Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
: ૫૨: આત્મધર્મ: ૧૧૧
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૧૩]
અસંકુચિતવિકાસત્વ શક્તિ
ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિદ્દવિલાસ સ્વરૂપ અસંકુચિતવિકાસત્વ નામની શક્તિ છે, આ શક્તિ
પણ આત્માના જ્ઞાનમાત્રભાવમાં ભેગી જ પરિણમે છે. સંકોચ વગરનો વિકાસ થાય–એવો ચૈતન્યનો વિલાસ છે.
અમુક જ ક્ષેત્ર અને અમુક જ કાળને જાણે ને પછી વધારે ન જાણી શકે–એવી કોઈ મર્યાદા ચૈતન્યના વિકાસમાં
નથી. ચૈતન્યનો એટલો વિકાસ થાય કે તેમાં જરાય સંકોચ ન રહે, અમર્યાદિત કાળ અને અમર્યાદિત ક્ષેત્રને પણ તે
જાણી લ્યે–એવા અસંકુચિતવિકાસરૂપ ચૈતન્યસ્વભાવ છે. આત્મામાં અનાદિઅનંત એવો સ્વભાવ છે કે તેના
ચૈતન્યવિકાસમાં મર્યાદા નથી; અમુક ક્ષેત્ર અને કાળને જાણ્યા પછી હવે વિકાસ બસ થાવ–એવી હદ તેનામાં નથી.
આત્મા પોતે ભલે અસંખ્યપ્રદેશી છે પણ તેથી કાંઈ તેની ચૈતન્યશક્તિનો વિલાસ મર્યાદિત થઈ ગયો નથી,
અસંખ્યપ્રદેશી હોવા છતાં અનંત–અનંત અમર્યાદિત ક્ષેત્રને જાણે–એવી તેની તાકાત છે. ક્ષેત્રથી અનંતપ્રદેશી કે
સર્વવ્યાપક હોય તો જ તેની અનંત શક્તિ કહેવાય–એમ નથી. પોતે અલ્પક્ષેત્રમાં રહીને સર્વક્ષેત્રને જાણી લે છે
તથા એક સમયમાં ત્રણકાળને જાણી લે છે, જાણવામાં કાંઈ સંકોચ થતો નથી–આવી અસંકુચિત વિકાસરૂપ શક્તિ
આત્મામાં સદાય છે. લોકાલોકમાં જેટલા જ્ઞેયો છે તેના કરતાં અનંતગુણા હોત તો તેને પણ જાણી લેવાની જ્ઞાનની
બેહદ તાકાત છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તેને જાણવામાં ક્ષેત્રની કે કાળની હદ ન હોય.
આત્મા જાણે છે પોતાના અસંખ્યપ્રદેશમાં,–પણ જાણે છે અનંત ક્ષેત્રને! તેમ જ તે જાણે છે એક જ સમયમાં,
પણ અનંત અમર્યાદિત કાળને જાણે છે. જુઓ આ ચૈતન્યનો વિલાસ. આ ચૈતન્યવિલાસને કોઈ કેદમાં પૂરી શકે
નહિ; જેમ કોઈ માણસને જેલમાં પૂર્યો હોય, પણ તે માણસ જેલની ઓરડીમાં બેઠો બેઠો પોતાના જ્ઞાનમાં બહારના
પદાર્થોને જાણે–તો શું તેના જ્ઞાનને કોઈ રોકી શકે તેમ છે? તને જેલમાં પૂર્યો છે માટે જેલની બહારનું જ્ઞાન તને નહિ
કરવા દઉં–એમ શું કોઈ તેને રોકી શકે છે? તેમ આત્માના બેહદ જ્ઞાનવિલાસને કોઈ રોકી શકતું નથી, તેને કેદમાં
પૂરી શકાતો નથી. અમુક ક્ષેત્ર તથા અમુક કાળને જાણે એટલો જ શક્તિનો વિકાસ થાય ને પછી વધારે વિકાસ ન
થઈ શકે–એવો મર્યાદિત સ્વભાવ નથી, પણ અમર્યાદિતપણે સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને જાણે એવો સંકોચરહિત
વિકાસ થવાનો આત્માનો સ્વભાવ છે. અલ્પજ્ઞતા ને અલ્પવીર્ય વગેરે સંકોચપણે રહેવાનો આત્માનો સ્વભાવ નથી,
શક્તિનો પરિમિત વિકાસ રહે–એવો તેનો સ્વભાવ નથી, પણ અસંખ્યપ્રદેશમાં ને એક સમયમાં પૂરું અમર્યાદિત
કેવળજ્ઞાન તથા બેહદ વીર્ય, આનંદ વગેરે વિકાસ પામે–એવો અમર્યાદિત આત્મસ્વભાવ છે.
