Atmadharma magazine - Ank 097
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 25

background image
કારતકઃ ૨૪૭૮ઃ ૩ઃ
જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થતો
અનંતધર્મસ્વરૂપ અનેકાન્તમૂર્તિ આત્મા
શ્રી સમયસાર પૃ. પ૦૩–૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના આત્મસન્મુખતાપ્રેરક સુંદર પ્રવચનો.
(સમયસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે અનેકાન્તનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પ્રથમ,
આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં તેને પણ અનેકાન્તપણું છે–એ વાત સિદ્ધ કરી છે; અને
પછી આત્માની અનંત શક્તિઓમાંથી ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાંથી અહીં
પ્રથમવિષય ઉપરનાં પ્રવચનો આપવામાં આવે છે; ૪૭ શક્તિ ઉપરનાં પ્રવચનો હવે પછી
આપવામાં આવશે.)
(વીર સં. ૨૪૭૪ આસો વદ ૧૪)
આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે; તેને પર દ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન ઓળખાવવા માટે
આચાર્યદેવ ‘જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં એકાંત થઈ જતો નથી; કેમ
કે, ‘આત્મા જ્ઞાનમાત્ર છે’ એમ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગાદિભાવોનો તો નિષેધ થઈ જાય છે, પણ
જ્ઞાનની સાથે રહેનારા શ્રદ્ધા, સુખ વગેરે ગુણોનો કાંઈ નિષેધ થતો નથી. એ રીતે જ્ઞાન સાથે બીજા અનંત ધર્મો
પણ આત્મામાં ભેગા જ હોવાથી જ્ઞાનમાત્ર આત્માને અનેકાંતપણું છે, તે વાત અહીં આચાર્યદેવ પ્રશ્ન–ઉત્તરદ્વારા
સ્પષ્ટ કરે છે.
પ્રશ્નઃ–આત્મા અનેકાંતમય હોવા છતાં પણ તેને ‘જ્ઞાનમાત્ર’ કેમ કહો છો? આત્મામાં કાંઈ એક
જ્ઞાનગુણ જ નથી પણ શ્રદ્ધા, ચારિત્ર, સુખ, અસ્તિત્વ, જીવત્વ, પ્રભુત્વ વગેરે અનંત ગુણો તેનામાં છે,
છતાં ‘જ્ઞાનમાત્ર આત્મા છે’ એમ કહેવાનું શું કારણ છે? ‘આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનમાત્ર છે, રાગાદિથી
નિરાળો એકલો જ્ઞાયકભાવ છે’ એમ આખા સમયસારમાં ‘જ્ઞાનમાત્ર’ એવું જોર આપીને કહ્યું છે, તો
આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી બીજા ધર્મોનો નિષેધ તો નથી થઈ જતો ને? અનંત ધર્મોવાળો હોવા છતાં
આત્માને જ્ઞાનમાત્ર કહેવાનું પ્રયોજન શું છે?–આ પ્રમાણે શિષ્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછનારે એટલું તો
લક્ષમાં લીધું છે કે આચાર્યદેવ આત્માને પરથી અને વિકારથી તો જુદો જ બતાવે છે; આત્મા જ્ઞાનમાત્ર
છે–એમ બતાવે છે. એટલું લક્ષમાં લઈને પૂછે છે કે પ્રભો! અનંતધર્મવાળા આત્માને જ્ઞાન માત્ર કેમ
કહ્યો?
તે શિષ્યના પ્રશ્નનો આચાર્યદેવ ઉત્તર આપે છે કેઃ લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે
આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. જ્ઞાન છે તે આત્માનો અસાધારણ ગુણ છે તેથી તે આત્માનું લક્ષણ છે. તે
જ્ઞાનલક્ષણ વડે આત્માની પ્રસિદ્ધિ થાય છે.
જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે. જ્ઞાનલક્ષણ આત્માની પ્રસિદ્ધિ કરે છે. રાગ તે આત્માનું લક્ષણ
નથી. જ્ઞાનલક્ષણ આત્માને રાગથી જુદો જાણીને શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે.–કયું જ્ઞાન? પર તરફ વળેલું જ્ઞાન
નહિ પણ અંતર્મુખ થઈને આત્માને જે જ્ઞાન જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જે જ્ઞાન શુદ્ધ આત્માને ન જાણે
અને રાગમાં જ એકાકાર થઈ જાય તેને ખરેખર જ્ઞાન જ કહેતાં નથી, કેમકે તેણે આત્માની પ્રસિદ્ધિ ન કરી પણ
રાગની પ્રસિદ્ધિ કરી. જ્ઞાનનું કાર્ય આત્મવસ્તુને પ્રસિદ્ધ કરવાનું છે, પણ તે વ્યવહારને–રાગને કે પરને પ્રસિદ્ધ
કરતું નથી. ‘રાગ તે હું નહિ, શુદ્ધ આત્મા તે હું’ એમ જ્ઞાન જાહેર કરે છે પણ ‘રાગ તે હું’ એમ તે જાહેર નથી
કરતું. આ રીતે આત્માને પ્રસિદ્ધ કરવા માટે તેને ‘જ્ઞાનમાત્ર’ કહેવામાં આવ્યો છે. ‘જ્ઞાનમાત્ર’ કહીને એકલો
જ્ઞાનગુણ નથી બતાવવો પણ આખો આત્મા બતાવવો છે.