Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૧૯ઃ
વળી અહીં તો એમ કહ્યું છે કે આત્મદ્રવ્ય સર્વ પુદ્ગલોને અવલંબનારું છે; એટલે કે માત્ર મૂર્તિમાં જ તેને
સ્થાપના થઈ શકે ને બીજામાં ન થાય–એમ નથી; પરંતુ ફૂલ, લવિંગ, લાકડાની સોગઠી વગેરે ગમે તે પુદ્ગલમાં
સ્થાપના કરીને આત્મા સમજાવી શકાય છે. શતરંજની સોગઠીમાં ‘આ રાજા, આ હાથી, આ સિપાઈ’ ઇત્યાદિ
પ્રકારે સ્થાપના કરાય છે તેમ કોઈ પણ પુદ્ગલમાં ‘આ આત્મા છે’ એમ સ્થાપના થઈ શકે છે. આત્મામાં તે
જાતનો ધર્મ છે.
જડ–પુદ્ગલમાં આત્માની સ્થાપના કરી શકાય છે એનો અર્થ એમ ન સમજવો કે તે જડ વડે આત્મા
સમજાય છે. સમજનાર તો પોતાના જ્ઞાનની તાકાતથી જ સમજે છે, પણ તેને નિમિત્ત તરીકે કોઈવાર શબ્દો હોય
છે ને કોઈ વાર સ્થાપના પણ હોય છે. સમજનારને સ્થાપનાનયથી આત્મા આવા પ્રકારના ધર્મવાળો જણાય છે.
જુઓ, આ આત્માનો મહિમા? દરેક આત્મા અનંત ધર્મોનો ધણી છે. પોતાના ધર્મનું જેને ભાન નથી તે
બહારમાં ધર્મ શોધવા જાય છે. પોતાના આત્મામાં જ આવા આવા અનંત ધર્મો ભરેલા છે એ વાત ઘણા જીવોએ
તો સાંભળી પણ નહિ હોય.
પુદ્ગલમાં આત્માની સ્થાપના થઈ ત્યાં અજ્ઞાનીને તે પુદ્ગલનો મહિમા લાગે છે, કેમ જાણે કે
પુદ્ગલમાંથી તેનો ધર્મ આવતો હોય? પણ ભાઈ! પુદ્ગલમાં જેની સ્થાપના થઈ તેના ધર્મને તો જો. જો
પુદ્ગલમાં સ્થાપના થઈ શકે તેવા પ્રકારનો ધર્મ આત્મામાં ન હોય તો તેની સ્થાપના જ કયાંથી થાય? માટે
આત્માના તે ધર્મને જો, અને એવા અનંતધર્મો જેનામાં એક સાથે રહેલા છે–એવા તારા આત્માનો મહિમા પ્રગટ
કર. અનંત ધર્મનો પિંડ આત્મા જેવડો છે તેવડો જાણીને, જ્ઞાનમાં તેનું માહાત્મ્ય આવતાં જ્ઞાન સમ્યક્ થાય છે.
એવા સમ્યગ્જ્ઞાન વગર કદી સાચી શાંતિ થતી નથી.
અનાદિથી આત્મા જેવો છે તેવો કદી જાણ્યો નથી. જ્યાંસુધી આત્માનું સાચું જ્ઞાન ન થાય ત્યાંસુધી તેનો
મહિમા અને તેમાં એકાગ્રતા કેમ થાય? ને આત્મામાં એકાગ્રતા વગર ભવથી નીવેડા થાય નહિ. જેને ચૈતન્યનું
ભાન નથી તે પરનો મહિમા કરીને પરમાં એકાગ્ર થાય છે તેથી તે ભવમાં રખડે છે. ચૈતન્યવસ્તુ જેવી છે તેવી
જાણીને તેના મહિમામાં એકાગ્ર થાય તો કલ્યાણ પ્રગટે. પોતાના કલ્યાણ માટે શિષ્યને જિજ્ઞાસા થઈ છે તેથી
અહીં પ્રશ્ન પૂછયા છે કે પ્રભો! આ આત્મા કેવો છે? તે જિજ્ઞાસુ શિષ્યને સમજાવવા માટે અહીં આચાર્યદેવે
આત્માનું વિશેષ વર્ણન કર્યું છે.
