Atmadharma magazine - Ank 101
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 25

background image
સોનગઢમાં શ્રી શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમનો ઉદ્ઘાટન–મહોત્સવ
ગયા વર્ષે સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ દરમિયાન કલકત્તાથી શ્રીમાન વચ્છરાજજી શેઠ
(લાડનૂવાળા) તેમના ધર્મપત્ની સહિત પહેલી જ વાર સોનગઢ આવેલા, પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને તેમ જ
સોનગઢમાં થતી મહાન ધર્મપ્રભાવના દેખીને તેઓ ઘણા ખુશી થયા હતા. અને વિશેષ ઉલ્લાસ આવી જતાં તુરત જ
તેઓએ સોનગઢમાં જમીન ખરીદીને એક લાખ ઉપરાંત રૂા. ના ખર્ચે મકાનો બંધાવ્યા, તેનું નામ ‘श्रीमती गोगीदेवी
दि० जैन श्राविका–ब्रह्मचर्याश्रम’ આપ્યું છે. માહ સુદ પ ને ગુરુવારે ઘણા ઉત્સાહપૂર્વક આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે.
આ આશ્રમમાં પૂ. બેનશ્રીબેન જેવા પવિત્ર આત્માઓની મંગલ છાયામાં મુખ્યપણે બાલબ્રહ્મચારિણી બેનો વગેરે રહે છે.
ઉદ્ઘાટનના આગલા દિવસે આશ્રમમાં જાપ, શાંતિપાઠ, અભિષેક માટેની જલયાત્રા, અભિષેક, પૂજન
વગેરે વિધિ થયેલ હતી. આ પ્રસંગે શ્રી મહાવીરપ્રભુજીને આશ્રમમાં પધરાવ્યા હતા. અને ભક્તો હોંસપૂર્વક ગાતા
હતા કે–
‘મારા જીવન તણી શુદ્ધ શેરીએ પ્રભુ આવ્યા છે
મારા હૈયાના અણમૂલા હાર પ્રભુજી પધાર્યા છે.’
માહ સુદ પાંચમે સવારમાં પૂ. બેનશ્રીબેનના અગાઉના નિવાસસ્થાનેથી ગાજતે વાજતે પ્રભાતફેરી નીકળી
હતી અને ગામમાં ફરીને સ્વાધ્યાય મંદિર આવેલ હતી; ત્યાંથી પૂ. ગુરુદેવશ્રી સહિત સમસ્ત સંઘ આશ્રમમાં આવ્યો
હતો અને ત્યાં શ્રી વચ્છરાજજી શેઠે આશ્રમનું ઉદ્ઘાટન કર્યું હતું અને પૂ. ગુરુદેવશ્રીએ આશ્રમમાં મહાપુનિત– પગલાં
કરીને આશ્રમને પાવન કર્યો હતો... આ પ્રસંગે આશ્રમવાસી બેનોનો અને સંઘનો હરખ હૈયે સમાતો ન હતો.
ઉદ્ઘાટન બાદ આશ્રમના મંડપમાં જ પૂ. ગુરુદેવશ્રીએ માંગળિક સંભળાવ્યું હતું અને સંઘ તરફથી શ્રી
વચ્છરાજજી શેઠનો આભાર માનવામાં આવ્યો હતો. શ્રી વચ્છરાજજી શેઠે પૂ. ગુરુદેવશ્રીનો ઉપકાર વ્યક્ત કરીને,
હારતોરાથી પૂ. બેનશ્રીબેનનું સન્માન કર્યું હતું, અને આશ્રમના કાયમી સંચાલન માટે રૂા. ૨પ૦૦૧, ની ઉદાર
સહાયતા જાહેર કરી હતી.
ત્યારબાદ આશ્રમના શણગારેલા ભવ્ય મંડપમાં પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યું હતું. પ્રવચનમાં
સિદ્ધભગવાનની ભક્તિનું અદ્ભૂત વર્ણન આવ્યું હતું. (આ પ્રવચન આ જ અંકમાં છપાયેલું છે.) પ્રવચનબાદ પૂ.
ગુરુદેવશ્રીની સ્તુતિ કરવામાં આવી હતી. અને ‘પંચકલ્યાણક પ્રવચનો’ નામના પુસ્તકનું પ્રકાશન થયું હતું.
