Atmadharma magazine - Ank 112
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૬૬ : આત્મધર્મ–૧૧૨ : મહા : ૨૦૦૯ :
* તીર્થંકરોના પંથે *
અનંતા તીર્થંકરો જે પંથે વિચર્યા તેનો હું કેડાયત થાઉં છું; અમારા પુરુષાર્થમાં વચ્ચે ભંગ પડે નહિ, અમે
અપ્રતિહત પુરુષાર્થવાળા છીએ. –ભગવાન શાંતિનાથ પ્રભુ કહે છે કે અમે હવે અમારા આત્મસ્વભાવમાં વળીએ
છીએ....અંતરની ચૈતન્યગુફામાં ઊંડા ઊતરીને નિર્વિકલ્પસ્વભાવના ગાણાં ગાવા અને તે પ્રગટ કરવા અમે
તૈયાર થયા છીએ હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યા છે. અંતરના આનંદકંદસ્વભાવની શ્રદ્ધાસહિત તેમાં
રમણતા કરવા જાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી....અમારો જાગેલો ભાવ તેને અમે પાછો પડવા દેશું
નહિ....અખંડ આનંદસ્વભાવની ભાવના સિવાય પુણ્ય–પાપની ભાવનાનો ભાવ હવે અમને કદી આવવાનો નથી.
અનાદિ પ્રવાહમાં અમારા જેવા અનંત તીર્થંકરો થયા, તેમના કુળની જાતનો હું છું. ક્ષત્રિય વગેરે કુળ છે
તે ખરેખર આત્માનું કુળ નથી. તીર્થંકરો આત્માના ચૈતન્ય–કુળમાં અવતર્યા તે જ તેમનું સાચું કુળ છે. અહો, એક
ચિદાનંદી ભગવાન સિવાય બીજો કોઈ ભાવને મનમંદિરમાં આણું નહિ, એક ચૈતન્યદેવને જ ધ્યેયરૂપ બનાવીને
તેના ધ્યાનની લીનતાથી આનંદકંદ સ્વભાવની રમણતામાં હું ક્યારે પૂર્ણ થાઉં! વચ્ચે ભંગ પડ્યા વિના એકલા
ચૈતન્યસ્વભાવનો જ આશ્રય કરીને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે અમારા–તીર્થંકરોના કુળની ટેક છે. તીર્થંકરો તે જ
ભવે કેવળજ્ઞાન લીધે છૂટકો કરે. અનંતા તીર્થંકરો આત્માનું વીતરાગી ચારિત્ર પૂરું કરીને તે ભવે કેવળજ્ઞાન અને
મુક્તિ પામ્યા. જે પંથે અનંત તીર્થંકરો વિચર્યા તે જ પંથના ચાલનારા અમે છીએ, હું ચિદાનંદ નિત્ય છું ને સંસાર
બધો અનિત્ય છે, મારો આનંદકંદ ધુ્રવસ્વભાવ એ જ મને શરણ છે, જગતમાં બીજું કંઈ મને શરણ નથી.
–આવા પ્રકારની વૈરાગ્યભાવના ભાવીને ભગવાને દીક્ષા લીધી.
* ધન્ય એ અવસર...ધન્ય એ ભાવના... *
અહો! સાક્ષાત્ તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા લેતા હશે તે કાળ કેવો હશે! અને તે પ્રસંગ કેવો હશે!
ભગવાનની દીક્ષા વખતે ચારે કોર વૈરાગ્યની છાયા છવાઈ જાય છે, અને અનેક રાજાઓ પણ ભગવાનની સાથે
દીક્ષિત થઈ જાય છે. અહા! ધન્ય એ અવસર! જીવને આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવના પણ
અનંતકાળમાં દુર્લભ છે. તેથી નિયમસારમાં કહ્યું છે કે–
મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. : ૯૦ :
–માટે એ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવના ભાવવા જેવી છે.
* સંસારની સ્થિતિ અને ધર્માત્માની નિઃશંકતા *
આ સંસારમાં અજ્ઞાનીપણે રખડતાં પૂર્વ ભવની માતાને સ્ત્રી તરીકે તેં અનંતવાર ભોગવી,
–અરે જીવ! સ્વર્ગ–નરકનાં ને કીડા–કૂતરાનાં અનંત ભવો તે કર્યાં; સંસારમાં રખડતાં એક ભવમાં જે તારી માતા
હતી તે જ બીજા ભવમાં તારી સ્ત્રી થઈ, એક ભવમાં જે તારી સ્ત્રી હતી તે જ બીજા ભવે તારી જનેતા થઈ, એક
ભવે જે તારો બંધુ હતો તે જ બીજા ભવે તારો દુશ્મન થયો....અહો! ધિક્કાર છે આવા સંસારને...આવો સંસાર
હવે અમારે સ્વપ્નમાં પણ જોતો નથી. આ સંસારભાવને ધિક્કાર છે કે જેમાં, જેને પેટે સવાનવ મહિના રહીને
માતા તરીકે સ્વીકારી હોય તેને જ બીજા ભવમાં સ્ત્રી તરીકે ભોગવવાનું થાય....અરે! આ સંસાર! અનંતકાળ
સુધી આત્માના ભાન વગર આવા સંસારમાં રખડયા....હવે અમે આ સંસારમાં ફરીથી અવતરવાના નથી. અમે
આત્મભાન સહિત તો અવતર્યા જ છીએ ને હવે આ ભવે કેવળજ્ઞાન પ્રગટ કરીને મુક્ત થવાના છીએ....હવે
ફરીથી આ સંસારમાં નવો દેહ ધારણ કરવાના નથી....
જુઓ તો ખરા, આ ધર્માત્માની નિઃશંકતા! ભગવાન શાંતિનાથ પ્રભુ કહે છે કે આ સંસારના રાગને
છોડીને આજે અમે અમારા ચારિત્રધર્મને અંગીકાર કરશું...ને આ જ ભવે પૂર્ણ પરમાત્મા થઈશું....હવે અમે બીજો
ભવ કરવાના નથી. જીવને અનંત સંસારમાં રખડતાં કદી નહિ પામેલ એવી એક મુક્તદશા જ છે, તેને હવે અમે
પ્રાપ્ત કરીશું.
જુઓ, અંતરમાં ચૈતન્યસ્વભાવ તરફના જોરપૂર્વકની આ ભાવના છે. સમ્યગ્દ્રષ્ટિ સિવાય બીજાને તો
તીર્થંકર ભગવાને કેવી ભાવના ભાવી હતી તે ભાવનાનું સ્વરૂપ સમજવું પણ મુશ્કેલ છે, તેને સાચી ભાવના
ક્યાંથી
હોય? ચૈતન્ય–
(અનુસંધાન પૃષ્ઠ ૭૫ ઉપર)