Atmadharm Regd. No. B. 4787
______________________________________________________________________________
પરમાત્મ ભાવના
સૌરાષ્ટ્રના તીર્થરાજ ગીરનારજી ઉપર
શ્રી નેમનાથ પ્રભુના ત્રણ કલ્યાણક થયા છે.
ગીરનારજી સહસ્રાવનમાં ભગવાનનો દીક્ષા
કલ્યાણક થયો, ગીરનાર ઉપર જ ભગવાન
કેવળજ્ઞાન પામ્યા અને ગીરનારની પાંચમી
ટૂંકેથી ભગવાને સિદ્ધગમન કર્યું. આ રીતે
ભગવાનના ત્રણ કલ્યાણકોથી પાવન થયેલા
શ્રી ગીરનારજી તીર્થની યાત્રા માટે વીર સં.
૨૪૬૬ માં પૂજ્ય ગુરુદેવશ્રી સંઘસહિત પધાર્યા
હતા. તે વખતે એ ગિરિરાજની પાંચમી ટૂંકે–
નિર્વાણભૂમિ સ્થાનમાં દોઢ કલાક સુધી ભક્તિ
ચાલી હતી; તેમાં શ્રી ગુરુદેવશ્રીએ
અધ્યાત્મભાવનામાં મસ્ત બનીને ‘હું એક શુદ્ધ
સદા અરૂપી.......જ્ઞાન દર્શનમય ખરે’ ઇત્યાદિ
ધૂન ગવડાવી હતી અને ભક્તો તે ઝીલતા
હતા. અહો! એ ગિરિરાજની ટોચ ઉપર જામી
ગયેલી ધૂન, અને તે વખતનું શાંત
આધ્યાત્મિક વાતાવરણ..... એનાં સ્મરણો હજી
પણ ભક્તજનોના હૈયામાં ગૂંજી રહ્યા છે.
ગયા વર્ષે માગસર સુદ બારસના રોજ
સવારમાં એ ગાથાનું ફરી ફરી રટણ કરતાં પૂ.
ગુરુદેવશ્રીએ કહ્યું કે આ ગાથા ગીરનારની
ટોચ ઉપર બોલાણી હતી. જ્યાંથી શ્રી નેમનાથ પ્રભુ પરમાત્મદશાને પામ્યા ત્યાં જ આ ‘પરમાત્મભાવના’ ની
ધૂન ગવડાવી હતી જુઓ તો ખરા.....પરમાત્મભાવના...!
ગીરનારની ટોચ ઉપર....શુદ્ધાત્માની ધૂન
‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે
કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે’
‘પરમાત્મા’ માં ‘પરમાણુ’ નથી, પરમાણુ મા પરમાત્મા નથી. ‘હું’ માં ‘તું’ નથી....‘એક’ માં
અનેકતા નથી.....‘શુદ્ધ’ માં અશુદ્ધતા નથી. ‘સદા અરૂપી’ માં કદી રૂપીપણું નથી.....‘જ્ઞાનદર્શનમય’ માં જરા
પણ અચેતનપણું નથી. ‘કંઈ અન્ય જરાપણ–પરમાણુમાત્ર મારું નથી’ એટલે કે નિજ સ્વભાવથી જ પોતાની
પૂર્ણતા છે. એક બાજુ પોતે ચૈતન્ય પરમ–આત્મા અને બીજી બાજુ અચેતન પરમ–અણુ.
અહો! આવા પરમાત્માને ઓળખીને તેની ભાવના કરવા જેવી છે.
* * *
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ–રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી અનેકાન્ત મુદ્રણાલયઃ મોટા આંકડિયા, તા. ૨પ–૪–પ૨