Atmadharma magazine - Ank 112
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
: મહા : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૨ : ૬૭ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૧૪)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીના
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૧૧ થી ચાલુ)
* * * * *
* ‘પ્રભો! આત્મા કોણ છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે’ –એમ
જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે.
* તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે ‘આત્મા અનંત
ધર્મોવાળું એક દ્રવ્ય છે અને અનંત નયાત્મક શ્રુતજ્ઞાનપ્રમાણપૂર્વક
સ્વાનુભવ વડે તે જણાય છે.
* તે આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે, તેમાંથી ૨૫ નયો
ઉપરનાં પ્રવચનો અત્યાર સુધીમાં આવી ગયા છે, ત્યારપછી આગળ
અહીં આપવામાં આવે છે.
* * * * *
(૨૬) નિયતિનયે આત્માનું વર્ણન
અનંતધર્મવાળો ચૈતન્યમૂર્તિ આત્મા પ્રમાણજ્ઞાનથી જણાય છે, તેનું ૨૫ નયોથી અનેક પ્રકારે વર્ણન
કર્યું; હવે નિયતિ, સ્વભાવ, કાળ, પુરુષાર્થ અને દૈવ–એ પાંચ બોલ વર્ણવે છે, તેમાં પ્રથમ નિયતિનયથી
આત્મા કેવો છે તે કહે છે.
આત્મદ્રવ્ય નિયતિનયે નિયતસ્વભાવે ભાસે છે; જેમ ઉષ્ણતા તે અગ્નિનો નિયતસ્વભાવ છે તેમ
નિયતિનયે આત્મા પણ પોતાના નિયતસ્વભાવવાળો ભાસે છે. આત્માના ત્રિકાળ એકરૂપ સ્વભાવને અહીં
નિયતસ્વભાવ કહ્યો છે, તે સ્વભાવને જોનાર નિયતનયથી જ્યારે જુઓ ત્યારે આત્મા પોતાના
ચૈતન્યસ્વભાવપણે એકરૂપ ભાસે છે. પર્યાયમાં ક્યારેક તીવ્ર રાગ, ક્યારેક મંદ રાગ અને ક્યારેક
રાગરહિતપણું; વળી ક્યારેક રાગ પલટીને દ્વેષ, ક્યારેક મતિજ્ઞાન ને ક્યારેક કેવળજ્ઞાન, એક ક્ષણે મનુષ્ય
ને બીજી ક્ષણે દેવ–એ પ્રમાણે અનેક પ્રકારો થાય છે તેને આત્માના અનિયતસ્વભાવ તરીકે હવે પછીના
બોલમાં વર્ણવશે. અહીં આત્માના નિયતસ્વભાવની વાત છે. જેવો શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદસ્વભાવ છે તેવા જ
નિયતસ્વભાવે આત્મા સદાય ભાસે છે, પર્યાય ઓછી હો કે વધારે હો, વિકારી હો કે નિર્મળ હો, –પણ
નિયતસ્વભાવથી તો આત્મા સદા એકરૂપ છે. આવા નિયત–સ્વભાવને જે જુએ તેને એકલી પર્યાયબુદ્ધિ
રહે નહિ પણ દ્રવ્યસ્વભાવનું અવલંબન હોય. પર્યાયબુદ્ધિવાળો જીવ આત્માને એકરૂપ નિયતસ્વભાવે દેખી
શકતો નથી ને તેને નિયતનય હોતો નથી.
અહીં દ્રવ્યના ત્રિકાળી સ્વભાવને જ નિયત કહેલ છે; જેમ ઉષ્ણતા તે અગ્નિનો નિયતસ્વભાવ છે,
અગ્નિ સદાય