Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 23

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૩૯ઃ
માટે પહેલાં પોતાની પ્રભુતાનો વિશ્વાસ કરો.
આ વખતે (વીર સં. ૨૪૭પના) સુપ્રભાત–મંગલમાં આ પ્રભુત્વ શક્તિનું વર્ણન આવ્યું હતું. બેસતા વર્ષે
લોકો શરીર–મકાન વગેરે બહારની શોભા કરે છે, પણ અહીં તો અંતરમાં આત્માની શોભાની વાત છે. ઘર
વગેરેની શોભામાં આત્માની શોભા નથી પણ પોતાની પ્રભુત્વ શક્તિથી જ આત્માની અખંડ શોભા છે,
આત્માનો પ્રતાપ અખંડ છે.
ચૈતન્ય ભગવાન અખંડ પ્રતાપથી સ્વતંત્રપણે શોભી રહ્યો છે; જગતના કોઈ નિમિત્તો કે પ્રતિકૂળ સંયોગો
તેની શોભાને નુકશાન કરી શકતા નથી તેમજ કોઈ અનુકૂળ સંયોગો તેની શોભાને સહાય પણ કરતા નથી, તે
પોતે પોતાના અખંડિત પ્રતાપથી શોભે છે, એવી પ્રભુતા આત્મામાં ત્રિકાળ છે. દ્રવ્યમાં પ્રભુતા છે, ગુણમાં પ્રભુતા
છે ને પર્યાયમાં પણ પ્રભુતા છે. દ્રવ્યગુણની પ્રભુતાના સ્વીકારથી પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટી ગઈ છે.
દ્રવ્યદ્રષ્ટિથી જોતાં આત્માની પ્રભુતામાં કદી વિકાર થયો જ નથી. પર્યાયમાં એકેક સમયનો વિકાર કરતાં
કરતાં અત્યારસુધીનો ગમે તેટલો કાળ ગયો ને ગમે તેટલી મલિનતા થઈ, પરંતુ દ્રવ્યની પ્રભુતાને તોડવા તે કોઈ
સમર્થ નથી, દ્રવ્યની પ્રભુતા તો અખંડ પણે એવી ને એવી શોભી રહી છે, તેમાં અંશમાત્ર ખંડ પડયો નથી; તેમ
જ ગુણનું પ્રભુત્વ પણ એવું ને એવું અખંડિત છે; અને એકેક સમયની પર્યાય પણ પરની અપેક્ષા વગર સ્વાશ્રયે
સ્વતંત્રતાથી શોભી રહી છે. આ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની પ્રભુતા જયવંત વર્તી રહી છે. પ્રભુત્વશક્તિ આત્માના
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપી રહી છે, તેથી આત્મા પોતે પ્રભુ છે.
‘હે પ્રભુ, હે પ્રભુ! શું કહું......’ એમ બીજાને પોતાના પ્રભુ કહેવા તે વિનયથી વ્યવહારનું કથન છે;
ખરેખર આ આત્માનો પ્રભુ કોઈ બીજો નથી, પોતે જ પોતાની પ્રભુત્વ–શક્તિનો ધણી છે, સ્વતંત્રતાના અખંડ
પ્રતાપથી પોતે શોભે છે તેથી પોતે જ પોતાનો પ્રભુ છે. આત્માની પ્રભુતાનો પ્રતાપ એવો અખંડિત છે કે અનંત
અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહો આવે તોય તેનો પ્રતાપ ખંડિત થતો નથી, અરે! ક્ષણિક પુણ્ય–પાપની વૃત્તિથી પણ
તેની પ્રભુતાનો પ્રતાપ ખંડિત થતો નથી; કેમકે આત્માની પ્રભુત્વશક્તિ તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે
ને ત્રિકાળ છે, વિકાર કાંઈ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપતો નથી તેમજ તે ત્રિકાળ નથી, માટે તે ક્ષણિક વિકાર
વડે પણ આત્માની પ્રભુતા ખંડિત થઈ જતી નથી. આત્માની આવી પ્રભુતા છે તે દ્રવ્ય–દ્રષ્ટિનો વિષય છે. આવી
આત્માની પ્રભુતા જેને બેઠી તેને પર્યાયમાં કેવળજ્ઞાનરૂપી પ્રભુતા પ્રગટયા વગર રહે નહિ.
ધર્મી જાણે છે કે મારી પ્રભુતા મારામાં છે, મારી પ્રભુતાથી જ મારી શોભા છે; મારી પ્રભુતાનો પ્રતાપ
એવો અખંડિત છે કે ત્રણલોકમાં કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાય મારા દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતાની શોભાને લૂંટનાર
નથી. મારું પ્રભુત્વ અનાદિ અનંત છે, હું મારી અખંડ સ્વતંત્રતાના પ્રતાપથી શોભી રહ્યો છું. મારા એકેક ગુણમાં
પણ પ્રભુત્વ છે, જ્ઞાનમાં જાણવાનું પ્રભુત્વ છે કે એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે, શ્રદ્ધામાં પ્રતીતિનું
એવું પ્રભુત્વ છે કે એક ક્ષણમાં પરિપૂર્ણ પરમાત્માને પ્રતીતમાં લ્યે, દર્શનમાં દેખવાનું પ્રભુત્વ છે, આનંદમાં
આહ્લાદનું પ્રભુત્વ છે. એ રીતે જ્ઞાન–શ્રદ્ધા આનંદ વગેરે ગુણો પોતાના અખંડ પ્રતાપથી શોભી રહ્યા છે. દ્રવ્ય–
ગુણની જેમ એકેક સમયની પર્યાયમાં પણ મારી પ્રભુતા છે. પર્યાયમાં અલ્પ રાગદ્વેષ થાય છે તે ગૌણ છે, તેનો
ત્રિકાળી આત્મસ્વરૂપમાં અભાવ છે. આત્માની પ્રભુતા કદી અધૂરી કે પરની ઓશિયાળી થઈ જ નથી, તે તો
ત્રિકાળ અબાધિત છે, તેનો સ્વાધીન પ્રતાપ અખંડ છે. વિકારમાં તો પ્રભુત્વ જ નથી કેમ કે તે ત્રિકાળી દ્રવ્ય
ગુણમાં કે સમસ્ત પર્યાયોમાં વ્યાપતો નથી. આત્માની પ્રભુતાતો ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં તેમ જ સમસ્ત પર્યાયોમાં
વ્યાપનારી છે.
જેને પોતાની ચૈતન્ય પ્રભુતાનું ભાન નથી એવા અજ્ઞાની જીવો પર સંયોગથી પોતાની મોટપ માને છે ને
તે સંયોગ મેળવવાની ભાવના કરે છે. બહારમાં રિદ્ધિ સિદ્ધિ મળે ને શરીર સારું રહે એવી બહારના પદાર્થોની
ભાવના અજ્ઞાની કરે છે પણ પોતે પોતાના સ્વભાવની રિદ્ધિ–સિદ્ધિ અને પ્રભુતાથી ભરેલો છે તેની ઓળખાણ ને
ભાવના કરતો નથી. જેણે પોતાના સુખ માટે પર વસ્તુની જરૂર માની તેણે પોતાના આત્માની પ્રભુતા માની
નથી પણ પામરતા માની છે, તેથી તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટતી નથી. અહીં તો કહે છે કે ત્રિકાળી પ્રભુતાના
સ્વીકારથી પર્યાયમાં જે પ્રભુતા પ્રગટી તેના પ્રતાપને ખંડિત કરવા જગતમાં કોઈ ક્ષેત્ર, કોઈ કાળ કે કોઈ સંયોગ
સમર્થ નથી.