Atmadharma magazine - Ank 104
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
જેઠઃ ૨૪૭૮ઃ ૧૬પઃ
વર્તમાન પર્યાયમાં તો અધૂરું જ્ઞાન છે, તો તે અધૂરા જ્ઞાનમાં પૂરા જ્ઞાન સ્વભાવની ખબર શી રીતે
પડે?–એમ કોઈને પ્રશ્ન ઊઠે તો તેનું સમાધાનઃ જેમ આંખ દોઢ તસુની હોવા છતાં આખા શરીરને જાણી લે
છે, તેમ પર્યાયમાં જ્ઞાનનો વિકાસ અલ્પ હોવા છતાં પણ જો તે જ્ઞાન સ્વસન્મુખ થાય તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપી
આત્માને સ્વસંવેદનથી તે જાણે છે. કેવળજ્ઞાન થયા પહેલાં અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદનપ્રત્યક્ષથી
પૂર્ણજ્ઞાનસ્વરૂપી આત્માનો નિઃસંદેહ નિર્ણય થાય છે. જેમ જ્ઞાન બહારમાં સ્થૂળ પદાર્થોને જાણવામાં અટકી
રહ્યું છે, તેમ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો તે જ્ઞાન આત્માને જાણે છે. જે સાકરની નાની કટકી ઉપરથી
આખી સાકરના સ્વાદનો નિર્ણય થઈ જાય છે, તેમ જ્ઞાનની અલ્પ પર્યાયને અંતર્મુખ કરતાં તેમાં
પૂર્ણજ્ઞાનસ્વભાવનો નિર્ણય થઈ જાય છે. કોઈ એમ કહે કે ‘અધૂરું જ્ઞાન પૂરા આત્માને જાણી ન શકે, પૂરું
જ્ઞાન થાય ત્યારે જ પૂરા આત્માને જાણે’–તો તેની વાત જૂઠી છે. જો અધૂરું જ્ઞાન પૂરા આત્માને ન જાણી
શકે તો તો કદી સમ્યગ્જ્ઞાન થાય જ નહિ. અધૂરું જ્ઞાન પણ સ્વસન્મુખ થઈને આખા આત્મસ્વભાવને જાણે
છે તથા પ્રતીત કરે છે; આવું જ્ઞાન અને પ્રતીત કરે ત્યારે જ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. અધૂરી
પર્યાય જ્યારે અંતર્મુખ થઈને પૂરા સ્વભાવમાં અભેદ થઈ ત્યારે અધૂરા–પૂરાના ભેદ ઉપર લક્ષ ન રહ્યું, ને
પરિપૂર્ણ દ્રવ્ય જ શ્રદ્ધા–જ્ઞાનમાં આવ્યું, તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. અવસ્થામાં પૂર્ણતા પ્રગટી
ન હોવા છતાં અભેદ દ્રવ્યને પ્રધાન કરીને પૂર્ણ આત્માને દેખવો તેનું નામ ‘શુદ્ધનય’ છે. શુદ્ધનય તે
સમ્યગ્જ્ઞાનનો અંશ છે. તે શુદ્ધનયનો એવો સ્વભાવ છે કે અધૂરી દશા વખતે પણ આત્માને શુદ્ધ–પરિપૂર્ણ
સ્વભાવે જ તે દેખે છે, રાગાદિભાવોને તે પોતાનું સ્વરૂપ માનતો નથી. જ્ઞાનનો ઉઘાડ અલ્પ હોવા છતાં જો
અંર્તસ્વભાવ તરફ વળીને તે સ્વભાવને કબુલે તો તે સમ્યગ્જ્ઞાન છે અને તે મોક્ષનું કારણ છે. અને
જ્ઞાનનો ઉઘાડ ઘણો હોવા છતાં જો અંતરસ્વભાવ તરફ ન વળે ને રાગાદિને જ પોતાનું સ્વરૂપ માનીને ત્યાં
અટકી જાય તો તે મિથ્યાજ્ઞાન છે.
આત્મા પર વસ્તુઓથી તો સદાય જુદો જ છે. આત્મામાં પોતામાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને ક્ષણિક
પર્યાયસ્વભાવ એમ બે પડખાં છે; તેમા ક્ષણિક પર્યાય કરતાં ત્રિકાળી દ્રવ્યનું માહાત્મ્ય અનંતગણું છે. તેથી
દ્રવ્ય અને પર્યાય બંનેના સ્વરૂપને જે જ્ઞાન યથાર્થપણે જાણે તે જ્ઞાન દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર થયા વિના રહે
જ નહિ.
જેમ પાંચ મીંડાની સાથે એક એકડો હોય, ત્યાં જો પાંચ મીંડાને પહેલાં મૂકીને પછી એકડો મૂકો તો
(૦૦૦૦૦૧) તે સંખ્યાની કિંમત માત્ર ‘એક’ જ થાય છે, અને તેમાં જો એકડાને અગ્ર બનાવીને તેને પાંચ
મીંડાની પહેલાં મૂકો તો (૧૦૦૦૦૦) તે સંખ્યાની કિંમત એક લાખ ગણી વધી જાય છે. આ તો એક દ્રષ્ટાંત છે.
તેમ આત્મામાં ત્રિકાળી દ્રવ્ય અને વર્તમાન પર્યાય બંને એક સાથે છે; તેમાં પર્યાયને મુખ્ય કરીને આત્માનો
અનુભવ કરતાં તે અશુદ્ધ અને અપૂર્ણપણે જ જણાય છે; પણ જો અખંડ દ્રવ્યસ્વભાવને અગ્ર બનાવીને–એટલે કે
દ્રવ્યને મુખ્ય કરીને લક્ષમાં લ્યો તો આત્મા શુદ્ધ અને પૂર્ણસ્વરૂપે જણાય છે. વસ્તુમાં એકલી અવસ્થાને જુદી
પાડીને જોતાં વસ્તુનો પૂર્ણ મહિમા જણાતો નથી પણ તે અપૂર્ણ ભાસે છે, પણ પર્યાયને અંતર્મુખ દ્રવ્યમાં એકાગ્ર
કરીને દ્રવ્યની પ્રધાનતાથી આત્માનો અનુભવ કરતાં સ્વસંવેદન પ્રત્યક્ષ પૂર્વક પૂર્ણ શુદ્ધ આત્માનું અનુમાન અને
પ્રતીત થાય છે. આ રીતે અધૂરા જ્ઞાનમાં પણ સ્વસંવેદનથી આત્મા જણાય છે. ત્યાં જેટલા અંશે રાગનું અને
ઈદ્રિયોનું અવલંબન તૂટીને સ્વસંવેદન થયું છે તેટલું તો પ્રત્યક્ષપણું છે, પણ હજી પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી
તેથી નય અને અનુમાન પણ છે.
જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કર્યા વગર એટલે કે જ્ઞાનને અંતરમાં વાળીને અંશે રાગરહિત કર્યા વગર પૂર્ણ
જ્ઞાનસ્વરૂપ આત્માનું સંવેદન થાય નહિ; જ્ઞાન અર્નંસ્વભાવમાં એકાગ્ર થઈને પરિણમ્યું ને રાગપણે ન
પરિણમ્યું–તેનું નામ ભેદવિજ્ઞાન અને ધર્મ છે.
(શ્રી સમયસાર કલશ ૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૬ શ્રાવદ ૭)