જુઓ, આવી અમર્યાદિત શક્તિનો પૂર્ણ વિકાસ કોના આશ્રયે પ્રગટે? નિમિત્તનો, વિકારનો કે મર્યાદિત
પર્યાયનો આશ્રય કરતાં અમર્યાદિત સામર્થ્ય પ્રગટતું નથી, પણ ઊલટું પર્યાયનું સામર્થ્ય સંકોચાઈ જાય છે;
આત્માનો ત્રિકાળ અમર્યાદિત સ્વભાવ છે તેનો આશ્રય કરીને પરિણમતાં પર્યાયમાં પણ અમર્યાદિત
ચૈતન્યશક્તિ વ્યક્તપણે ઊછળે છે, પ્રગટ થાય છે. પ્રથમ આવા નિજસ્વભાવની પ્રતીત કરવી તે ધર્મની શરૂઆત
છે. વર્તમાન પર્યાયમાં અલ્પ વિકાસ હોવા છતાં દ્રવ્યસન્મુખદ્રષ્ટિથી પોતાના પૂર્ણ વિકાસ થવારૂપ
સ્વભાવસામર્થ્યની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. અને પોતાના પૂર્ણ સામર્થ્યની પ્રતીત ન કરતાં, પર્યાયના
અલ્પ વિકાસ જેટલો જ પોતાને માનીને ત્યાં અટકી જવું તે પર્યાયમૂઢતાનું મિથ્યાત્વ છે.
અજ્ઞાની જીવો આત્માને નમાલો, તુચ્છ અને સામર્થ્યહીન માની રહ્યા છે, તેને આચાર્યદેવ આત્માનો
બેહદ સામર્થ્યરૂપ સ્વભાવ બતાવે છે કે જો ભાઈ! આ અલ્પ સામર્થ્ય જેટલો જ સંકુચિત તારો આત્મા નથી પરંતુ
સંકોચ વગરનો બેહદ વિકાસ થાય–એવું તારા આત્માનું અચિંત્ય સામર્થ્ય છે. આત્માના પ્રદેશો તો અસંખ્ય છે
એટલે તેનું સ્વક્ષેત્ર મર્યાદિત છે, પરંતુ મર્યાદિત ક્ષેત્રવાળો હોવા છતાં તેનાં જ્ઞાનમાં ક્ષેત્રને જાણવાની એવી કોઈ
મર્યાદા નથી કે અમુક જ ક્ષેત્રનું જાણે! તેના ચૈતન્ય–સામર્થ્યનો એવો અમર્યાદિત વિલાસ છે કે ગમે તેટલા ક્ષેત્રનું
ન ગમે તેટલા કાળનું જાણવામાં તેને ક્યાંય સંકોચ નથી, મર્યાદા નથી, કે થાક લાગતો નથી. ઘણું જાણ્યું માટે
જ્ઞાન થાકી ગયું અથવા જ્ઞાનમાં સંકડાશ પડી–એવું કદી બનતું નથી; આત્માનો ચૈતન્યસ્વભાવ સંકોચ વગરનો
છે. પોતાના ચૈતન્યવિકાસથી લીલામાત્રમાં ત્રણકાળ–ત્રણલોકને જાણી લ્યે અને સાથે બેહદ આનંદને