Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 23

background image
ઃ ૧૪૨ઃ આત્મધર્મઃ ૧૦૩
બહાર બીજે ક્યાંય નથી; તારા આત્મામાં જ પ્રભુતાશક્તિ છે તેથી આત્મા પોતે જ પરમેશ્વર છે. અંતર્મુખ નજર
કરીને તેનો વિશ્વાસ કર!
જેમ સૂર્ય અને અંધકાર કદી એક થતા નથી અને સૂર્ય અને પ્રકાશ કદી જુદા નથી; તેમ ભગવાન ચૈતન્ય
સૂર્ય રાગાદિ અંધકાર સાથે કદી એક થતો નથી ને પોતાના જ્ઞાનપ્રકાશથી તે કદી જુદો નથી.–આવા આત્માની
શ્રદ્ધા કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે.
જુઓ તો ખરા, એકેક શક્તિના વર્ણનમાં આચાર્ય ભગવાને કેટલા ગંભીર ભાવો ભરી દીધા છે. આ એક
જ શક્તિમાં પ્રતાપ.....અખંડતા......સ્વતંત્રતા...શોભા......અને પ્રભુતા.......એવા પાંચ બોલ મૂકીને આત્માને પ્રભુ
તરીકે વર્ણવ્યો છે.
બધા આત્મામાં પ્રભુત્વશક્તિ સરખી છે. જેમ ઘઉંનો ઢગલો પડયો હોય તેમાં દરેક દાણો જુદો છે પણ
ઘઉંની જાત એક જ છે; અને તેને પીસીને લોટ કરતાં બધાં દાણામાંથી ઘઉંનો લોટ જ થાય, કોઈ ઘઉંમાંથી
બાજરાનો લોટ કે ધૂળ ન થાય. તેમ વિશ્વમાં અનંતા આત્માઓનો ગંજ પડયો છે, તેમાં દરેક આત્મા જુદો છે,
દરેક આત્મામાં પોતપોતાની ચૈતન્યપ્રભુતા ભરી છે; તેને પીસીને લોટ કરતાં એટલે કે પ્રતીત કરીને પરિણમન
કરતાં એક સાથે અનંત ગુણોની પ્રભુતાનું પરિણમન થાય છે, પણ આત્માની પ્રભુતા પરિણમીને તેમાંથી રાગ
નીકળે–એવું તેનું સ્વરૂપ નથી.
અહો! ધર્મી જાણે છે કે મારી સ્વાધીન પ્રભુત્વશક્તિ અનાદિઅનંત છે; મારી પ્રભુતાને કોઈ બીજાની જરૂર
નથી તેમજ કર્મ વગેરેથી તે ખંડિત થતી નથી; ગમે તેવા રોગ–તૃષા વગેરે અનંત પ્રતિકૂળતા આવે છતાં મારી
પ્રભુતાના એક અંશને પણ કોઈ ખંડિત કરી શકે તેમ નથી. અધર્મી જીવ એમ માને છે કે અરેરે! હું પામર અને
પરાધીન છું, પરંતુ તે વખતેય તેની પ્રભુતા તો તેનામાં પડી જ છે પણ તેને તેની પ્રતીત નથી તેથી તેનું નિર્મળ
પરિણમન થતું નથી. પ્રભુતાને ભૂલીને એકાંત પામરતા માની તે એકાંત મિથ્યાત્વ છે. શ્રી કાર્તિકેયા– નુપ્રેક્ષામાં
કહે છે કે ‘સમકિતી પોતાના આત્માને તૃણસમાન સમજે છે’ ત્યાં તો પ્રભુતાની પ્રતીત સહિત પર્યાયના વિવેકની
વાત છે; અહો! કયાં દિવ્ય કેવળજ્ઞાન! અને કયાં મારી અલ્પજ્ઞતા!–એમ વિવેક કરીને દ્રવ્યના આશ્રયે પૂર્ણ
પર્યાય પ્રગટ કરવાની ભાવના ભાવે છે. જો એકલી પામરતા જ માનશે અને પ્રભુતા નહિ ઓળખે, તો પામરતા
ટળીને પ્રભુતા આવશે શેમાંથી?
પોતાને રાગવાળો કે દેહાદિવાળો માનતાં પોતાની પ્રભુતાનું અપમાન થાય છે તેનું અજ્ઞાનીને ભાન નથી
એટલે બહારમાં કોઈ અપમાન કરે ત્યાં ‘મારું નાક કપાણું’ એમ પોતાનું અપમાન માને છે, તેમ જ બહારની
અનુકૂળતાથી પોતાની મોટાઈ માને છે, તે દેહદ્રષ્ટિ–બહિરાત્મા છે. અંતરાત્મા ધર્મી જીવ તો એવો નિઃશંક છે કે
બહારમાં કોઈ અપમાન કરે કે શરીર છેદાય તો પણ મારી પ્રભુતાને તોડવાની કોઈની તાકાત નથી; મારા
સ્વભાવમાં શ્રદ્ધાનું, જ્ઞાનનું, અસ્તિત્વનું, જીવનનું, સુખનું–વગેરે અનંત ગુણનું પ્રભુત્વ છે તેની એક કોરને પણ
ખંડિત કરવા કોઈ સમર્થ નથી.
લ્યો, આ બેસતા વર્ષના સ્વભાવ–અભિનંદન! લૌકિકમાં તો ‘તમને લક્ષ્મી વગેરે મળો’ એમ કહીને
અભિનંદન આપે છે, તે ખરા અભિનંદન નથી; અહીં તો ‘તારા આત્મામાં ત્રિકાળ પ્રભુતા છે’ એમ કહીને શ્રી
આચાર્યદેવ પ્રભુતાના અભિનંદન આપે છે,–આત્માને તેની પ્રભુતાનો ભેટો કરાવે છે.
અખંડ પ્રતાપવાળી પ્રભુતાથી આત્મા સદાય શોભી રહ્યો છે, પંચમકાળે પણ તેની પ્રભુતા ખંડિત થઈ
નથી. કોઈ કહેઃ અત્યારે અહીં કેવળજ્ઞાન અને મનઃ પર્યય જ્ઞાનનો તો વિચ્છદ છે ને? તો આચાર્યદેવ કહે છે કે
અરે ભાઈ! આત્માની સ્વભાવ પ્રભુતાનો અંશમાત્ર વિચ્છેદ થયો નથી, તે સ્વભાવ પાસે પર્યાયની મુખ્યતા કરે
છે જ કોણ? સાધક તો પોતાના સ્વભાવને મુખ્યકરીને કહે છે કે અહો! મારી પ્રભુતા એવી ને એવી વિદ્યમાન છે.
આત્મા પોતે અખંડિત જ્ઞાન પ્રકાશથી મંડિત એવો પંડિત છે. અખંડિત આત્માની પ્રભુતામાં જે પ્રવીણ હોય તે જ
સાચો પંડિત છે. કેવળજ્ઞાન અને સિદ્ધ પદ પ્રગટવાની તાકાત આત્મામાં સદાય ભરી છે. કેવળજ્ઞાન તો પર્યાય છે,
તેને પ્રગટ કરવાની અખંડ તાકાત આત્મામાં ભરી છે. આવા અખંડિત પ્રતાપવાળા સ્વાતંત્ર્યથી શોભિત
આત્માની પ્રભુતા છે. આત્માની પ્રભુતામાં કદી ખામી નથી, શોભામાં અશોભા નથી, અખંડ પ્રતાપમાં ખંડ નથી
ને સ્વાતંત્ર્યમાં પરાધીનતા નથી.