દરેક દ્રવ્યની સ્વકાળલબ્ધિ
શ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષાની ૨૧૭ મી ગાથામાં કહે છે કેઃ સર્વે દ્રવ્યોમાં પરિણમવાની
શક્તિ સ્વભાવભૂત છે, અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છે–
णियणियपरिणामाणं णियणियदव्वं पि कारणं होदि।
अण्णं बाहिरदव्वं णिमित्तमत्तं वियाणेह।।२१७।।
અર્થઃ– સર્વે દ્રવ્યો પોતપોતાના પરિણામોના ઉપાદાનકારણ છે; જે બીજા બાહ્ય દ્રવ્યો છે
તે અન્યના નિમિત્તમાત્ર છે એમ જાણો.
ભાવાર્થઃ– જે ઘટાદિકનું ઉપાદાનકારણ માટી છે અને ચાક, દંડ વગેરે નિમિત્તકારણ છે
તેમ સર્વે દ્રવ્યો પોતાના પર્યાયોના ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે.
દ્રવ્યોના સ્વભાવભૂત અનેક શક્તિઓ છે, તેને કોણ નિષેધી શકે?–અર્થાત્ કોઈ નિષેધી ન
શકે–એમ કહે છે–
कालाइलद्धिजुत्ता णाणासत्तीहिं संजुदा अत्था।
परिणममाणा हि सयं ण सक्कदे को वारेदुं।।२१९।।
અર્થઃ– બધાય પદાર્થો કાળ આદિ લબ્ધિ સહિત અને અનેક શક્તિઓથી સંયુક્ત છે તેમ
જ સ્વયં પરિણમે છે; તેમને પરિણમતા નિવારવાને કોઈ સમર્થ નથી.
ભાવાર્થઃ– સર્વે દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ સામગ્રીને પામીને પોતે
જ ભાવરૂપે પરિણમે છે, તેને કોઈ નિવારી નથી શકતું.
વળી ૨૪૪ મી ગાથામાં કહે છે કે–
सव्वाण पज्जयाणं अविज्जमाणाण होदि उप्पत्ती।
कालाइलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि।।२४४।।
અર્થઃ– અનાદિનિધન દ્રવ્યને વિષે કાળ આદિ લબ્ધિથી સર્વે અવિદ્યમાન પર્યાયોની જ
ઉત્પત્તિ છે.
ભાવાર્થઃ– અનાદિનિધન દ્રવ્યને વિષે કાળાદિ લબ્ધિથી પર્યાય અવિદ્યમાન (એટલે કે
અણછતી) ઊપજે છે. એમ નથી કે ‘સર્વે પર્યાયો એક જ સમયે વિદ્યમાન છે અને તે ઢાંકેલા છે
તેમાંથી ઉઘડતા જાય છે!’ પરંતુ સમયે સમયે ક્રમે કરીને નવા નવા જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય
ત્રિકાળવર્તી સર્વે પર્યાયોનો સમુદાય છે, કાળભેદથી ક્રમે ક્રમે પર્યાયો થાય છે.
(દરેક દ્રવ્યને પોતાના પર્યાયથી કાળલબ્ધિ હોય છે. દરેક દ્રવ્યમાં તે તે સમયની જે
પર્યાય છે તે જ તેની સ્વકાળલબ્ધિ છે. દ્રવ્ય પોતાની સ્વકાળલબ્ધિ અનુસાર સ્વયં પરિણમે છે,
તેના સ્વકાળલબ્ધિથી થતા પર્યાયોને આઘાપાછા ફેરવવા કોઈ સમર્થ નથી.–એવું વસ્તુસ્વરૂપ
ઉપરની ગાથાઓમાં સ્પષ્ટપણે બતાવ્યું હોવાથી તે ગાથાઓ અહીં આપવામાં આવી છે.)
*