Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
વૈશાખઃ ૨૪૭૮ઃ ૧૪પઃ
વિકલ્પના
અભાવરૂપ પરિણમન કયારે થાય?
*
ઘણા જીવો વિકલ્પનો અભાવ કરવા માંગે છે અને સ્થૂળ વિકલ્પો ઓછા થતાં એમ માને છે કે
વિકલ્પનો અભાવ થયો. પણ ખરેખર વિકલ્પનો અભાવ કરવા ઉપર જેનું લક્ષ છે તેને વિકલ્પનો અભાવ
થતો નથી, પરંતુ જેનામાં વિકલ્પનો અભાવ જ છે એવા શુદ્ધચૈતન્યને લક્ષમાં લઈને એકાગ્ર થતાં વિકલ્પનો
અભાવ થઈ જાય છે. હું આ વિકલ્પનો નિષેધ કરું–એમ વિકલ્પનો નિષેધ કરવા તરફ જેનું લક્ષ છે તેનું લક્ષ
શુદ્ધ આત્મા તરફ વળ્‌યું નથી પણ વિકલ્પ તરફ વળ્‌યું છે, એટલે તેમાં તો વિકલ્પની ઉત્પત્તિ જ થાય છે. શુદ્ધ
આત્મદ્રવ્ય તરફ વળવું તે જ વિકલ્પના અભાવની રીત છે. ઉપયોગનું વલણ અંતર્મુખ સ્વભાવ તરફ વળતાં
વિકલ્પ તરફનું વલણ છૂટી જાય છે.
‘વિકલ્પનો નિષેધ કરું’ એવા લક્ષથી વિકલ્પનો નિષેધ થતો નથી પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે.
કેમ કે, ‘આ વિકલ્પ છે અને તેનો નિષેધ કરું’ એવું લક્ષ કર્યું ત્યાં તો વિકલ્પના અસ્તિત્વ ઉપર જોર ગયું
પણ વિકલ્પના અભાવરૂપ સ્વભાવ તો દ્રષ્ટિમાં ન આવ્યો, એટલે ત્યાં માત્ર વિકલ્પનું ઉત્થાન જ થાય છે.
‘આ વિકલ્પ છે અને તેનો નિષેધ કરું’–એમ વિકલ્પના અસ્તિત્વ સામે જોતાં તેનો નિષેધ નહિ થાય. પણ
‘હું જ્ઞાયક સ્વભાવ છું’ એમ સ્વભાવના અસ્તિત્વની સામે જોતાં વિકલ્પના અભાવરૂપ પરિણમન થઈ
જાય છે. પહેલાં આત્મસ્વભાવનું શ્રવણ–મનન કરીને તેને લક્ષમાં લીધો હોય અને તેનો મહિમા જાણ્યો હોય
તો તેમાં અંતર્મુખ થઈને વિકલ્પનો અભાવ કરે. પણ આત્મસ્વભાવનો મહિમા લક્ષમાં લીધા વિના કોના
અસ્તિત્વમાં ઊભો રહીને વિકલ્પનો અભાવ કરશે! વિકલ્પનો અભાવ કરવો તે પણ ઉપચારનું કથન છે,
ખરેખર વિકલ્પનો અભાવ કરવો નથી પડતો; પણ અંર્તસ્વભાવ સન્મુખ જે પરિણતિ થઈ તે પરિણતિ
પોતે વિકલ્પના અભાવ સ્વરૂપ છે, તેનામાં વિકલ્પ છે જ નહિ તો કોનો અભાવ કરવો? વિકલ્પની ઉત્પત્તિ
ન થઈ તે અપેક્ષાએ વિકલ્પનો અભાવ કર્યો એમ કહેવાય; પણ તે સમયે વિકલ્પ હતો અને તેનો અભાવ
કર્યો છે–એમ નથી.
એક તરફ ત્રિકાળ ધુ્રવ જ્ઞાનસ્વભાવનું અસ્તિત્વ છે ને બીજી તરફ ક્ષણિક વિકલ્પનું અસ્તિત્વ છે; ત્યાં
ધુ્રવ જ્ઞાયક સ્વભાવમાં વિકલ્પનો અભાવ છે. તે જ્ઞાયકસ્વભાવને લક્ષમાં લઈને એકાગ્ર થતાં વિકારના
અભાવરૂપ પરિણમન થઈ જાય છે. ત્યાં ‘હું જ્ઞાયક છું ને વિકાર નથી’ એમ બે પડખાં ઉપર લક્ષ નથી હોતું પણ
‘હું જ્ઞાયક’ એમ અસ્તિ સ્વભાવને લક્ષમાં લઈને તેનું અવલંબન કરતાં વિકારનું અવલંબન છૂટી જાય છે.
સ્વભાવની અસ્તિરૂપ પરિણમન થતાં વિકારની નાસ્તિરૂપ પરિણમન પણ થઈ જાય છે, સ્વભાવમાં પરિણમેલું
જ્ઞાન પોતે વિકારના અભાવરૂપ પરિણમેલું છે. તેને સ્વભાવની અસ્તિ અપેક્ષાએ ‘સમ્યક્ એકાંત’ કહેવાય, અને
સ્વભાવની અસ્તિમાં વિકારની નાસ્તિ છે–એ અપેક્ષાએ તેને જ ‘સમ્યક્ અનેકાન્ત’ કહેવાય. સ્વભાવની
અસ્તિને લક્ષમાં લીધા વગર (–સમ્યક્ એકાંત વગર) એકલી વિકારની નાસ્તિને લક્ષમાં લેવા જાય તો ત્યાં
‘મિથ્યા એકાંત’ થઈ જાય છે અર્થાત્ તેને પર્યાયબુદ્ધિથી વિકારના નિષેધરૂપ વિકલ્પમાં એકત્વબુદ્ધિ થઈ જાય છે
પણ વિકલ્પના અભાવરૂપ પરિણમન થતું નથી. આથી આત્મસ્વભાવનું એકનું જ સારી રીતે અવલંબન કરવું તે
જ વિકલ્પના અભાવરૂપ પરિણમનની રીત છે.
ચર્ચા ઉપરથીઃ
અષાડ વદ ૩ વીર સંઃ ૨૪૭૭
*