Atmadharma magazine - Ank 106
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૨૦૭ :
(અનુસંધાન પૃષ્ઠ ૧૯૬ થી ચાલુ)
લાભ થાય–એ વાત ક્યાં રહી? આમાં ક્યાંય પરનું આલંબન કે પરમાં રાગ–દ્વેષ કરવાનું રહેતું નથી, એકલા
સ્વદ્રવ્યના આલંબને વીતરાગતા થયા એવી જ આ વાત છે.
પ્રશ્ન :– વાણી દૂર હો કે નજીક હો, તેનાથી તો કાંઈ સમજાતું નથી, પોતાથી જ સમજાય છે, તો પછી
સતસમાગમનું શું કામ છે?
ઉત્તર :– ‘અહો! ગમે ત્યાં મને મારા આત્માથી પોતાથી જ જ્ઞાન થાય છે’ –એ વાત જેને અંતરમાં રુચી
તેને તેવું સંભળાવનારા જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ એટલે તેને સતસમાગમની ભાવના થયા
વિના રહે જ નહિ; પણ શ્રવણ વખતેય તેના લક્ષમાં તો એમ છે કે હું જેટલી મારા સ્વભાવની રુચિ અને
ભાવનાનું પોષણ કરું છું તેટલો જ મને લાભ છે, નિમિત્તથી કે નિમિત્ત તરફના રાગથી મને લાભ નથી.
મહાવિદેહક્ષેત્ર ઠીક અને ભરતક્ષેત્ર ઠીક નહિ–એમ ઠીક–અઠીકનો ભાવ કરવાનું આત્માની કોઈ શક્તિમાં
નથી; નબળાઈને લીધે કોઈ વાર એવો વિકલ્પ ઊઠે તો ત્યાં ધર્મીને નિઃશંકતા છે કે આ વિકલ્પ મારા સ્વરૂપમાંથી
આવેલો નથી, મારા સ્વરૂપમાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકલ્પને પરિણમાવે. મારી સર્વદર્શિશક્તિ બધાને
દેખનારી છે પણ કોઈને ઠીક–અઠીક માનનારી નથી. આત્માની અનંત શક્તિઓને પણ સર્વદર્શિશક્તિ દેખે છે.
જેણે આત્માને દેખ્યો તેણે બધું દેખી લીધું. સર્વદર્શિશક્તિ આત્મદર્શનમય છે એટલે લોકાલોકને દેખવા માટે
આત્માને બહાર ડોકિયું કરવું પડતું નથી પણ આત્મસ્વરૂપને દેખતાં લોકાલોક દેખાઈ જાય છે. એક ગુણની
પ્રતીત કરવા જતાં પણ આખો આત્મા જ પ્રતીતમાં આવી જાય છે. આખા આત્માને જાણે તો જ એક ગુણને
યથાર્થ જાણે, એક પણ ગુણને યથાર્થ સમજતાં અનંતગુણનો પિંડ સમજાય છે. એક ગુણને પણ ખરેખર ક્યારે
સમજ્યો કહેવાય? એક ગુણનો ભેદ પાડીને જો તેનો આશ્રય કરવા જાય તો તેણે ગુણને જ આખી વસ્તુ માની
લીધી છે, તેણે એક ગુણને પણ જાણ્યો નથી; એક ગુણને જાણતાં, તેની સાથે અભેદરૂપ આખા દ્રવ્યને પકડી લ્યે
તો જ ગુણને જાણ્યો કહેવાય, કેમકે ગુણીથી જુદો ગુણ રહેતો નથી. ઘણી શક્તિઓ છે તેથી કાંઈ આત્મામાં ભેદ
પડી જતો નથી, આત્મામાં તો અનંતશક્તિથી અભેદતા છે. તે અભેદતાના આશ્રયપૂર્વક જ જુદી જુદી
શક્તિઓનું યથાર્થ જ્ઞાન થાય છે.
આત્માની સર્વદર્શિત્વશક્તિ લોકાલોકને દેખતી હોવા છતાં તે નિરાકાર છે; લોકાલોકને દેખવાથી તે
સાકાર થઈ જતી નથી કેમકે તે ભેદ વિના સર્વેને સત્તામાત્ર જ દેખે છે; પોતે નિરાકાર આત્મદર્શનપણે પરિણમીને
બધાને ભેદ રહિત દેખે છે. જડ કે ચેતન, સિદ્ધ કે સંસારી, ભવ્ય કે અભવ્ય–એવા વિશેષ ભેદો તે જ્ઞાનનો વિષય
છે. દર્શન તેવા ભેદ વગર સામાન્યસત્તાનો પ્રતિભાસ કરે છે, અનંત ગુણના પિંડ અખંડ આત્માને પણ
દર્શનશક્તિ દેખે છે, તેથી સર્વદર્શિશક્તિની પ્રતીતમાં અખંડ આત્માની પ્રતીત પણ ભેગી જ છે.
લોકાલોકને દેખવાનું સર્વદર્શિત્વશક્તિનું સામર્થ્ય છે તે ઉપચારથી નથી પણ સ્વભાવથી જ છે. આવી
સર્વદર્શિત્વશક્તિ આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે જ પરિણમી રહી છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે અનંત
ગુણોનું પરિણમન એક સાથે જ છે. કેવળી ભગવાનને પહેલાંં જ્ઞાન પરિણમે અને પછી દર્શન પરિણમે એમ જે
જ્ઞાન–દર્શનનો ક્રમ માને તેણે એક સાથે અનંત શક્તિવાળા આત્માને જાણ્યો નથી, તેને ખરેખર કેવળી પ્રભુની
પ્રતીત નથી ને આત્માની પણ પ્રતીત નથી. જ્ઞાન જ્યાં સ્વભાવનો આશ્રય કરીને પરિણમ્યું ત્યાં અનંતગુણોનું
પરિણમન તેની સાથે ઊછળી રહ્યું છે. આવા અનંતધર્મોથી પરિણમતા એક આત્માને જાણવો તેનું નામ
અનેકાન્તધર્મ છે અને તે જ મોક્ષમાર્ગ છે.
અહીં નવમી સર્વદર્શિત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
–સર્વજ્ઞપ્રભુએ કહેલી વાત–
શ્રી આચાર્યદેવ કહે છે કે–
તું સિદ્ધસમાન પ્રભુ છે–એવો વિશ્વાસ તને તારાથી ન આવે ત્યાંસુધી સર્વજ્ઞપરમાત્માએ કહેલી વાતો
તારા અંતરમાં બેસે નહિ.
–શ્રી સમયસાર–પ્રવચનો ભા. ૧, પૃ. ૩૩