ઃ ૧૮૪ઃ આત્મધર્મઃ ૧૦પ
‘ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં
ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો;
સર્વ ભાવ જ્ઞાતાદ્રષ્ટા સહ શુદ્ધતા
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો.’
–અહો, ધન્ય એ દશા! એવી અરહંતદશા પ્રાપ્ત થયા પછી અલ્પકાળમાં બાકીના ચાર અઘાતિ કર્મોનો
પણ અભાવ કરીને જીવ સિદ્ધ થાય છે અને સ્વભાવઊર્ધ્વગમન કરીને એક સમયમાં સિદ્ધલોકમાં પહોંચી જાય છે,
જ્યાં અનંત સિદ્ધભગવંતો બિરાજી રહ્યા છે ત્યાં તે સિદ્ધભગવંતોની વસતીમાં જઈને સાદિ–અનંતકાળ આત્માના
સહજસુખને ભોગવ્યા કરે છે. અહો–
‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન–જ્ઞાન અનંત સહિત જો.’
આવા સિદ્ધ ભગવંતોને આઠે કર્મોનો અભાવ હોય છે, તથા આઠ મહાગુણો પ્રગટયા હોય છે; તેમને
શરીર પણ હોતું નથી. તેમને કદી સંસારમાં અવતાર થતો નથી, એવી ને એવી સિદ્ધદશામાં તેઓ સદા વર્ત્યા કરે
છે. એ સિદ્ધદશામાં એકલા ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈ પણ પદાર્થોનો સંબંધ હોતો નથી.
બહારની કોઇ પણ સામગ્રી વગર તેઓ પોતાના સ્વભાવથી જ પૂર્ણ સુખી છે.
ધન્ય એ સહજ સુખી સિદ્ધદશા! આવી સિદ્ધદશા પ્રાપ્ત કરવી એ જ આત્માર્થીઓનું જીવનધ્યેય છે; અને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ સિદ્ધિનો ઉપાય છે.
આચાર્યશ્રી નેમિચન્દ્ર સિદ્ધાંતચક્રવર્તી દ્રવ્યસંગ્રહમાં સિદ્ધનું સ્વરૂપ વર્ણવતાં કહે છે કેઃ–
निष्कर्म्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः।
लोकाग्रस्थिताः नित्याः उत्पादव्ययाभ्यांस युक्ताः।। १४।।
સિદ્ધ જીવ કેવા છે? જ્ઞાનાવરણ આદિ આઠકર્મોથી રહિત છે; સમ્યક્ત્વ આદિ આઠ ગુણોથી સહિત છે;
છેલ્લા શરીરથી કાંઈક ઓછો તેમનો આકાર છે; નિત્ય છે તેમ જ ઉત્પાદ–વ્યય સહિત છે; અને લોકના છેડે સ્થિત
છે; આવા સિદ્ધ જીવો છે.
આવા સિદ્ધ ભગવંતો અનંત છે, અને છ મહિના ને આઠ સમયે જગતમાંથી ૬૦૮ જીવો સિદ્ધ થયા જ કરે છે.
તે સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો છે પણ તેમાં સંક્ષેપથી આઠ ગુણો મુખ્ય કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે–(૧)
ક્ષાયિક સમ્યક્ત્વ (૨) કેવળજ્ઞાન (૩) કેવળદર્શન (૪) અનંતવીર્ય (પ) સૂક્ષ્મત્વ (૬) અવગાહનત્વ (૭)
અગુરુલઘુત્વ અને (૮) અવ્યાબાધ અનંતસુખ. (તેના વિસ્તાર માટે બૃહત્ દ્રવ્યસંગ્રહની ૧૪ મી ગાથા જુઓ.)
સિદ્ધ ભગવંતોને પોતાના સ્વભાવથી જ પરિપૂર્ણ સુખ હોય છે, કાંઈ બાહ્ય સામગ્રીનું સુખ નથી. સિદ્ધ–
ભગવાનની જેમ કોઈ પણ જીવોને બાહ્યસામગ્રીથી સુખ થતું નથી; અજ્ઞાની જીવો પોતાની પર્યાયમાં કલ્પના
કરીને પરમાં સુખ માને છે, ત્યાં તે પરવસ્તુમાંથી કાંઈ તેને સુખ વેદાતું નથી પણ તે પોતાની કલ્પનાને જ વેદે છે.
અને સિદ્ધભગવંતોને બહારની સામગ્રી વગર, પોતાના આત્મસ્વભાવમાંથી ઉત્પન્ન પરમાર્થસુખ છે. મોહ અને
રાગ–દ્વેષ તે આકુળતા છે, આકુળતા તે દુઃખ છે, ને આકુળતાનો અભાવ તે સુખ છે. સિદ્ધ ભગવંતોને મોહ–
રાગ–દ્વેષનો સર્વથા અભાવ છે તેથી તેમનો આત્મા જ સુખસ્વરૂપે થઈ ગયો છે; તેમને એક સમયમાં પરિપૂર્ણ
જ્ઞાન હોવાથી પરિપૂર્ણ સુખ છે, તે સુખ બાહ્ય વિષયો વિનાનું અને અતીન્દ્રિયસ્વભાવથી ઉત્પન્ન થયેલું છે. કેવળી
ભગવંતોના સુખની પ્રશંસા કરતાં કુંદકુંદાચાર્યદેવ કહે છે કે–
‘અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગ પ્રસિદ્ધને.’
શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા કેવળી ભગવંતોનું અને સિદ્ધ ભગવંતોનું સુખ અતિશય, આત્મોત્પન્ન,
વિષયાતીત (અતીન્દ્રિય) અનુપમ, અનંત અને અવિચ્છિન્ન છે.
અહો! આવું સુખ સર્વપ્રકારે પ્રાર્થનીય છે. જે જીવ સિદ્ધભગવંતોના આવા સુખને ઓળખે તે જીવ
ઈંદ્રિયવિષયોમાં સુખ માને નહિ; આત્મા સિવાય કોઈ પણ પરમાં પોતાનું સુખ માને નહિ, પણ ‘મારું સુખ