Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 23

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૪૧ઃ
પ્રભુતા છે.–આવી પ્રભુતાને જાણવાથી જીવ પોતાના અનંત પ્રભુત્વને પામે છે. આવી પોતાની પ્રભુતાનું શ્રવણ–
મંથન કરીને તેનો મહિમા–રુચિ અને તેમાં લીનતા કરવી તે અપૂર્વ મંગળ છે.
સમ્યક્શ્રદ્ધાએ આખા આત્માની પ્રભુતાની પ્રતીત કરી છે, પર્યાયની પ્રભુતાએ આખા દ્રવ્યની પ્રભુતાનો
સ્વીકાર કર્યો છે. હવે તે દ્રવ્યના જ લક્ષે એકાગ્ર થઈને પૂર્ણ કેવળજ્ઞાનરૂપી પ્રભુતા થશે. તે પ્રભુતાના
અપ્રતિહતભાવમાં વચ્ચે કોઈ વિઘ્ન કરનાર આ જગતમાં નથી.
આત્માની પ્રભુતા કેવડી હશે?–શું મેરુપર્વત જેવડી હશે! તો કહે છે કે ના; મેરુની ઉપમા તો તેને બહુ
નાની પડે. ક્ષેત્રની વિશાળતાથી આત્માની પ્રભુતાનું માપ ન નીકળે, એક સમયની પર્યાયમાં અનંતા મેરુને જાણી
લ્યે–એવું તેનું ભાવપ્રભુતાનું સામર્થ્ય છે. આત્માની એક જ્ઞાનપર્યાય એક સાથે સમસ્ત લોક–અલોકને જાણી લ્યે
છતાં હજી અનંતું જાણે તેવું સામર્થ્ય બાકી રહી જાય છે; એટલે લોકાલોકની ઉપમાથી પણ એક જ્ઞાનપર્યાયના
સામર્થ્યનું ય પૂરું માપ નથી નીકળતું, તો આખા આત્માની પ્રભુતાના સામર્થ્યની શું વાત કરવી? આત્માની એક
પર્યાયની આવડી મોટી પ્રભુતાનો જેને વિશ્વાસ અને આદર થયો તે જીવ પોતાની પર્યાયમાં કોઈ પરનો આશ્રય
ન માને, રાગનો આદર ન કરે, અપૂર્ણતામાં તેને ઉપાદેય ભાવ ન રહે, તે તો પૂરા સ્વભાવના આશ્રયે પૂરી દશા
પ્રગટ કર્યે જ છૂટકો કરે. પૂર્ણ ધ્યેયને લક્ષમાં લીધા વગરની શરૂઆત સાચી હોય નહિ; કેમ કે પૂર્ણ ધ્યેય જેના
લક્ષમાં નથી આવ્યું તે તો અધૂરી દશાનો ને વિકારનો આદર કરીને ત્યાં જ અટકી જશે, તેને પૂર્ણતા તરફનો
પ્રયત્ન ઊપડશે નહિ. જેને આત્માની પ્રભુતાનો વિશ્વાસ આવ્યો તેને પૂર્ણતાના લક્ષે શરૂઆત થઈ ગઈ એટલે
તેના આત્મામાં સમ્યગ્દર્શનરૂપી પરોઢિયું થયું–અંશે સુપ્રભાત શરૂ થયું, હવે અલ્પકાળમાં સુપ્રભાત થશે ને
કેવળજ્ઞાનરૂપી ઝગમગતો સૂર્ય ઊગશે. આચાર્યદેવ કહે છે કે એવું સુપ્રભાત જયવંત વર્તે છે. તે સુપ્રભાત પ્રગટયા
પછી કદી અસ્ત થતું નથી.
