Atmadharma magazine - Ank 110
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૨૬ : આત્મધર્મ : ૧૧૦
અપૂર્વ કલ્યાણ કોને પ્રગટે?
પરથી મને લાભ છે, પરનું કાંઈક હું કરી શકું છું, પર મારે તાબે છે–
આવી બુદ્ધિ જ્યાં સુધી જીવને રહે ત્યાં સુધી પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની મિથ્યા
કલ્પના તેને ટળતી નથી અને પોતાના કલ્યાણમાં તેની બુદ્ધિ લાગતી નથી. હજી
તો પરનું કરવાનો બોજો પોતાના માથે માનીને ફરે તે પોતાના કલ્યાણનો
વિચાર કરવા ક્યાંથી નવરો થાય? માટે જેને પોતાનું કલ્યાણ કરવાની ભાવના
હોય તેણે, પરથી મને લાભ–નુકસાન થાય કે હું પરનું કાંઈ ભલું–બુરું હું કરી
દઉં–એવા પ્રકારની ઊંધી માન્યતા ઉપર મીંડા મૂકીને, પરથી ભિન્ન નિરાલંબી
સ્વાધીન આત્મસ્વભાવને માન્યે જ છૂટકો છે. પોતાના આત્માને પરથી છૂટો
માને તો પર તરફથી પાછો ફરીને આત્માના આશ્રયે પોતાનું કલ્યાણ કરે.
આત્મા પરનું કાંઈ કરે અથવા તો પરને લીધે આત્માનું હિત થાય–એ વાત તો
દૂર રહો.....પરંતુ......મનના અવલંબને જે શુભ વિકલ્પ ઊઠે તેનાથી પણ
આત્માને ધર્મ કે હિત નથી; શુભ–વિકલ્પ પણ આત્માના ગુણનો રોધક છે.
પુણ્ય–પાપરૂપ વિકારથી આત્મગુણને મદદ થાય–એમ માનનારે ગુણને અને
વિકારને એકમેક માન્યા છે, વિકારથી ભિન્ન આત્મસ્વભાવને તેણે જાણ્યો નથી,
એટલે તેને પણ કલ્યાણ ક્યાંથી પ્રગટે? જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવા આત્માને
જાણ્યા વિના શેમાંથી કલ્યાણ લાવશે? પરથી ભિન્ન અને વિકારથી રહિત સ્વતંત્ર
નિર્વિકારી આત્મસ્વભાવને જે જાણે તેને જ તેમાં એકાગ્રતા વડે અપૂર્વ
આત્મકલ્યાણ પ્રગટે છે.
–પ્રવચનમાંથી.
જ્ઞાનીના હૃદયમાંથી કરુણા ઝરે છે....
“હે ભાઈ! પરની ચિંતા છોડીને તારું પોતાનું કલ્યાણ કેમ થાય તેનો
તું વિચાર કર...તું તારું સુધાર. તારા હિત માટે તું અંતર્મુખ સ્વભાવમાં
જો.....ને તારા પૂર્ણ સ્વરૂપને લક્ષમાં લે... ભાઈ! આ દેહ તો ક્ષણમાં છૂટી
જશે. બહારમાં તો ભલે ગમે તેમ થાય પણ તું તારા આત્મતત્ત્વને સમજ. તે
સમજવાથી જ તારું કલ્યાણ થશે ને ભવથી નિવેડા આવશે.’ –આત્મા પરનું
તો કાંઈ કરી શકતો નથી છતાં અજ્ઞાની માત્ર અભિમાન કરીને ભવસમુદ્રમાં
ભટકે છે; એવા જીવો ઉપર કરુણા કરીને, તેઓના હિતનો આવો ઉપદેશ
જ્ઞાનીઓએ કર્યો છે. અહો! આ વાત તો જગતને પહેલી સમજવા જેવી છે.
બીજું તો ભલે આવડે કે ન આવડે પણ આ વાત જરૂર સમજવા જેવી છે.
આ સમજ્યા વિના કલ્યાણ થવાનું નથી. જે આ સમજશે તેના ભવથી
નિવેડા આવશે. આત્માનું પોતાનું હિત કરવા માટેની આ વાત છે
–પ્રવચન ઉપરથી.