Atmadharma magazine - Ank 111
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: પોષ : ૨૪૭૯ : ૫૫ :
હવે નિજસ્વભાવની સ્વાધીન પ્રભુતાનું ભાન થતાં તેના આશ્રયે પ્રભુતા પ્રગટ થઈ.
પોતાની અનંત શક્તિઓમાં વિભુત્વ ભૂલીને આત્માને પરમાં વ્યાપક માનતો ત્યારે તેની શક્તિ
સંકોચાયેલી હતી, પોતાની સ્વતંત્ર વિભુતાનું ભાન થતાં સ્વાશ્રયે વિભુત્વનો વિકાસ થયો.
વળી સર્વદર્શિત્વ અને સર્વજ્ઞત્વશક્તિ પોતામાં છે તેને ભૂલીને અલ્પજ્ઞતા જેટલો માન્યો ત્યારે દર્શન–
જ્ઞાનનું પરિણમન અલ્પ–મર્યાદિત–સંકોચવાળું હતું, તેને બદલે હવે આત્મા જ સર્વદર્શી અને સર્વજ્ઞ સ્વભાવવાળો
છે એવું ભાન થતાં તેના આશ્રયે સર્વદર્શિતા અને સર્વજ્ઞતાનો અમર્યાદિત વિકાસ ખીલી જાય છે.
પોતાના સ્વચ્છ ઉપયોગસ્વભાવને ભૂલીને પોતાના ઉપયોગને મલિન–રાગાદિમય માનતો ત્યારે તેના
ઉપયોગમાં લોકાલોક જણાતા ન હતા, હવે આત્માના સ્વચ્છસ્વભાવનું ભાન થતાં તેના
આશ્રયે ઉપયોગની એવી સ્વચ્છતા ખીલી કે તેમાં લોઢાલોક જણાય છે.
વળી પહેલાંં પોતાની પ્રકાશશક્તિને ભૂલીને પોતાના જ્ઞાનને પરાશ્રયે જ માનતો અટલે પોતાનું પ્રત્યક્ષ
સ્વસંવેદન થતું ન હતું. હવે પોતાની સ્વાધીન પ્રકાશશક્તિને જાણતાં જ્ઞાન અંતર્મુખ થઈને સ્વયંપ્રકાશમાન એવું
પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રકાશિત થયું.
આ રીતે, અહીં આત્માની જીવત્વ આદિ બાર શક્તિઓનું વર્ણન કર્યું તે પ્રમાણે, આત્માની શક્તિ જ્યારે
પરાશ્રયમાં રોકાય ત્યારે તેના વિકાસની મર્યાદા રહે છે અર્થાત્ તે સંકુચિત રહે છે, ને આત્મસ્વભાવનો આશ્રય
કરતાં બધી શક્તિઓના પરિણમનમાં અમર્યાદિત વિકાસ ખીલી ઊઠે છે. ભલે નિગોદમાં હો કે પછી નવમી
ગ્રૈવેયકમાં હો, પણ જેને પોતાના આત્મસ્વભાવનો આશ્રય નથી ને પરાશ્રયની રુચિ છે તે જીવનું પરિણમન
મર્યાદિત–સંકુચિત રહે છે, અમર્યાદિત વિકાસ તેને થતો નથી. જે જીવ અનંતશક્તિસંપન્ન ચૈતન્યભગવાન એવા
પોતાના આત્માને જાણીને તેના આશ્રયે પરિણમે છે તેને પોતાની પર્યાયમાં જ્ઞાન વગેરેનો બેહદ વિકાસ ખીલી
જાય છે. જીવ શું કરે? કાં તો આત્માને ભૂલી પરાશ્રયમાં રોકાઈને પોતાની પર્યાયમાં સંકોચ પામે, અને કાં તો
આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતા વડે પર્યાયમાં વિકાસ પામે; આ બે સિવાય ત્રીજું કાંઈ તે કરી શકતો નથી,
એટલે કે પોતાના જ પરિણમનમાં સંકોચ કે વિકાસ સિવાય પરના પરિણમનમાં તો જીવ કાંઈ કરી શકતો જ
નથી–એ નિયમ છે. અને પોતાના પરિણમનમાં પણ જે સંકોચ થાય તે ખરેખર જીવનો મૂળસ્વભાવ નથી, સંકોચ
વગરનો પરિપૂર્ણ વિકાસ થાય–એવો જીવનો સ્વભાવ છે. આવા સ્વભાવનું જે ભાન કરે તેને તે સ્વભાવના
આશ્રયે પર્યાયનો વિકાસ થતાં થતાં અમર્યાદિત ચૈતન્યવિલાસ પ્રગટી જાય છે.
પ્રશ્ન:– આત્મા શરીરમાં રહે છતાં તેનું કાંઈ ન કરે?
ઉત્તર:– અરે ભાઈ, ખરેખર આત્મા શરીરમાં રહ્યો જ નથી, આત્મા તો પોતાની અનંત શક્તિઓમાં રહ્યો છે.
પ્રશ્ન:– પણ વ્યવહારથી તો શરીરમાં રહેલો કહેવાય છે ને?
ઉત્તર:– ભાષાની પદ્ધતિથી, આત્મા શરીરમાં રહ્યો કહેવાય છે પરંતુ ભાષાની પદ્ધતિ જુદી છે ને
સમજણની પદ્ધતિ જુદી છે. વસ્તુસ્વરૂપ શું છે તે સમજે નહિ અને માત્ર ભાષાના શબ્દોને જ પકડીને તેવું
વસ્તુસ્વરૂપ માની લ્યે તો તે જીવ અજ્ઞાની છે. આત્મા શરીરમાં રહ્યો છે એમ કહેવું તે તો નિમિત્ત અને સંયોગનું
કથન છે, પણ વસ્તુસ્વરૂપ તેમ નથી. આત્માનું યથાર્થસ્વરૂપ શું છે તે સમજ્યા વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ.
આત્માનું પરમાર્થસ્વરૂપ શું છે તે સમજ્યા વગર જીવને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિ મટે જ નહિ. દેહની
ક્રિયા હું કરું, દેહની ક્રિયાથી મને લાભ થાય, વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં તેનાથી મારું કલ્યાણ થઈ જાય–
એવી જેની માન્યતા છે તેને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિ ઊભી જ છે, તેણે ખરેખર આત્માને દેહથી ભિન્ન જાણ્યો જ
નથી. અનાદિથી સ્વભાવને ભૂલીને પર્યાયબુદ્ધિ અને દેહબુદ્ધિથી જ પર્યાયમાં સંકોચ રહ્યો છે ને તેથી જ સંસાર
છે, એટલે પર્યાયબુદ્ધિથી જ સંસાર છે. દેહના સંબંધ વિનાનો ને રાગથી પણ પાર, પોતાની જ્ઞાનાદિ અનંત
શક્તિઓથી પરિપૂર્ણ–એવા સ્વભાવને જાણીને તેમાં તન્મયતા કરતાં પર્યાયનો વિકાસ થઈને મુક્તિ થઈ જાય છે,
ને સંકોચ તથા સંસાર ટળી જાય છે. આત્મામાં એવી ત્રિકાળશક્તિ જ છે કે પ્રતિબંધ વગરનો અમર્યાદિત
ચૈતન્યવિલાસ પ્રગટે, આ શક્તિનું નામ ‘અસંકુચિત–વિકાસત્વ શક્તિ’ છે.
(ચાલુ)