Atmadharma magazine - Ank 103
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 23

background image
ઃ ૧૪૬ઃ આત્મધર્મઃ ૧૦૩
ગુણસ્થાન વૃદ્ધિ
અર્થાત્ ધર્મવૃદ્ધિની રીત
(અભેદ આત્મસ્વભાવના આશ્રયે જ ધર્મની ધીકતી ધારા)
અભેદ આત્મસ્વભાવના આશ્રયે જ વીતરાગી ધર્મ પ્રગટે છે, એના આશ્રયે જ ધર્મ વધે છે ને એના
આશ્રયે જ પૂર્ણતા થાય છે; આ સિવાય શરીરાદિની કોઈ ક્રિયાથી કે વ્રત વગેરેના શુભ પરિણામથી ધર્મની
શરૂઆત થતી નથી, તેનાથી ધર્મની વૃદ્ધિ પણ થતી નથી ને પૂર્ણતા પણ થતી નથી. ધર્મની શરૂઆતથી માંડીને
પૂર્ણતા સુધી પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈનું અવલંબન નથી. વચ્ચે સાધક દશામાં પરના
અવલંબનનો ભાવ આવી જાય પણ તે ધર્મ નથી–એમ ધર્મી સમજે છે.
જ્યાં સુધી નિમિત્ત ઉપર, રાગ ઉપર કે ભેદ ઉપર દ્રષ્ટિ રહે ત્યાં સુધી આત્માનું સમ્યક્દર્શન થતું નથી.
જ્યારે નિમિત્ત, રાગ અને ભેદ એ ત્રણેની ઉપેક્ષા કરીને અભેદ આત્મસ્વભાવની સન્મુખ થાય ત્યારે જ નિર્વિકલ્પ
સમ્યગ્દર્શન વગેરે પ્રગટે છે. ભેદ ઉપરની દ્રષ્ટિથી નિર્વિકલ્પદશા થતી નથી પણ રાગ થાય છે; તેથી જ્યાં સુધી
રાગાદિક મટે નહિ ત્યાંસુધી ભેદને ગૌણ કરીને અભેદ આત્મસ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે.
અભેદની મુખ્યતા ને ભેદની ગૌણતા કરીને સ્વભાવ તરફ ઢળતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ગુણસ્થાનની
વૃદ્ધિ અભેદ સ્વભાવના આશ્રયે જ થાય છે. જો દ્રષ્ટિમાંથી એક ક્ષણ પણ અભેદસ્વભાવનો આશ્રય છૂટે તો
ધર્મદશા ટકતી નથી.
પ્રથમ ચોથું ગુણસ્થાન અભેદ નિર્વિકલ્પ અનુભવથી જ પ્રગટે છે. ત્યારપછી ચોથું પલટીને પાંચમું
ગુણસ્થાન પણ અભેદસ્વભાવના જ વિશેષ અનુભવથી પ્રગટે છે. કોઈ વ્રતાદિના શુભ પરિણામથી પંચમ
ગુણસ્થાન પ્રગટી જતું નથી પણ અભેદસ્વભાવના નિર્વિકલ્પ અનુભવથી જ ચોથું પલટીને પાંચમું
ગુણસ્થાન પ્રગટી જાય છે. ત્યારપછી આગળ વધતાં સાતમું, આઠમું–નવમું–દસમું બારમું વગેરે
ગુણસ્થાનો પણ એવા જ અભેદ અનુભવથી પ્રગટે છે. આ રીતે અભેદ સ્વભાવના આશ્રયે જ ધર્મની
ધારા ચાલી જાય છે. ધર્મના નાનામાં નાના અંશથી માંડીને પૂર્ણતા સુધીના જેટલા પ્રકારો પડે તે
બધાયમાં અભેદસ્વભાવનું એકનું જ અવલંબન છે, એ સિવાય ભેદનું–વિકારનું કે નિમિત્તોનું અવલંબન
ધર્મમાં કદી છે જ નહિ.
સૌથી પહેલાં આત્મસ્વભાવનો જેવો અચિંત્ય મહિમા છે તેવો ઓળખીને, તે સ્વભાવના જ
અવલંબને નિર્વિકલ્પ અનુભવથી સમ્યગ્દર્શનરૂપ ચોથું ગુણસ્થાન પ્રગટે છે, ત્યાંથી ધર્મની અપૂર્વ શરૂઆત
થાય છે, એટલે કે સાધકભાવ શરૂ થાય છે. ત્યાર પછી આગળ–આગળની સાધકદશા પણ તે
અભેદસ્વભાવના જ નિર્વિકલ્પ અનુભવથી પ્રગટે છે. ચોથા ગુણસ્થાને વ્રતાદિના ઘણા શુભ પરિણામ કરે
તેથી પાંચમુ ગુણસ્થાન પ્રગટી જાય–એમ નથી, પણ આત્માના અભેદસ્વભાવનું ઉગ્ર અવલંબન લેવાથી જ
ગુણસ્થાનની વૃદ્ધિ થાય છે. ગુણસ્થાનની વૃદ્ધિ કહો, ધર્મની વૃદ્ધિ કહો, સાધકભાવની વૃદ્ધિ કહો કે મોક્ષમાર્ગ
કહો–તેની રીત એક જ છે કે અખંડ આત્મસ્વભાવનું અવલંબન કરવું. માટે શરૂઆતથી માંડીને જ્યાં સુધી
રાગાદિક મટીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી તે અભેદ સ્વભાવને મુખ્ય કરીને તેના જ નિર્વિકલ્પ અનુભવનો
ઉપદેશ શ્રી ગુરુઓએ કર્યો છે.
વીર સં. ૨૪૭૭ અષાડ વદ ૪
શ્રી સમયસાર ગા. ૭ ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી
*