Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
ફાગણઃ ૨૪૭૮ઃ ૧૦પઃ
તો કાંઈ વ્યવહારને પરમાર્થનો સાધક કહેવાતો નથી, પરમાર્થ દ્રષ્ટિ વગરનો ભેદ તે ખરેખર વ્યવહાર જ નથી.
અભેદ ઉપર દ્રષ્ટિ હોય તો જ ભેદને વ્યવહાર કહેવાય. અભેદ વગર ભેદ કોનો? અને નિશ્ચય વગર વ્યવહાર
કોનો?
સાધકને જ્ઞાન અધૂરું છે અને રાગ પણ થાય છે; પ્રતીતમાં તો તેને રાગવગરનો પૂરો જ્ઞાનસ્વભાવ આવી
ગયો છે, પણ પર્યાયમાં હજી પૂર્ણતા પ્રગટી નથી. પ્રતીતમાં પૂરું ને પર્યાયમાં અધૂરું એવી સાધકદશા છે. જો
પ્રતીતમાં પૂર્ણતા ન આવી હોય તો કોના આધારે પૂર્ણતાને સાધે? અને જો પર્યાયમાં પૂર્ણતા પ્રગટી ગઈ હોય તો
હવે સાધવાનું શું રહ્યું? માટે બંને પડખાંને જેમ છે તેમ સમજવા જોઈએ. સાધકનું જ્ઞાન રાગ વખતે રાગને પણ
જાણે છે, રાગના કાળે જ્ઞાનમાં પણ તેવા રાગને જાણવાનું સામર્થ્ય છે, પણ તે વખતેય સાધકને દ્રષ્ટિમાંથી
અભેદસ્વભાવની મુખ્યતા તો સમયમાત્ર પણ ખસતી નથી; રાગની મુખ્યતા કરીને રાગને જાણતો નથી પણ
સ્વભાવની મુખ્યતા રાખીને રાગને પણ જાણે છે; એટલે તેને રાગ ક્ષણેક્ષણે ટળતો જ જાય છે. અજ્ઞાનીને તો
રાગને જાણતાં ‘રાગ તે જ હું’ એમ રાગની મુખ્યતા થઈ જાય છે ને સ્વભાવને તે ચૂકી જાય છે, એટલે તેને
રાગના અભાવરૂપ પરિણમન બિલકુલ થતું નથી.
જ્ઞાન રાગનું નથી પણ જ્ઞાન તો આત્માનું છે. પરંતુ અહીં તો કહે છે કે જ્ઞાન અને આત્મા એવી જે
ભેદકલ્પના તે પણ વ્યવહાર છે. ‘જ્ઞાયક’ આત્માને જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ વ્યવહારથી જ કહેવામાં આવે છે,
નિશ્ચયથી શુદ્ધજ્ઞાયકતત્ત્વમાં તેવા ભેદ નથી; પરમાર્થવસ્તુના અનુભવમાં જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદનો વિકલ્પ
નથી. એકલી અભેદ જ્ઞાયકવસ્તુ તે જ નિશ્ચયનયનો વિષય છે. ભેદરૂપ વ્યવહારદ્વારા પણ આવો અભેદ નિશ્ચય
જ સાધ્ય છે. જો અભેદરૂપ નિશ્ચયને ન સાધે–તેને દ્રષ્ટિમાં ન લ્યે–તો તો ભેદને વ્યવહાર પણ કઈ રીતે કહેવો? જે
અભેદને લક્ષમાં લઈને સાધ્ય કરે તેને ભેદનો વિકલ્પ તે વ્યવહાર છે. એકલા ભેદમાં જ અટકે તેને તો તે ભેદનો
વિકલ્પ વ્યવહાર પણ નથી.