અહો જીવો! પ્રતીત તો કરો.......તમારી પ્રભુતાની પ્રતીત તો કરો.....તમારા જ્ઞાન સ્વભાવમાં તમારી
પ્રભુતા ભરી છે તેનો વિશ્વાસ તો કરો, ‘હું એક સમયના વિકાર જેટલો તુચ્છ–પામર નથી પણ મારો આત્મા
ત્રણલોકનો ચૈતન્યનાથ છે, હું જ અનંત શક્તિવાળો પ્રભુ છું.’–એમ પોતાની પ્રભુતાનો એવો દ્રઢ વિશ્વાસ કરો કે
ફરીથી કદી કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સુખ કે દુઃખની કલ્પના ન થાય અને અખંડ પ્રતાપવંત કેવળજ્ઞાન
લેવામાં વચ્ચે વિઘ્ન ન આવે.
અખંડ પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભાયમાનપણું તે પ્રભુતાનું લક્ષણ છે. આત્મામાં એવો અખંડ પ્રતાપ
છે કે અનંતી પ્રતિકૂળતાના ગંજ આવી પડે તોય પોતાની પ્રભુતાને તે ન છોડે, કોઈને આધીન થઈ જાય એવો
તેનો સ્વભાવ નથી; તેને કોઈ પરની ઓશિયાળ ન કરવી પડે, કોઈના ઓજસમાં–પ્રભાવમાં તે અંજાઈ ન જાય,
કોઈથી ભય ન પામે,–આવી સ્વાધીન પ્રભુતાથી આત્મા શોભી રહ્યો છે. આત્માના સ્વભાવ કરતાં મોટો કોઈ
જગતમાં છે જ નહિ તો તેને કોનો ભય? જે જીવ કલ્પના કરીને રાગથી કે સંયોગથી પોતાની પ્રભુતાને ખંડિત
માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને અહીં આચાર્યદેવ તેની પ્રભુતા બતાવે છે.
આત્માની પ્રભુતા આત્મામાં છે ને જડની પ્રભુતા જડમાં છે, એકેક પરમાણુમાં તેની પ્રભુતા છે. કોઈ
કોઈની પ્રભુતાને ખંડિત કરતા નથી. અજ્ઞાનીઓ એમ કહે છે કે જગતના જડ–ચેતનમાં સર્વત્ર એક પ્રભુ રહેલો
છે,–તેની વાત તો મિથ્યા છે; અહીં તો કહે છે કે ચેતનમાં ને જડમાં–બધા પદાર્થોમાં પોતપોતાની પ્રભુતા રહેલી
છે. આત્માની ક્રિયા આત્માની પ્રભુતાથી થાય છે ને જડની ક્રિયા જડની પ્રભુતાથી થાય છે. કોઈની પ્રભુતા
બીજામાં ચાલતી નથી. જેમ અન્યમતિ એમ માને છે કે ઈશ્વરે જગતને બનાવ્યું તેમ જૈનમતમાં રહેલા પણ કોઈ
એમ માને કે મેં પર જીવને બચાવ્યો, –તો તે બંને જીવો પ્રભુતાની પ્રતીત વગરના મિથ્યાદ્રષ્ટિ છે. અહો! દરેક
દ્રવ્ય પોતપોતાની પ્રભુતામાં સ્વતંત્રતાથી શોભી રહ્યું છે. અહીં તો જીવની પોતાની પ્રભુતાની વાત છે. પોતાની
પ્રભુતાને ચૂકીને પરનો આશ્રય માનવો તેમાં જીવની શોભા નથી. રાગાદિથી જીવની શોભા નથી. જીવની શોભા
પોતાની પ્રભુત્વશક્તિથી છે. તે પ્રભુતાની પ્રતીત કરવી તે જ ધર્મ છે પ્રભુતા શક્તિને માનતાં અખંડ આત્મા
પ્રતીતમાં આવે છે, તે–જ ધર્મીની દ્રષ્ટિમાં ઉપાદેય છે. જુઓ! આ સ્વતંત્રતાનો ઢંઢેરો છે, આ સ્વતંત્રતાનો ઢંઢેરો
એકેક આત્માને પ્રભુ જાહેર કરે છે.
પરમેશ્વર કયાં રહે છે? ... પ્રભુને કયાં શોધવો? –તો કહે છે કે તારો પ્રભુ તું જ છો, તારો પ્રભુ તારાથી