Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
પરમાત્માનું પ્રતિબિંબ
ભગવાનની પરમ શાંત વીતરાગી પ્રતિમા પાસે સમકીતિ એકાવતારી ઈંદ્ર–ઈંદ્રાણી પણ ભક્તિથી
નાચી ઊઠે છે. નંદીશ્વર નામના આઠમા દ્વીપમાં રત્નના શાશ્વત જિનબિંબો છે, ત્યાં કારતક, ફાગણ અને
અષાડ મહિનામાં સુદ ૮ થી ૧પ સુધી દેવો ભક્તિ કરવા જાય છે. જેમ આત્મામાં પરમાત્મપણાની શક્તિ
સદાય છે અને તે શક્તિ પ્રગટેલા સર્વજ્ઞ પરમાત્મા પણ જગતમાં સદાય એક પછી એક થયા જ કરે છે એટલે
પરમાત્મદશાને પામેલા આત્માઓ અનાદિથી છે, તેમ તે પરમાત્મપણાના પ્રતિબિંબ તરીકે જિનપ્રતિમા પણ
અનાદિથી શાશ્વત છે. તેમની પાસે જઈને ઈંદ્ર–ઈંદ્રાણી જેવા એકાવતારી જીવો પણ ભક્તિથી થનગન કરતાં
નાચી ઊઠે છે.
–તે વખતે અંદર તેમને ભાન છે કે આ મૂર્તિનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે, શરીરની
ઊંચુ–નીચું થવાની ક્રિયાનું અસ્તિત્વ તેના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે, મૂર્તિમાં કે દેહની ક્રિયામાં મારું
અસ્તિત્વ નથી, મારું અસ્તિત્વ મારા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવમાં છે. આવા સમ્યક્ ભાનમાં સ્વાશ્રયે પોતાનો
સ્વકાળ અંશે તો નિર્મળ થયો છે ને અલ્પકાળમાં દ્રવ્યની પરમાત્મશક્તિનો પૂરો આશ્રય કરતાં પૂર્ણ નિર્મળ
સ્વકાળ પ્રગટી જશે, એટલે પોતે પરમાનંદમય પરમાત્મા થઈ જશે.
–પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી.
આત્માને રાજી કરવાની ધગશ
અજ્ઞાની જીવોની બાહ્ય દ્રષ્ટિ હોવાથી તે એમ માને છે કે હું પરનો આશ્રય લઉં તો ધર્મ થાય; પણ
જ્ઞાની કહે છે કે હે ભાઈ! તે બધાનો આશ્રય છોડીને તું અંતરમાં તારા આત્માની શ્રદ્ધા કર, આત્માને
પ્રગટાવવાનો આધાર અંતરમાં છે. આત્માની પવિત્રતા અને આત્માનો આનંદ તે આત્મામાંથી જ પ્રગટે છે,
બહારથી કોઈ કાળે પણ પ્રગટતો નથી.
જીવોને આ વાત મોંઘી પડે છે એટલે બીજો રસ્તો લેવાથી જાણે ધર્મ થઈ જશે! એમ તેમને ઊંધુંં શલ્ય
પેઠું છે. પણ ભાઈ! અનંત વરસ સુધી તું બહારમાં જોયા કર તોપણ આત્મધર્મ ન પ્રગટે. માટે પરનો આશ્રય
છોડીને સ્વતત્ત્વની રુચિ કરવી–પ્રેમ કરવો.....મનન કરવું તે જ સત્ સ્વભાવને પ્રગટાવવાનો ઉપાય છે. માટે
જે પોતાનું હિત ચાહે તે આવું કરો–એમ આચાર્યદેવ કહે છે.
જેને પોતાનું હિત કરવું હોય તેને આવી ગરજ થશે. જેને ગરજ નથી તેની તો વાત જ નથી; કારણ કે
જગતના જીવોએ દુનિયા રાજી કેમ થાય અને દુનિયાને ગમતું કેમ થાય–એવું તો અનંતવાર કર્યું છે પણ હું
આત્મા વાસ્તવિક રીતે રાજી થાઉં ને મારા આત્માને ખરેખર ગમતું શું છે–એનો કોઈ વાર વિચાર પણ નથી કર્યો,
એની કોઈ વાર દરકાર પણ કરી નથી. જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે
જ છૂટકો કરશે અને તેને રાજી એટલે આનંદધામમાં પહોંચ્યે જ છૂટકો છે. અહીં જગતના જીવોને રાજી કરવાની
વાત નથી પણ જે પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું તેની વાત છે. પોતે સ્વભાવ જ્ઞાન–આનંદથી ભરેલો છે
તેની શ્રદ્ધા કરે તો તેમાંથી કલ્યાણ થાય, તે સિવાય બીજેથી કલ્યાણ ત્રણ કાળ ત્રણલોકમાં થાય જ નહિ.
–સમયસાર–બંધઅધિકારના પ્રવચનોમાંથી.
આત્મજ્ઞાનને ઈંદ્રિયો કે રાગનું આલંબન નથી.
આત્મા જાણકસ્વભાવી તત્ત્વ છે; જાણવાનો તેનો સ્વભાવ જ છે; તેનું જ્ઞાન કોઈ પરના આશ્રયે થતું
નથી, ઈંદ્રિયો કે રાગના અવલંબનથી પણ તે જાણતું નથી પણ પોતાના જ્ઞાનસ્વભાવના અવલંબને જ તે જાણે
છે. તે પ્રત્યક્ષજ્ઞાન છે. તે સ્વસન્મુખી જ્ઞાન ‘રાગના અવલંબને હું જાણું છું’ એમ પણ જાણતું નથી તો પછી
ઈંદ્રિયો વગેરે પરથી જ્ઞાન થાય એમ તો તે માને જ શેનું? જે જ્ઞાન રાગથી પણ પોતાની પૃથકતા જાણે છે તે જ્ઞાન
પરથી તો પોતાની પૃથકતા જાણે જ, એટલે હું આંખ વગેરે ઈંદ્રિયોથી જાણું છું–એમ તે માને નહિ. ઈંદ્રિયોથી મને
જ્ઞાન થાય છે એમ જે માને તેણે તો પરથી–અજીવથી પણ જ્ઞાનને જુદું નથી જાણ્યું. તો પછી રાગથી પણ જ્ઞાનથી
પૃથકતા જાણીને તેનું જ્ઞાન અંર્તસ્વભાવમાં ક્યાંથી વળે? અંર્તસ્વભાવ તરફ વળેલું સ્વસન્મુખી જ્ઞાન તો
ઈંદ્રિયો અને રાગના અવલંબન વગરનું છે; ઈંદ્રિયો અને રાગથી જુદું પડીને અંતરમાં વળ્‌યા વિના જ્ઞાન આત્માને
જાણી શકે નહીં ને આત્માના જ્ઞાન વિના કદી ધર્મ કે મુક્તિ સુખ કે શાંતિ થાય નહિ.
૨૪૭૬ અષાડ સુદ ૧૦ શ્રી સમયસાર ગા. ૬ ઉપરના પ્રવચનમાંથી