અભેદસ્વરૂપને સાધવા જતાં, પ્રથમ ‘હું જ્ઞાયક છું’ એવા પ્રકારનો ભેદનો વિકલ્પ વચ્ચે ઊઠયા વિના
રહેતો નથી; પણ તે ભેદનો વિકલ્પ રાગ છે, સાધકની દ્રષ્ટિમાં તેનો નિષેધ છે. અભેદસ્વરૂપને લક્ષમાં લેતાં ભેદનો
વિકલ્પ તૂટી જાય છે. એક રૂપ નિર્વિકલ્પ જ્ઞાયકતત્ત્વ તે જ સમ્યગ્દર્શનનું સાધ્ય છે. વચ્ચે ભેદ આવે છે ખરો પણ
અભેદવસ્તુમાં એકાગ્ર થવું તે જ પ્રયોજન છે. ‘જ્ઞાન તે આત્મા’ એવા ભેદથી પણ આત્મવસ્તુ જે અભેદ છે તે જ
સાધ્ય છે. માટે આચાર્યભગવાન કહે છે કે જ્ઞાનીને દર્શન–જ્ઞાન–ચારિત્ર પણ વ્યવહારથી છે. પરમાર્થે જ્ઞાનીને
દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી.–આનો અર્થ એવો નથી કે જ્ઞાની દર્શન–જ્ઞાન–ચારિત્ર વગરનો જડ છે! શ્રી
કુંદકુંદભગવાનના કથનનો આશય શું છે તે ગુરુગમ વગર અજ્ઞાનીઓને સમજાય તેમ નથી. આચાર્યદેવ અહીં
એમ કહે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદ ઉપર નથી, અભેદ આત્મા ઉપર જ તેમની દ્રષ્ટિ છે; માટે
નિશ્ચયથી દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદ પણ આત્માને નથી, કેમ કે દ્રષ્ટિના વિષયમાં તે અભૂતાર્થ છે. દ્રષ્ટિનો
વિષય એક અભેદ જ્ઞાયક આત્મા જ છે. તે અભેદઆત્માનો અનુભવ કરાવવા માટે અહીં દર્શન–જ્ઞાન–ચારિત્રના
ભેદનો નિષેધ કર્યો છે. ભેદના નિષેધ વગર અભેદમાં જવાતું નથી. ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી વિકલ્પ થાય છે
ને અભેદવસ્તુનો અનુભવ થતો નથી. ભેદનો નિષેધ કરીને અભેદસ્વભાવમાં ઢળતાં પ્રમાણજ્ઞાન થયું ત્યારે જ
ખરેખર ભેદને વ્યવહાર કહેવાય છે. ‘ભેદનો નિષેધ કરવો’ તે પણ સમજાવવા માટેનું કથન છે, ખરી રીતે ભેદનો
નિષેધ કરવો પડતો નથી પણ જ્યાં અભેદ તરફ વળી ગયો ત્યાં ભેદનું લક્ષ છૂટી ગયું, તેનું નામ ‘ભેદનો નિષેધ
કર્યો’ એમ કહેવાય છે. ‘આ ભેદ છે અને તેનો હું નિષેધ કરું’ એમ જો લક્ષમાં લેવા જાય તો તે પણ વિકલ્પ જ
છે અને ત્યાં ભેદનો નિષેધ થતો નથી પણ તેની ઉત્પત્તિ થાય છે; માટે જ્ઞાયકસ્વભાવની અસ્તિને લક્ષમાં લઈને
તેમાં એકાગ્ર થવું તે એક જ ઉપાય છે.
આત્માનો નિશ્ચય અને વ્યવહાર બંને આત્મામાં જ છે, આત્માનો નિશ્ચય કે વ્યવહાર પરમાં નથી; પરનું
આત્મા કાંઈ કરે એ વાતને તો વ્યવહારમાં પણ નથી લીધી. પોતાના અંશનું જ્ઞાન કરાવે તેને વ્યવહાર કહેવાય.
રાગ આત્માની પર્યાયમાં થાય છે તેથી તે આત્માનો અંશ છે, રાગને આત્માનો જાણવો તે વ્યવહાર છે;
‘વ્યવહાર’ કહેતાં જ એમ નક્કી થાય છે કે જાણવું તે નિશ્ચય છે અને તેમાં રાગનો નિષેધ છે.