિ–નાસ્તિ આદિ સપ્તભંગી છે તે સર્વજ્ઞવીતરાગદેવે કહેલા
આત્મદ્રવ્યને ઓળખવાનો ‘ટ્રેઈડ માર્ક’ છે, તેના વડે તારા આત્માને પરથી જુદો ને પોતાના અનંતધર્મોથી
એકમેક ઓળખી લેજે. આ સપ્તભંગી તો દરેકેદરેક પદાર્થમાં લાગુ પડે છે, પણ અત્યારે તો આત્માના ધર્મોનું
વર્ણન ચાલે છે, તેથી આત્મા ઉપર તે સપ્તભંગી ઉતારી છે.
સપ્તભંગીના ચાર ભંગ કહ્યા; હવે પાંચમો ભંગ કહે છેઃ ૪૭ ધર્મોના ક્રમમાં આ સાતમો ધર્મ છેઃ
(૭) અસ્તિત્વ–અવક્તવ્યનયે આત્માનું વર્ણન
જે અનંતધર્મોવાળું આત્મદ્રવ્ય છે તે અસ્તિત્વ–અવક્તવ્યનયે સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી તથા યુગપદ્
સ્વપરદ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી અસ્તિત્વવાળું–અવક્તવ્ય છે. (અહીં તીરનું દ્રષ્ટાંત છે તે મૂળમાં જોઈ લેવું.)
આ અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ સાતે પ્રકારના ધર્મો વસ્તુના સ્વભાવમાં છે; અસ્તિત્વ અને નાસ્તિત્વ એ
બે જ ધર્મો વસ્તુમાં છે ને બીજા પાંચ ધર્મો નથી–એમ નથી. જો વસ્તુમાં સાતે ધર્મો ન હોય તો તેનું કથન પણ ન
હોય, કેમ કે વાચક છે તે વાચ્યને બતાવે છે.
(૧) વસ્તુ સ્વપણે છે; એમ અસ્તિત્વ કહી શકાય છે.
(૨) વસ્તુ પરપણે નથી, એમ નાસ્તિત્વ કહી શકાય છે.
(૩) વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી. એમ અસ્તિત્વ–નાસ્તિત્વ ક્રમથી કહી શકાય છે.
–એ રીતે પહેલા ત્રણે ભંગ વક્તવ્યમાં આવે છે.
(૪) વસ્તુ સ્વપણે છે ને પરપણે નથી, એમ બંને એક સાથે કહી શકાતા નથી માટે અવક્તવ્ય છે.
(પ) ‘વસ્તુ સ્વપણે છે’ એમ અસ્તિત્વનું કથન કરતાં, ‘વસ્તુ પરપણે નથી’ એવું નાસ્તિત્વનું કથન બાકી
રહી જાય છે, ‘અસ્તિત્વ’ કહી શકાયું પણ બંને સાથે ન કહી શકાયા તે અપેક્ષાએ વસ્તુ અસ્તિ–અવક્તવ્ય છે.
અસ્તિત્વ અને અવક્તવ્ય એ બંને ધર્મો ભેગા કરીને આ ધર્મ કહ્યો છે–એમ નથી, પણ અસ્તિત્વ અને
અવક્તવ્ય એ બંને સિવાયનો આ પણ એક સ્વતંત્ર ધર્મ છે. જ્ઞાનના અનંતનયોમાં અસ્તિત્વનય વગેરે સાત
નયો ભિન્ન ભિન્ન છે તેમ જ તે સાતે નયોના વિષયભૂત સાત ધર્મો વસ્તુમાં ભિન્ન ભિન્ન છે.
‘અસ્તિત્વ’ કહેતાં વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ એ ચારે એક સાથે આવી જાય છે. હું આત્મા છું, મારા
દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી છું એમ અસ્તિત્વને જાણ્યું તે ક્ષણે જ ‘હું પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવથી નથી’ એવું
નાસ્તિત્વનું જ્ઞાન પણ ભેગું જ પડયું છે; વસ્તુમાં બધા ધર્મો એક સાથે છે, પ્રમાણજ્ઞાનમાં બધા એક સાથે જણાય
છે, પણ વાણીમાં એકસાથે કહી શકાતા નથી. આત્મા સ્વપણે છે એમ કહ્યું તે જ વખતે આત્મામાં બીજા
અનંતધર્મો છે તે કહી શકાયા નહિ–આ અપેક્ષાએ આત્મા ‘અસ્તિત્વ–અવક્તવ્ય’ ધર્મવાળો છે. જે જ્ઞાન આ
અપેક્ષાથી આત્માને લક્ષમાં લ્યે તેને અસ્તિત્વ–અવક્તવ્યનય કહેવાય છે.
દરેક આત્મા એક સમયમાં પોતાના અનંત ધર્મોનો અધિષ્ઠાતા છે; તેને ઓળખવા માટે આ વર્ણન ચાલે
છે. જેટલા ધર્મી જીવો હોય તે બધાયના શ્રદ્ધા–જ્ઞાનમાં આવો અનંત ધર્મવાળો આત્મા એક સરખો જ હોય છે.
એક ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં અમુક પ્રકારનો આત્મા હોય ને બીજા ધર્મીના શ્રદ્ધા–જ્ઞાનમાં તેથી જુદા પ્રકારનો
આત્મા હોય–એવી વિવિધતા હોતી નથી. આવા આત્માના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કર્યા પછી કોઈને તેમાં વિશેષ
લીનતા હોય ને કોઈને ઓછી લીનતા હોય–એમ ચારિત્રમાં વિવિધતા હોય છે, પણ તેમાં વિરોધતા હોતી નથી.
હીન–અધિકતાના કારણે વિવિધતા હોવા છતાં તેની જાત તો એક જ પ્રકારની છે તેથી તેમાં વિરોધતા નથી.
અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય એક સરખો જ છે.