Atmadharma magazine - Ank 106
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
સત્ય
આત્માનું સત્ય સ્વરૂપ શું છે તે સમયસારમાં આચાર્યદેવ
સમજાવે છે. લોકોને અંતરનું સૂક્ષ્મ તત્ત્વ મોંઘું થઈ પડ્યું છે,
કેમકે તેની વાત કદી સાંભળી નથી. કેટલાક બોલકા તો એવું
ભરડે કે તત્ત્વનો કાંઈ મેળ હોય નહિ! અંતરની વસ્તુને જાણ્યા
વિના બહારની વાતોના ધડાકા કરે. બાપુ! અનંતકાળમાં તને
સમ્યક્ વસ્તુસ્થિતિની ખબર પડી નથી, તેં અંતરની જિજ્ઞાસાથી
સત્ સાંભળ્‌યું પણ નથી. આ તો પૂર્વે અનંત કાળે નહિ પ્રાપ્ત
થયેલ એવી અપૂર્વ ચીજ છે. આ સમજ્યા વિના કોઈનું કલ્યાણ
થાય તેમ નથી.
કોઈ કહે કે ‘તમે અમને સમજાવો તો તમે સાચા!’ પણ
ભાઈ, એમ બને નહિ; કોઈ બીજો માને તો જ સત્યની કિંમત
થાય એવું સત્ય નથી. તું જુદો સ્વતંત્ર છો, તને કોઈ બીજો
સમજાવી શકે નહિ. તારી તૈયારી વિના બીજો કોઈ તને નિમિત્ત
પણ થઈ શકે નહિ. સામો જીવ પોતાની પાત્રતાથી સમજે તો
સમજવામાં બીજો નિમિત્ત કહેવાય, અને ન સમજે તો બીજો તેને
નિમિત્ત પણ ન કહેવાય. આ તો પોતે પોતાનું સ્વરૂપ સમજીને
પોતાનું કલ્યાણ કરી લેવાની વાત છે, જગત સમજે કે ન સમજે,
પણ જે સત્ય છે તે કાંઈ ફરે તેમ નથી. જગત ન સમજે તેથી
કાંઈ સત્ય ફરીને અસત્ ન થઈ જાય. બીજા ન સમજે તેથી કાંઈ
પોતાનું કલ્યાણ અટકી જતું નથી. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી
બીજા જીવો ન સમજે ને વિરોધ કરે તોપણ જ્ઞાનીને પોતાની
સમજણમાં શંકા પડતી નથી.
[જુઓ, સમયસાર–પ્રવચન ભાગ ૧, પૃ: ૧૬૪]
પ્રકાશક :– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રક :– રવાણી એન્ડ કંપની વતી જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા, તા. ૨૨–૭–૫૨