Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: ૫૪ : આત્મધર્મ : ૧૧૧
એટલે સાધકદશાની આ વાત છે. પહેલાંં પોતાના પૂર્ણ સ્વભાવને ઓળખીને પ્રતીતમાં પણ ન લ્યે તો તેને
પર્યાયમાં પૂર્ણતા ક્યાંથી આવશે? કોના આધારે તે પોતાની પૂર્ણતાને સાધશે! પરના આધારે લાભ માનશે તો
તો ઊલટું મિથ્યાત્વનું પોષણ થશે. માટે આચાર્યપ્રભુ કહે છે કે બીજા બધા સાથેના સંબંધને ભૂલી જા અને
એકલા તારા આત્માને તેના અનંતગુણો વડે લક્ષમાં લે.–આ જ સાધક થઈને સિદ્ધ થવાનો રસ્તો છે.
બીજા પદાર્થોને એકવાર લક્ષમાંથી કાઢી નાંખ અને તારા આત્માને જુદો લક્ષમાં લે. જો, આ આત્મા છે
ને! –‘હા.’ તેનામાં જ્ઞાન વગેરે ગુણો છે ને! –‘હા.’ હવે તે આત્મા પોતાના જ્ઞાનાદિ ગુણોને પરથી પૃથક્ રાખે
છે કે પર સાથે એકમેક થઈ જાય છે? આત્માના ગુણો પરથી તો જુદા જ છે. જેમ કે આ સુખડની લાકડી છે, તે
લાકડીના સુગંધ વગેરે ગુણો હાથથી જુદા છે કે એકમેક છે? જુદા છે. જેમ સુખડની લાકડીના ગુણો હાથથી
એકમેક નથી પણ જુદા છે તેમ આત્માના જ્ઞાનાદિ ગુણો છે તે કોઈ બીજાની સાથે એકમેક નથી પણ જુદા જ છે.
જો પોતાના જુદા ગુણો ન હોય તો પદાર્થ જ જુદો સિદ્ધ ન થાય. આત્માના ગુણો પરથી પૃથક્ અને આત્મા સાથે
એકમેક છે; આવા પોતાના ગુણોથી આત્મા ઓળખાય છે. તેથી આત્માની ઓળખાણ કરાવવા માટે તેના ગુણો
કયા કયા છે તેનું આ વર્ણન ચાલે છે.
આત્માનું જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ વિકસિત થાય–એવો તેનો સ્વભાવ છે; પર્યાયમાં તે પૂર્ણ વિકાસ
ક્યારે પ્રગટ થાય? કે ત્રિકાળી પ્રત્યક્ષ પરિપૂર્ણ સ્વભાવનો આશ્રય કરીને પરિણમે ત્યારે પર્યાયમાં પૂર્ણ વિકાસ
થાય. એ સિવાય વિકારનો આશ્રય કરીને લાભ માને તો પર્યાયનો વિકાસ ન થાય પણ વિકાર થાય. અને જડનું
હું કરું એમ માનીને જડના આશ્રયમાં રોકાય તો આત્મા જડ તો ન થઈ જાય પણ તેની પર્યાય સંકોચરૂપ રહે,
પર્યાયનો જે વિકાસ થવો જોઈએ તે ન થાય. પરના લક્ષે કે વિકારના લક્ષે આત્માની પર્યાયમાં સંકોચ થાય છે ને
વિકાસ થતો નથી એટલે કે ધર્મ થતો નથી. જીવની પર્યાયમાં અનાદિથી સંકોચ છે, તે સંકોચ ટળીને સંકોચ
વગરનો વિકાસ કેમ પ્રગટે–તે અહીં આચાર્યદેવ બતાવે છે. આત્મામાં જ્ઞાનાદિનો અમર્યાદિત વિકાસ થવાની
શક્તિ ત્રિકાળ છે, તેની પ્રતીત કરતાં તે પ્રતીત કરનારી પર્યાય પણ વિકાસ પામી જાય છે. અહીં તો આત્મા
ત્રિકાળ સંકોચરહિત વિકાસરૂપ ચૈતન્યવિલાસથી પરિપૂર્ણ જ છે, પર્યાયમાં વિકાસ ન હતો ને પ્રગટ થયો–એવી
પર્યાયદ્રષ્ટિની અહીં પ્રધાનતા નથી.
