Atmadharma magazine - Ank 105
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
અષાઢઃ ૨૪૭૮ઃ ૧૭પઃ
ફેરવવાની બુદ્ધિ છે તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, તેને પર્યાયની સ્વતંત્રતાની પ્રતીત નથી, તેમ જ દ્રવ્ય–ગુણની પણ
પ્રતીત નથી. જગતમાં અનંતા જીવો જુદા જુદા છે; તેમના દ્રવ્ય–ગુણ સરખાં હોવા છતાં પર્યાયો એકસરખી થતી
નથી, પર્યાયમાં વિચિત્રતા છે; આવો જ વસ્તુનો પર્યાયસ્વભાવ છે. તેને ધર્મી જાણે છે અને તેને જ વસ્તુસ્વરૂપનું
યથાર્થ ચિંતન હોય છે. દ્રવ્ય–ગુણ એકસરખા હોવા છતાં પર્યાયના પ્રકારમાં ફેર કેમ?–એવો સંદેહ કે વિસ્મયતા
જ્ઞાનીને નથી; વિચિત્રતાના કાળે વિચિત્રતા છે; ત્યાં પોતાના એકરૂપ સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મી તે
વિચિત્રતાને જાણે છે.
આજે સમવસરણનો માંગલિક દિવસ છે; સમવસરણને યથાર્થપણે કબૂલતાં આત્માના સ્વભાવની
કબૂલાત પણ ભેગી આવી જાય છે. વસ્તુસ્થિતિની એકપણ વાત યથાર્થ કબૂલે તો અંદરમાં જ્ઞાનસ્વભાવી
આત્માની પ્રતીત થયા વિના રહે નહિ, અને જ્ઞાનસ્વભાવની કબૂલાત વગર એકપણ વાતનો યથાર્થ નિર્ણય
થાય નહિ. તીર્થંકર, પુણ્ય, સમવસરણ વગેરે એકપણ તત્ત્વને યથાર્થ કબૂલવા જતાં આખી વસ્તુસ્થિતિ ઊભી
થઈ જાય છે.
જગતમાં તીર્થંકરો અનાદિથી થતા જ આવે છે અને સમવસરણ પણ અનાદિથી છે. ભગવાન મહાવીર
પરમાત્મા જ્યારે અહીં બિરાજતા હતા ત્યારે અહીં પણ સમવસરણ હતું; અને સીમંધર ભગવાન અત્યારે
પૂર્વદિશામાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરપણે સાક્ષાત્ બિરાજે છે, ત્યાં અત્યારે સમવસરણ છે, સંત મુનિઓના ટોળાં
ત્યાં વિચરે છે; ત્યાં ભગવાનની દિવ્યવાણીમાં એકસાથે બાર અંગનો ધોધ આવે છે, એક સમયમાં પૂર્ણતા આવે
છે, ને બાર સભામાં સમજનારા જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમજે છે. અત્યારે અહીં પણ કહેનારના
અભિપ્રાયની જેટલી ગંભીરતા હોય તે પ્રમાણે કાંઈ બધા સાંભળનારા સરખું સમજતા નથી પણ સૌ પોતપોતાના
ક્ષયોપશમભાવની યોગ્યતા પ્રમાણે સમજે છે. સીમંધર ભગવાનનું જે સમવસરણ છે તે તો મહાઅલૌકિક છે,
ઈંદ્રોને રચેલું છે, ને ત્યાં તો ગણધર વગેરે બિરાજમાન છે, અહીં તો ફક્ત તેનો નમૂનો છે.
જગતમાં ભિન્ન ભિન્ન અનેક જીવો છે, તેનાં દ્રવ્ય–ગુણ ત્રિકાળ એકરૂપ છે ને પર્યાય પલટે છે, પર્યાયમાં
વિકાર છે, તેમાં કોઈ જીવને તીર્થંકરનામકર્મના પરમાણુ બંધાય છે ને તેના ફળમાં સમવસરણ રચાય છે; તે
સમવસરણમાં ઈચ્છા વિના તીર્થંકર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટે છે, ને તે ઉપદેશ ઝીલનારા ગણધરાદિ જીવો ત્યાં
હોય છે.–આમ બધાની અસ્તિ કબૂલે તો જ સમવસરણને માની શકે.
ઘણાં વર્ષ વ્રત–તપ કરે કે યથાર્થ ચારિત્ર પાળે તેથી કાંઈ તીર્થંકરનામકર્મ બંધાઈ જતું નથી, પણ તે
પ્રકારની ખાસ લાયકાતવાળા જીવને જ તે બંધાય છે. કોઈ જીવ ભાવલિંગી સંત હોય, હજારો વર્ષથી શુદ્ધચારિત્ર
પાળતા હોય છતાં તેને તીર્થંકરનામકર્મ ન બંધાય, અને ગૃહવાસમાં રહેલા શ્રેણિક જેવા અવિરતી સમ્યગ્દ્રષ્ટિને
પણ તીર્થંકરનામકર્મ બંધાઈ જાય. જુઓ તો ખરા, જીવોના પરિણામની લાયકાત! કોઈ જીવ તો આત્માનું ભાન
કરીને યથાર્થ ચારિત્રદશા પ્રગટ કરીને મુનિ થાય છે, હજારો વર્ષ આત્માના જ્ઞાન–ધ્યાનમાં રહે છે છતાં તેને
તીર્થંકરનામકર્મ નથી બંધાતું; ને ચોથા ગુણસ્થાને કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવને પણ તીર્થંકરનામકર્મ બંધાઈ જાય છે.
ત્યાં મુનિને એમ શંકા નથી પડતી કે ‘અરે! આ અવિરતિ સમ્યગ્દ્રષ્ટિને તીર્થંકરનામકર્મ બંધાયું ને મને
ચારિત્રદશા હોવા છતાં મારે તીર્થંકરનામકર્મ કેમ ન બંધાયું? શું મારા ચારિત્રમાં કાંઈ ખામી હશે?’ મુનિને તો
ભાન છે કે મારા વીતરાગી ચારિત્રનું ફળ બહારમાં ન આવે. ચારિત્રના ફળમાં તો કેવળજ્ઞાન થઈને મોક્ષદશા
પ્રગટે. તીર્થંકરનામકર્મ તો રાગનું ફળ છે. આત્માના ચારિત્રના ફળમાં તો અંદરમાં શાંતિ આવે. શું ચારિત્રથી
કાંઈ કર્મ બંધાય? ચારિત્ર તો ધર્મ છે, તેનાથી બંધન થાય નહિ અને જે ભાવથી બંધન થાય તેને ધર્મ કહેવાય
નહિ. સમ્યગ્દ્રષ્ટિને રાગથી તીર્થંકરનામકર્મ બંધાય છે, ત્યાં તેને તેની ભાવના નથી ને તે રાગને ધર્મ માનતા
નથી. જુઓ, આ સંસારભાવના!
‘સંસારભાવના’ એમ કહ્યું તેમાં કાંઈ સંસારની ભાવના કે રુચિ નથી, રુચિ અને ભાવના તો સ્વભાવની
જ છે. ધર્મી જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિ રાખીને સંસારનું સ્વરૂપ ચિંતવતાં તેનાથી વૈરાગ્ય વધારે છે તેનું નામ
‘સંસારભાવના’ છે. અંર્તતત્ત્વના ભાન વિના બાર ભાવના યથાર્થ હોતી નથી.
જગતમાં અનેક જીવો છે, તેઓ દ્રવ્યથી ને ગુણથી સરખા હોવા છતાં કોઈ જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે