Atmadharma magazine - Ank 105
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૮પઃ
મારા સ્વભાવમાં જ છે’ એમ સમજીને, પરદ્રવ્યોથી નિરપેક્ષ થઈને સ્વભાવનો આશ્રય કરતાં અલ્પકાળમાં સિદ્ધ
થઈ જાય છે.
***
જેઓ સિદ્ધ થઈ ગયા છે તેઓ પણ ‘આત્મા’ છે. નિશ્ચયથી જેવા સિદ્ધ જીવો છે તેવા જ બધા જીવો
છે, તેમનામાં અને આ જીવના સ્વભાવમાં પરમાર્થે કાંઈ ફેર નથી. જેઓ સિદ્ધ થયા તેમને તે સિદ્ધપણું
પોતાના આત્મામાંથી જ પ્રગટયું છે, કાંઈ બહારમાંથી સિદ્ધપણું નથી આવ્યું. જેઓ સિદ્ધપરમાત્મા થઈ ગયા
છે તેઓ પણ, સિદ્ધ થયા પહેલાં શરીર વગેરેને પોતાનું માનીને રાગ–દ્વેષ–મોહથી સંસારમાં રખડતા હતા;
પછી દુર્લભ મનુષ્યપણું પામીને સત્સમાગમમાં કોઈક ધન્ય પળે સ્વસન્મુખ પુરુષાર્થવડે અપૂર્વ ભેદવિજ્ઞાન
પ્રગટ કર્યું, ને સિદ્ધ જેવા પોતાના શુદ્ધ ચિદાનંદભગવાનનો અનુભવ કર્યો; ત્યારથી તે ભવ્યાત્માની
પરિણતિએ અંર્તસ્વરૂપમાં જ પોતાનું સુખ દેખ્યું, ને બર્હિવિષયોમાં મારું સુખ નથી–એમ જાણીને ત્યાંથી
તેની પરિણતિ ઉદાસીન થવા લાગી.
એ પ્રમાણે બહારથી ઉદાસ થઈને અંર્તસ્વરૂપમાં વળતાં વળતાં જ્યારે વિશેષ વીતરાગતા થઈ ત્યારે
ગૃહસ્થપણું છોડીને, ધન–વસ્ત્રાદિ સમસ્ત પરિગ્રહરહિત થઈ ચારિત્રદશા અંગીકાર કરીને મુનિ થયા. મુનિદશામાં
શુદ્ધ–આત્માના ઉગ્ર ધ્યાન વડે સમસ્ત રાગ–દ્વેષ–મોહનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને પછી અલ્પકાળમાં
દેહ છોડીને તે આત્મા અશરીરી ચૈતન્યબિંબ સિદ્ધપદને પામ્યો.
–એ રીતે ભેદજ્ઞાનના ફળમાં તેમને સિદ્ધદશા પ્રગટી. સમયસારમાં કહ્યું છે કે–
‘भेदविज्ञानतः सिद्धाः
सिद्धा ये किल केचन’
અર્થાત્ જે કોઈ સિદ્ધ થયા છે, તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
જેમ તે આત્માએ પોતાની શક્તિમાંથી જ સિદ્ધદશા પ્રગટ કરી, તેમ આ આત્મામાં પણ સિદ્ધ થવાની
શક્તિ છે. જેમ લીંડીપીપરના સ્વભાવમાં તીખાશ ભરી છે, તેમાંથી જ ચોસઠપોરી તીખાશ પ્રગટે છે, તેમ
આત્માના સ્વભાવમાં સિદ્ધ થવાની તાકાત ભરી છે તેમાંથી જ સિદ્ધદશા પ્રગટે છે. સિદ્ધ ભગવંતો આ
આત્માના અરીસા સમાન છે. જેમ સ્વચ્છ અરીસામાં મોઢું દેખાય છે તેમ સિદ્ધ ભગવાનને ઓળખતાં
પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન થાય છે કે હે આત્મા! જેવા સિદ્ધ છે તેવો જ તારો સ્વભાવ છે; કેવળજ્ઞાનાદિ
જે જે ગુણો સિદ્ધ ભગવાનને પ્રગટ છે તે બધા ગુણો તારા સ્વભાવમાં ભર્યા છે, ને રાગાદિ જે જે ભાવો
સિદ્ધ ભગવાનમાંથી નીકળી ગયા છે તે તે ભાવો તારું સ્વરૂપ નથી.–આ પ્રમાણે પોતાના આત્માનું
શુદ્ધસ્વરૂપ ઓળખીને તેમાં એકાગ્રતા વડે વિકારનો અભાવ કરીને જીવ અલ્પકાળમાં સિદ્ધિને પામે છે, ને
એ સિદ્ધદશામાં લોકાલોકના જ્ઞાતાદ્રષ્ટાપણે રહીને સાદિઅનંતકાળ જીવ પોતાના સ્વભાવ સુખને ભોગવ્યા
કરે છે.
‘नमो सिद्धाणं’......अहो! शुद्ध आत्मस्वरूपने पामी चूकेला ते सिद्ध भगवंतोने नमस्कार
हो...‘सिद्धाः सिद्धि मम दीसन्तु’–તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો!
***
....... તો જ્ઞાની શું કહે?
કોઈ કુતર્કથી પુણ્ય વડે ધર્મ મનાવે તો જ્ઞાની તેને સત્ય
ન માને, પરંતુ કહે કે જેમ ઝેર ખાવાથી અમૃતના ઓડકાર કદી
ન આવે તેમ જે ભાવે બંધન થાય તે ભાવે કદી મોક્ષ તો ન
થાય પણ મોક્ષમાર્ગની શરૂઆત પણ તેનાથી ન થાય.
સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. ૧૪પ