Atmadharma magazine - Ank 110
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
માગશર : ૨૪૭૯ : ૨૯ :
થશે–એની કાંઈ અમને ખબર ન પડે, અથવા તો આત્મામાં કેટલી શુદ્ધતા થઈ ને કેટલી અશુદ્ધતા ટળી–તેની
પોતાને ખબર ન પડે’––આમ જે માને છે તેણે સ્વયંપ્રકાશમાન આત્માને જાણ્યો જ નથી. પોતાને પોતાની ખબર
ન પડે–એવી વાત આત્મામાં છે જ નહિ. પોતાના અપૂર્વ સ્વાનુભવના વેદનનો પ્રકાશ પોતે જ પોતાની
પ્રકાશશક્તિ કરે છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન થતાં આત્માના અપૂર્વ અતીન્દ્રિય આનંદનું વેદન થાય અને તેની
પોતાને ખબર ન પડે–એમ બને જ નહિ, કેમ કે આત્મા પોતે જ સ્વયં પ્રકાશક છે. આત્મા પોતાના પ્રત્યક્ષ
અનુભવથી પ્રકાશમાન છે; એકલા અનુમાનથી પરોક્ષ જાણે કે ‘આત્મા આવો હોવો જોઈએ’–તો તે જ્ઞાન યથાર્થ
નથી. આત્મા એકલા પરોક્ષજ્ઞાનથી પ્રકાશિત થતો નથી, પણ સ્પષ્ટ પ્રગટપણે પોતાના સંવેદનની સાક્ષી લાવવો
પોતે પોતાથી જ પ્રકાશમાન છે, બીજા કોઈની સાક્ષી લેવા જવું પડતું નથી. પોતાના સ્વભાવનું પરિણમન થયું,
પોતાને સ્વભાવનું વારંવાર વેદન થયું–તેને પ્રગટપણે પ્રકાશવાની શક્તિ આત્મામાં ત્રિકાળ છે. કોઈ કહે કે
અમને અમારી ખબર ન પડે. તો તેને કહે છે કે અરે મૂર્ખ! તને તારી ખબર ન પડે!! તું તો ચેતન છો કે જડ
છો? જડને પોતાની કે પરની ખબર ન પડે, પણ ચેતનમાં તો પોતાને તેમ જ પરને જાણવાની પરિપૂર્ણ તાકાત
છે. ભાઈ, તું તારી પૂર્ણ તાકાતને ઓળખ.
પોતે પોતાથી અજાણ્યો રહે–એવો આત્માનો સ્વભાવ જ નથી; ‘ન જાણવું’ એવી શક્તિ જ આત્મવસ્તુમાં
નથી. ‘હું મને ન જણાઉં’ એ તો અજ્ઞાનથી ઊભી કરેલી કલ્પના છે. આત્મા ચૈતન્યપ્રકાશી પ્રભુ છે, તે પોતે
પોતાને બરાબર જાણી શકે છે, પોતે પોતાને સાક્ષાત્ અનુભવ કરી શકે છે, તેમાં શાસ્ત્રને કે ભગવાનને પૂછવા
જવું ન પડે. શાસ્ત્રમાં આત્માનું ગમે તેટલું વર્ણન કર્યું હોય, પણ તે શાસ્ત્રનો મર્મ જાણશે કોણ? જાણનાર તો
આત્મા છે ને! માટે આત્મા પોતે પોતાથી જ પ્રકાશમાન છે.
કેટલાક જીવો એમ શંકા વેદતા હોય છે કે આપણને આપણી કાંઈ ખબર પડતી નથી, ભગવાને જ્ઞાનમાં
જોયું હોય તે ખરું! પણ અરે ભાઈ! તારા જ્ઞાનમાં સંદેહ વેદાતો હોય તો ભગવાન તે પ્રમાણે જાણે, અને તું તારો
અનુભવ કરીને નિઃશંકતા પ્રગટ કર તો ભગવાન તેમ જાણે. જેમ વસ્તુસ્થિતિ હોય તેમ ભગવાન જાણે ને? વળી
‘ભગવાને જ્ઞાનમાં જોયું હોય તે ખરું’–એમ કહ્યું, તો ત્યાં ભગવાનના જ્ઞાનનો નિર્ણય તો તેં કર્યો ને?–તો
ભગવાનના જ્ઞાનનો જે નિર્ણય કરે તે પોતે પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કેમ ન કરી શકે? જે જીવ
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે તેને પોતાના અનુભવની નિઃશંક ખબર પડે છે.
અજ્ઞાનીને આત્માની રુચિ નથી તેથી ત્યાં એમ કહે છે કે અમને આત્માની ખબર ન પડે. પણ ભાઈ! તું
આત્માની રુચિ કરીને તેની સન્મુખતાનો બરાબર પ્રયત્ન કર તો આત્માની ખબર પડ્યા વિના રહે નહિ.
સંસારના વેપાર–ધંધા કે રસોઈ વગેરે કામમાં ‘મને નથી આવડતું’–એમ નથી કહેતા, ત્યાં તો ‘હું જાણું છું’–એમ
પોતાના જાણપણાનું ડહાપણ કરે છે; અને અહીં પોતે પોતાને જાણવાની વાત આવે ત્યાં ના પાડે છે. અરે ભાઈ!
ઊંધી દ્રષ્ટિને લીધે તારા જ્ઞાનમાં સ્વની નાસ્તિ ને પરની અસ્તિ થઈ ગઈ છે. ‘બધાને જાણે છે કોણ?’ –કે હું.
‘તો તને તારી ખબર ન પડે?–તો કહે છે કે ના. વાહ રે વાહ! આશ્ચર્ય છે, ‘અમુક દેશમાં માણસ વગર ચાલે
તેવા એરોપ્લેન નીકળ્‌યા છે, મોટી લડાઈમાં હવે ફલાણો દેશ હારી જશે’ એમ ત્યાં તો પોતાનું જાણપણું બતાવે
છે, ત્યાં તો કાંઈ અજાણપણું નથી બતાવતો; તો હે ભાઈ! ‘આવો મારો ચૈતન્યમૂર્તિ આત્મા છે, મારામાં આવી
અનંતી શક્તિઓ છે અને તેના આશ્રયે અલ્પકાળમાં કેવળજ્ઞાન થઈને મારી મુક્તિ થશે’–આમ તારા આત્માનું
નક્કી કરવાની શક્તિ તારામાં ખરી કે નહિ? જે પર પદાર્થોને પ્રકાશી રહ્યો છે તેનો પોતાનો સ્વયં પ્રકાશમાન
સ્વભાવ છે, એટલે આત્મા સ્વાનુભવથી પોતાને સ્પષ્ટ જાણે એવો તેનો પ્રકાશસ્વભાવ છે. માટે
આચાર્યભગવાન કહે છે કે હે જીવ! મને મારી ખબર ન પડે–તે વાત હૃદયમાંથી કાઢી નાંખ, અને તારા આત્મામાં
પ્રકશશક્તિ ત્રિકાળ છે તેનો વિશ્વાસ કર, તેની સન્મુખ થઈને પ્રતીતિ કર. પ્રકાશસ્વભાવી આત્માની પ્રતીતિ
કરતાં તને તારા આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન થઈને અલ્પકાળમાં તારી મુક્તિ થશે.
–આત્માની અનંત શક્તિઓમાંથી
પ્રકાશશક્તિનું વર્ણન પૂરું થયું (૧૨)