એમ સમજાવવું છે કે જેમ પવિત્ર સતિઓ બીજા પુરુષની સામે જોતી નથી તેમ ભગવાન આત્માનો એવો
સ્વચ્છ–પવિત્ર સ્વભાવ છે કે કોઈ બીજાની સામે જોયા વિના, પોતે પોતાના સ્વભાવથી જ લોકાલોકને
જાણવારૂપે પરિણમી જાય છે, ઈન્દ્રિયોના આલંબનથી કે પરજ્ઞેયોની સન્મુખતાથી તે નથી જાણતો.
સ્વભાવની સ્વચ્છતા એવી છે કે તેની સામે જોતાં બધુંય જણાઈ જાય છે. બહારમાં જોવા જતાં તો વિકલ્પ ઊઠે છે
ને પૂરું જણાતું નથી; લોકાલોકને જાણવા માટે બહારમાં લક્ષ લંબાવવું નથી પડતું પણ અંતરમાં એકાગ્ર થવું પડે
છે; અનંતું અલોકક્ષેત્ર, અનંતો કાળ ને લોકના અનંતા પદાર્થો તે બધું ય સ્વભાવની સામે જોતાં જણાઈ જાય છે.
લોકાલોકની સામે જોઈને કોઈ જીવ લોકાલોકનો પાર ન પામી શકે, પણ જ્ઞાન અંદરમાં ઠરતાં લોકાલોકનો પાર
પામી જાય છે. ––આમ ધર્મીને પોતાના અંતર્મુખ સ્વભાવની પ્રતીત છે.
તારા જ્ઞાનનો એવો વિકાસ પ્રગટી જશે કે લોકાલોક તેમાં સહજપણે જણાશે. માટે સ્વભાવસન્મુખ થઈને તારી
સ્વચ્છતાના સામર્થ્યની પ્રતીત કર અને તેમાં ઠર. જુઓ, ઓ લોકાલોકને જાણવાનો ઉપાય!
છે. જગતમાં આત્મા છે, તેમાં જ્ઞાનગુણ છે, તેના ઉપયોગનું પરિણમન છે, તેનું પૂર્ણ સ્વચ્છ પરિણમન થતાં તેમાં
લોકાલોક જણાય છે, સામે લોકાલોક જ્ઞેયપણે છે, પણ લોકાલોકને જાણનારું જ્ઞાન તેનાથી જુદું છે, લોકાલોકનું
જ્ઞાન તો આત્મપ્રદેશોમાં જ સમાઈ જાય છે. ––એક સ્વચ્છત્વશક્તિને માનતાં તેમાં આ બધુંય આવી જાય છે. જે
આ બધું ન સ્વીકારે તેને આત્માના સ્વચ્છત્વસ્વભાવની પ્રતીત નથી.
અરીસાની સ્વચ્છતાનું તેવું પરિણમન છે. અનેક પ્રકારના રંગ અને આકૃતિઓ અરીસામાં દેખાય છે તે કાંઈ
બહારની ઉપાધિ નથી પણ અરીસાની સ્વચ્છતાની જ અવસ્થા છે. તેમ આત્માનો એવો સ્વચ્છસ્વભાવ છે કે
તેના ઉપયોગના પરિણમનમાં લોકાલોકનું પ્રતિબિંબ ઝળકી રહ્યું છે, અનંત સિદ્ધ ભગવંતો જ્ઞાનમાં એક સાથે
ઝળકી રહ્યા છે; ત્યાં જ્ઞાનમાં કાંઈ પરદ્રવ્યો નથી પણ જ્ઞાનની સ્વચ્છતાનું જ તેવું પરિણમન છે. જ્ઞાનમાં
લોકાલોકની ઉપાધિ નથી. અહો! આવા સ્વચ્છ જ્ઞાનસ્વભાવમાં ક્યાંય પરનું આલંબન, વિકાર કે અધૂરાશ છે જ
ક્યાં?
નથી; અરીસો પોતે સ્થિર રહે છે ને પદાર્થો તેમાં સ્વયમેવ ઝળકે છે. તેમ આત્માના ચૈતન્યઅરીસામાં વિશ્વના
સમસ્ત ચિત્ર–વિચિત્ર પદાર્થો ઝળકે છે એવો તેનો સ્વભાવ છે પણ તેમાં કોઈ ઉપર રાગદ્વેષ કરવાનો તેનો
સ્વભાવ નથી; સિદ્ધ ઉપર રાગ અને અભવ્ય ઉપર દ્વેષ કરે એવું તેમાં નથી, તે તો નિજસ્વરૂપમાં સ્થિર રહીને
વીતરાગપણે વિશ્વના પ્રતિબિંબને પોતામાં ઝળકાવી રહ્યો છે. અરીસાનું દ્રષ્ટાંત આપ્યું તે અરીસો તો જડ છે, તેને
પરની કે પોતાના સ્વભાવની ખબર નથી, આત્મા તો લોકાલોક–પ્રકાશક ચૈતન્યઅરીસો છે, તે પોતે પોતાના
સ્વભાવનો તેમજ પરનો પ્રકાશક છે. સ્થિર થઈને પોતે પોતાના અરીસામાં જુએ તો તેમાં પોતાનું શુદ્ધસ્વરૂપ
દેખાય, ને લોકાલોકનું પણ જ્ઞાન થઈ જાય.
સ્વપ્રકાશકતારૂપ નિશ્ચય હોય ત્યાં જ પરપ્રકાશકતારૂપ વ્યવહાર હોય છે.