મારી પર્યાયો મારા દ્રવ્યમાંથી આવે છે ને દ્રવ્ય તો પરિપૂર્ણ છે–આમ સ્વસન્મુખ થઈને દ્રવ્યની પ્રતીત કરે
તો તેના આશ્રયે અમર્યાદિતપણે ચૈતન્યનો વિકાસ થઈને કેવળજ્ઞાન થાય. આત્માના સ્વભાવમાં અમર્યાદિત
શક્તિ હોવા છતાં તેની પર્યાયમાં અલ્પતા કેમ થઈ? જો સ્વભાવનો આશ્રય કરે તો તો સ્વભાવ જેવી જ પર્યાય
થાય, પણ સ્વભાવનો આશ્રય છોડીને પર્યાય પરાશ્રયમાં અટકી તેથી તેમાં અલ્પતા થઈ. જ્ઞાન પર તરફ વળ્‌યું
તેથી તે અલ્પ થયું, શ્રદ્ધાએ પરમાં એકત્વ માનતાં તે મિથ્યા થઈ, ચારિત્રની સ્થિતિ પરમાં થતાં આનંદને બદલે
આકુળતાનું વેદન થયું, વીર્ય પણ પર તરફના વલણથી અલ્પ થયું. એ રીતે પર તરફના વલણમાં અટકવાથી
પર્યાયમાં અલ્પતા થઈ, સંકોચ થયો, તે અલ્પતા અને સંકોચ ટળીને પૂર્ણતાનો વિકાસ કેમ થાય તેની આ વાત છે.
આત્મામાં જીવનશક્તિ છે તેને ભૂલીને શરીર અને અન્ન વગેરેથી પોતાનું જીવન માનતો, ત્યારે આત્માની
શક્તિ સંકોચાયેલી હતી, તેને બદલે હવે જીવત્વ શક્તિનું ભાન કર્યું કે હું તો મારા ચૈતન્યપ્રાણથી જ ત્રિકાળ
જીવનારો છું, એટલે સ્વાશ્રયે સાચા ચૈતન્યજીવનનો વિકાસ થયો.
પહેલાંં પોતાની સ્વાધીન શક્તિને ભૂલીને ચેતના તથા દર્શન–જ્ઞાનને પરાશ્રયે માનતો, ત્યારે તેની પર્યાય
સંકોચરૂપ હતી, હવે જ્યાં સ્વાધીન શક્તિનું ભાન થયું ત્યાં તેના આશ્રયે ચેતના તથા દર્શન–જ્ઞાનનો બેહદ
વિકાસ પ્રગટી ગયો.
એ જ પ્રમાણે પહેલાંં પોતાની સ્વાધીન સુખશક્તિને ભૂલીને પરમાં સુખ માનતો ત્યારે સુખને બદલે
આકુળતાનું વેદન કરતો હતો, તેને બદલે હવે સુખશક્તિ તો આત્મામાં છે એવું ભાન થતાં આત્માના આશ્રયે
સુખનો વિકાસ થયો.
પહેલાંં પરમાં સુખ માનતો ત્યારે આત્માનું વીર્ય પણ પરમાં રોકાતું એટલે સંકોચરૂપ હતું, તેને બદલે હવે
તે વીર્ય સ્વભાવ તરફ વળતાં સ્વાશ્રયે તેનો વિકાસ ખીલ્યો.
વળી, પહેલાંં પોતાની પ્રભુતાને ચૂકીને પરને પ્રભુતા આપતો તેથી પર્યાયમાં પ્રભુતા પ્રગટી ન હતી, તેને બદલે