ભગવાન આત્માને પ્રસન્ન કરવા માટે તેને ઓળખીને તેનો મહિમા આવવો જોઈએ. જો આત્મા કરતાં
જગતના કોઈ પણ પદાર્થનો મહિમા કે રુચિ વધી જાય તો ભગવાન આત્મા પ્રસન્ન થાય તેમ નથી. જેમ કોઈ
રાજાને અરજી આપવી હોય તો તેમાં ‘નેક નામદાર, મહારાજાધિરાજ,’ વગેરે વિશેષણો લગાડવા પડે છે તેમ જ
ટિકિટ ચોંટાડવી પડે છે; તેમ અહીં ભગવાન આત્મા ચૈતન્યરાજા છે તેને અરજી કરવા માટે–એટલે કે તેનો
અનુભવ કરવા માટે–તેના અનંત ધર્મોરૂપી વિશેષણોથી ઓળખીને તેની રુચિ કરે તો જ તે જવાબ આપે તેવો
છે; જો એક પણ ધર્મને ઓછો માને તો ભગવાન આત્મા જવાબ નહિં આપે એટલે કે તેનો અનુભવ નહિ થાય.
આત્મા પોતાના અનંત ધર્મોનો સ્વામી છે પણ પર વસ્તુના કોઈ ધર્મનો સ્વામી આત્મા નથી, તેમ જ
આત્માના ધર્મનો કોઈ બીજો સ્વામી નથી. આત્માની મિલ્કત કેટલી?–કે પોતાના અનંત ધર્મો છે તેટલી. પોતાના
અનંત ધર્મોમાં આત્મા વ્યાપીને રહ્યો છે, પરમાં તે રહ્યો નથી ને તેનામાં પર રહ્યાં નથી. આમ આત્માના ભિન્ન
ધર્મો વડે આત્માને ઓળખીને શ્રદ્ધા કરે તો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય; ત્યારપછી જ આત્મામાં એકાગ્રતા
રૂપ સમ્યક્ચારિત્ર હોય. તેથી આત્માને ઓળખાવવા માટે અહીં તેના ધર્મોનું વર્ણન ચાલે છે.
બારમા ધર્મમાં એમ કહ્યું કે નામનયે આત્મા શબ્દબ્રહ્મથી વાચ્ય થાય તેવો છે. પરમ બ્રહ્મનું પૂર્ણસ્વરૂપ
કહેનારી દિવ્યવાણી તે શબ્દબ્રહ્મ છે. તે વાણીમાં બધુંય આવે છે. આત્મામાં એવો ધર્મ છે કે આખો આત્મા
શબ્દબ્રહ્મવડે કહી શકાય છે. તે પૂર્ણ કહેનાર તીર્થંકર દેવાધિદેવનો ૐધ્વનિ છે તે શબ્દબ્રહ્મ છે. નામનયથી જોતાં
આત્મા દિવ્યધ્વનિને સ્પર્શનારો છે એટલે કે દિવ્યધ્વનિથી તેનું સ્વરૂપ વાચ્ય થાય છે એવો તેનો ધર્મ છે.
ત્યારપછી સ્થાપનાનયથી એમ કહ્યું કે આત્મા સર્વ પુદ્ગલોને અવલંબનારો છે, એટલે કે જ્યારે જ્યારે જે
જે પુદ્ગલોમાં આત્માની સ્થાપના કરવામાં આવે ત્યારે તે તે પુદ્ગલોથી આત્મા જણાય એવો તેનો ધર્મ છે.