Atmadharma magazine - Ank 102
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
ચૈત્રઃ ૨૪૭૮ઃ ૧૨૩ઃ
કહેવા જેવું તે કથન છે–એમ સમજવો જોઈએ. અજ્ઞાનીઓ નિશ્ચય વગરનો એકલો વ્યવહાર માને છે એટલે કે
‘પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ માને છે તે મિથ્યા છે; વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટી જશે
અથવા તો વ્યવહારના આશ્રયથી લાભ થશે–એ માન્યતા પણ મિથ્યા છે; અને જેને એવી માન્યતા છે તેને
શુદ્ધરત્નત્રયની ભક્તિ કે પડિમા હોતી નથી. દ્રવ્યસ્વભાવની નિશ્ચયશ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં લીન થઈને
શુદ્ધરત્નત્રયની આરાધના કરનાર શ્રાવકને પરમાર્થ ભક્તિ છે. જેટલી ચૈતન્યમાં લીનતા થાય તેટલી ભક્તિ છે,
વચ્ચે રાગ આવે તે ખરેખર ભક્તિ કે ધર્મ નથી. શ્રાવકને પણ શુદ્ધરત્નત્રયની જેટલી આરાધના છે તેટલી
પરમાર્થ ભક્તિ છે.
આ રીતે શ્રાવકોની ભક્તિની વાત કરી, કે અગિયારે ભૂમિકાવાળા શ્રાવકો શુદ્ધરત્નત્રયનું ભજન કરે છે
તે જ ભક્તિ છે.
હવે મુનિઓને કેવી ભક્તિ હોય તે વાત કરે છે. મુનિવરોને પણ અંર્તસ્વભાવના આશ્રયે શુદ્ધરત્નત્રયની
જ ભક્તિ હોય છે. મુનિઓની દશા મહા અલૌકિક છે; શ્રાવક કરતાં તેમને રત્નત્રયની ઘણી ઉગ્ર આરાધના હોય
છે, ક્ષણેક્ષણે વિકલ્પથી છૂટીને ચૈતન્યબિંબમાં જામી જાય છે, હમણાં કેવળજ્ઞાન લીધું......કે..... લેશે.....એવી તેમની
દશા છે. અહો! સંત મુનિઓ આત્માના અતીન્દ્રિય આનંદકુંડમાં ઝૂલતા હોય છે, એકદમ વીતરાગતા વધી ગઈ છે
ને રાગ ઘણો જ છૂટી ગયો છે, ત્યાં બાહ્યમાં વસ્ત્રાદિ પણ સ્વયં છૂટી ગયા છે ને શરીરની સહજ દિગંબર
નિર્વિકારદશા થઈ ગઈ છે. આવા ભવભયભીરુ, પરમ નિષ્કર્મ પરિણતિવાળા પરમ તપોધનો પણ શુદ્ધરત્નત્રયની
ભક્તિ કરે છે.
કોઈને એમ લાગતું હોય કે, શ્રાવકો કે મુનિઓ બાહ્ય ક્રિયાકાંડમાં રોકાતા હશે,–તો કહે છે કે ના; શ્રાવકો
તેમ જ મુનિઓ તો શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરનારા છે. આ ભક્તિમાં રાગ નથી પણ શુદ્ધ આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન
રમણતા કરવાં તે જ ભક્તિ છે. આવી વીતરાગી ભક્તિ જ મુક્તિનું કારણ છે.
મુનિ હો કે શ્રાવક હો,–પણ તેમણે સ્વભાવના આશ્રયે જેટલી રત્નત્રયની આરાધના કરી તેટલી જ
વીતરાગી ભક્તિ છે ને તે જ મુક્તિનું કારણ છે. મુનિઓ શું કરતા હશે? કે ચૈતન્ય પરમાત્મામાં અંદર ઊતરીને
શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. પાંચ પરમેષ્ઠી પદમાં ભળનારા ને ભવભયથી ડરનારા એવા વીતરાગી મુનિઓને
સ્વર્ગનો ભવ કરવો પડે તેની પણ ભાવના નથી; હું તો ચિદાનંદ–ચૈતન્યબિંબ જ્ઞાયકમૂર્તિ છું, રાગ મારું કાર્ય
નથી–એવા ભાનસહિત તેમાં ઘણી લીનતા થઈ ગઈ છે–એવી ભાવલિંગી સંતોની દશા છે; તેમાં હઠ નથી પણ
સ્વભાવના આશ્રયે તેવી સહજદશા થઈ ગઈ છે; તેઓ પરમ નૈષ્કર્મવૃત્તિવાળા છે એટલે કે સ્વરૂપના આનંદમાં
એટલા બધા ઠર્યા છે કે અશુભ કે શુભ કર્મથી ઉદાસીન થઈ ગયા છે, રાગથી ખસીને પરિણતિ અંદરમાં વળી ગઈ
છે.–આવા પરમ વીતરાગી સંતો પણ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે, તેને ભગવાન મોક્ષની ભક્તિ કહે છે.
શ્રી સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં સમવસરણમાં બિરાજે છે, તેઓ તીર્થંકરપણે વિચરે છે, પ૦૦
ધનુષનો તેમનો દેહ છે, તેમના સમવસરણમાં ગણધરો બિરાજે છે; ભગવાનની દિવ્યવાણી ઝીલીને બેઘડીમાં બાર
અંગની રચના કરે એવું અપાર તેમનું સામર્થ્ય છે. તીર્થંકર ભગવાન એટલે ધર્મના રાજા, અને ગણધરદેવ એટલે
ધર્મના દીવાન.–એવા ગણધરદેવ પણ જ્યારે નમસ્કારમંત્ર બોલીને પંચપરમેષ્ઠીને ભાવથી નમસ્કાર કરે ત્યારે
વીતરાગી આનંદમાં ઝૂલતા બધા મુનિઓ તેમાં આવી જાય છે. અહો! ગણધરદેવ જેને નમસ્કાર કરે તે સંતની
દશા કેવી?–તે મુનિપદનો મહિમા કેટલો! ! મુનિઓ પણ પરમેષ્ઠી છે. પરમ ચૈતન્યપદમાં જે સ્થિર થયા છે તેઓ
પરમેષ્ઠી છે. આવા સંત–મુનિઓ અત્યંત ભવભીરુ છે, અને રાગરહિત નૈષ્કર્મ્ય પરિણતિવાળા છે, બહારના કોઈ
કામનો બોજો માથે રાખતા નથી, અંતરના આનંદના અનુભવમાં જ તેમની પરિણતિ લીન છે.–આવા સંતો શુદ્ધ
રત્નત્રયની ભક્તિ–આરાધના કરે છે. અંતરમાં શુદ્ધ રત્નત્રયની આરાધના હોય ને બાહ્યમાં નિષ્પરિગ્રહી
વીતરાગી મુદ્રા હોય–એવી મુનિની દશા છે.
આ રીતે શ્રાવકો તેમ જ શ્રમણો બન્ને શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરે છે. શુદ્ધ રત્નત્રયની ભક્તિમાં
સ્વભાવનો જ આશ્રય છે, પરનો કે રાગનો આશ્રય નથી. શ્રાવકને પણ સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક અંશે
વીતરાગીચારિત્ર પ્રગટયું છે તેટલી રત્નત્રયની ભક્તિ છે. મુનિને પંચમહાવ્રત વગેરે જે શુભરાગ છે તે તો આસ્રવ
છે, તે કાંઈ