આજે પૂ. ગુરુદેવશ્રીના પુનિત આહારદાનનો પ્રસંગ આશ્રમના પ્રણેતા પૂ. બેનશ્રી–બેનને ત્યાં થયો હતો.
અહો! ઉલ્લાસભર્યા આહારદાનનો એ ભવ્ય પ્રસંગ નીરખતાં ભક્તોના અંતરમાંથી अहो दानम् अहो दानम्
એવા ઉદ્ગારો નીકળી જતા હતા.
આશ્રમના ઉદ્ઘાટનના ઉલ્લાસની સાથે સાથે બપોરે ‘માનસ્થંભ’ માટેના ફંડમાં ઘણા ઉત્સાહપૂર્વક ભાગ
લઈને મુમુક્ષુઓએ તે ફંડને ૭૦૦૦૦, સીતેર હજાર ઉપરાંત પહોંચાડી દીધું હતું. (આ ફંડની વિગત આ અંકમાં
આપી છે.)
બપોરે ભક્તિ તથા આરતી વગેરે ઉત્સાહપૂર્વક થયા હતા. રાત્રે આશ્રમમાં પણ ભક્તિ થતી હતી. અને
આજે રાત્રે વારિષેણ કુમારનો સંવાદ બાળકોએ કર્યો હતો.
આશ્રમની ઉદ્ઘાટન વિધિ કરાવવા માટે કારકલ (મ્હૈસુર) ના सुव्वय्य (સુવ્રત) शास्त्री આવ્યા હતા;
પ્રવચન અને તત્ત્વચર્ચા વગેરેથી તેઓ બહુ ખુશી થયા હતા, અને વારંવાર કહેતા હતા કે અહો! વક્તાની
પ્રમાણતાથી વચનની પ્રમાણતા છે. મદ્રાસ તરફ પધારવાની વિનંતિ કરતા પૂ. ગુરુદેવશ્રીને તેમણે કહ્યું હતું કે
આપશ્રી મદ્રાસ તરફ પધારો તો ત્યાં જ્ઞાનનો બહુ ઉદ્યોત થાય.
ઉદ્ઘાટન પ્રસંગે ઈંદોરથી શ્રી શેઠ સર હુકમીચંદજી શેઠનો પત્ર આવેલ, તેમાં શ્રી વછરાજજી શેઠ ઉપર તેઓ
લખે છે કે ‘हम आपको हार्दिक धन्यवाद देते है; आप व आप की धर्मपत्नी द्वारा इस शुभ धार्मिक संस्थाकी
स्थापना की गई तथा सत्यधर्मके प्रवृत्तक आत्मकल्याणके हेतु जैनधर्मके अध्यात्मवादके उपदेशक सद्गुरु
श्री कानजी स्वामी पर आपने श्रद्धा कर सच्चे धर्म व सेवाभाव को समझ लिया व वैसी ही प्रवृती में लगे
हैं, यह जानकर जो हमें खुशी हुई है उसको हम लेखनी द्वारा नहीं लिख सकते...
हमारी तो यही कामना है कि आपने सच्चे गुरु की श्रद्धा व सच्चे धर्मके तत्त्वोंके मर्मको पहिचान
लिया है तो श्री पूज्य कानजी स्वामी की सेवामें ही रहकर शेष अधिक काल आत्मकल्याणके हेतु ही व्यतीत
कर उच्च कोटिके धर्मलाभको प्राप्त करना चाहिये... हमें खेद है कि हम उक्त अवसर पर सम्मिलित नहीं
हो सकते हैं... हमारी आकांक्षा है कि उद्घाटन समारोह बडे आनंद व समारोह के साथ पूर्ण हो।
પૂ. ગુરુદેવશ્રીના પ્રથમ જ વારના ટૂંક સમાગમમાં જ શ્રીમાન શેઠ શ્રી વછરાજજી શેઠે તથા તેમના
ધર્મપત્ની શ્રીમતી મનફૂલાદેવીએ જે ભક્તિ–ઉત્સાહ અને ઉદારતા બતાવેલ છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
અંતમાં એ જ ભાવના કે, પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના મહાન પ્રભાવના ઉદયના પ્રતાપે સ્થાપિત થયેલા આ
આશ્રમમાં, આશ્રમવાસી બહેનો આત્મલાભ પામો.....તેમાં વૃદ્ધિ હો!