Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
ઃ ૧૦૬ઃ આત્મધર્મઃ ૧૦૧
પરને આત્માનું જાણવું તે તો વ્યવહાર પણ નથી, કેમ કે આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે પરથી તો તદ્ન જુદા
જ છે; પરના લક્ષે તો આત્માનો અનુભવ થતો નથી.
(૧–૨) હવે પોતાની ક્ષણિક અવસ્થામાં વિકાર છે, પણ તે અસદ્ભુત છે, તેના લક્ષે ભૂતાર્થસ્વભાવ
લક્ષમાં આવતો નથી, વિકારની સામે જોવાથી વિકાર ટળતો નથી.
(૩) વિકારને જાણનારી જ્ઞાનપર્યાય છે, તે જ્ઞાનપર્યાય રાગથી જુદી છે–એમ જ્ઞાનપર્યાયના લક્ષે પણ
વિકલ્પ તૂટીને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી.
(૪) જ્ઞાનપર્યાય તે ત્રિકાળી જ્ઞાનગુણનું પરિણમન છે, અને જ્ઞાન તે હું–આત્મા છું–એવા ગુણ–
ગુણીભેદના વિકલ્પમાં રહેતાં પણ શુદ્ધજ્ઞાયકનો નિર્વિકલ્પ અનુભવ થતો નથી.
–એ રીતે, ઉપરના ચારે પ્રકારના વ્યવહારના લક્ષે શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી; પણ અભેદ જ્ઞાયક
સ્વભાવમાં ઢળતાં જ તે વ્યવહારનો નિષેધ થઈને અપૂર્વ નિર્વિકલ્પ અનુભવ પ્રગટે છે.–આ જ ધર્મની રીત છે.
આ સિવાય સાધકદશા થતી નથી. નિશ્ચયનો આશ્રય કરીને વ્યવહારનો નિષેધ કરતાં સાધકદશા પ્રગટીને મુક્તિ
થાય છે. ધર્માત્માની રુચિ અભેદ આત્મા ઉપર છે તેથી તેમને જ્ઞાન–દર્શન–ચારિત્ર નથી એમ કહીને ભેદનો
નિષેધ કરવામાં આવે છે.–આ સમ્યગ્દ્રષ્ટિ થવાની એટલે કે ધર્મની પહેલામાં પહેલી વાત છે.
છઠ્ઠી ગાથામાં પ્રમત્ત–અપ્રમત્ત પર્યાયોનો નિષેધ કરીને અખંડ ‘જ્ઞાયકભાવ’ બતાવ્યો; તે જ
‘જ્ઞાયકભાવ’ સાતમી ગાથામાં ગુણ ગુણીભેદરૂપ છેલ્લા વ્યવહારનો નિષેધ કરીને બતાવ્યો છે. એક જ
જ્ઞાયકભાવના આશ્રયે બધા વ્યવહારના વિકલ્પો છૂટી જાય છે.
ચારિત્રપર્યાય આત્માથી જુદી નથી એમ બતાવવા માટે પ્રવચનસારમાં કહે છે કે ‘ચારિત્ર તે આત્મા છે.’
ત્યાં જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. અહીં કોઈ કહે કે ‘ચારિત્ર તે આત્મા છે’–તો કહે છે કે ના; એવો ભેદ નથી,
ભૂતાર્થ આત્મામાં જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ નથી, આત્મા તો અભેદજ્ઞાયક છે; આત્માને ‘જ્ઞાયક’ કહેતાં
એકલું જ્ઞાન ન સમજવું પણ આખો પિંડ સમજવો.–એ જ દ્રષ્ટિનો વિષય છે. અભેદવસ્તુને લક્ષમાં લઈને એકાગ્ર
થાય તો જ સમ્યગ્દર્શન અને વીતરાગતા પ્રગટે છે, દર્શન જ્ઞાન–ચારિત્ર વગેરે પર્યાય ઉપર કે ભેદ ઉપર લક્ષ
કરતાં રાગ થાય છે. માટે સમયસારમાં દ્રવ્યદ્રષ્ટિથી અભેદને પ્રધાન કરીને ઉપદેશ છે, ભેદને ગૌણ કરીને (–
અભૂતાર્થ ગણીને) અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. આવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર જીવનું કદી
કલ્યાણ થતું નથી.
જેને પોતાનું હિત કરવું હોય, કલ્યાણ કરવું હોય, મુક્તિ કરવી હોય. તેણે પહેલે જ ઘડાકે એટલું તો નક્કી
કરવું જોઈએ કે પરથી તો મારો આત્મા તદ્ન જુદો છે, પર સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી, મારું કલ્યાણ
પરમાંથી આવતું નથી.–આટલું નક્કી કરે તો પોતામાં વળવાનો અવકાશ રહે.
હવે પોતામાં પણ (૧–૨) રાગનું તો લક્ષ નહિ, (૩) રાગને જાણનાર જ્ઞાનપર્યાયનું પણ લક્ષ નહિ અને
(૪) એક જ્ઞાનાદિ ગુણના ભેદ ઉપર પણ લક્ષ નહિ,–એ બધાનું લક્ષ (–આશ્રય, દ્રષ્ટિ, રુચિ) છોડીને ‘જ્ઞાયક’
સ્વભાવ તરફ વળવું (–તેની રુચિ–પ્રતીતિ–આશ્રય કરીને એકાગ્ર થવું) તે જ એક સમ્યગ્દર્શનથી માંડીને
કેવળજ્ઞાનનો ઉપાય છે. જેટલે અંશે અખંડ જ્ઞાયક આત્મા તરફ વળીને એકાગ્ર થાય તેટલે અંશે વિકલ્પ તૂટીને
નિર્વિકલ્પતા થાય છે.
સુવર્ણપુરી સમાચાર
(મહા વદ પ)
* પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
* સવારના પ્રવચનમાં શ્રી નિયમસારજી શાસ્ત્ર વંચાય છે તેની ૧૪૩ ગાથાઓ વંચાઈ ગઈ છે.
* બપોરના પ્રવચનમાં નવમી વખત શ્રી સમયસારજીશાસ્ત્ર વંચાતું હતું, તે માહસુદ છઠ્ઠના રોજ પૂર્ણ
થયેલ છે; અને માહ સુદ સાતમથી શ્રી પંચાસ્તિકાય શાસ્ત્ર વંચાય છે; તેની ૨૦ ગાથાઓ વંચાણી છે.
શ્રી ‘પંચકલ્યાણક–પ્રવચનો’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું છે; આ પુસ્તકમાં સોનગઢ–રાજકોટ–વીંછીયા–
અને લાઠીમાં કુલ પાંચવાર થયેલા પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવોનાં ખાસ પ્રવચનો, ઉલ્લાસભર્યાં સંસ્મરણો
તેમજ કેટલાક ચિત્રો પણ છે. આ પુસ્તક સર્વસાધારણમાં ઉપયોગી થઈ શકે તેવું સરળ છે. પૃષ્ઠ ૪૦૦ ઉપરાંત;
કિંમત ૨–૪–૦
શ્રી સમયસારજી પરમાગમની નવીન આવૃત્તિ સંસ્કૃતટીકા સહિત છપાય છે.
શ્રી પંચાસ્તિકાયશાસ્ત્રનો ગુજરાતી અનુવાદ થઈ રહ્યો છે. સમયસાર–બંધઅધિકાર ઉપરનાં પ્રવચનો
છપાય છે.