Atmadharma magazine - Ank 112
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: મહા : ૨૦૦૯ : આત્મધર્મ–૧૧૨ : ૬૫ :
થઈ ગઈ હોય–આવી સ્થિતિ વગર છઠ્ઠા ગુણસ્થાનનું મુનિપણું જૈનશાસનને વિષે કદી હોતું નથી.
* ધન્ય એનો અવતાર... *
મુનિ થયા પહેલાંં સંસારમાં રહ્યા પણ શાંતિનાથ ભગવાન સમ્યગ્દર્શન અને મતિ શ્રુત–અવધિ એ ત્રણ
જ્ઞાન સહિત હતા; અરીસામાં બે પ્રતિબિંબ જોતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું ને પૂર્વભવોનું સ્મરણ થતાં
વૈરાગ્ય જાગૃત થયો. વૈરાગ્ય થતાં દીક્ષા માટે તેઓ એવી ભાવના ચિંતવવા લાગ્યા કે અહો! આ પહેલાંંના
ભવમાં હું સર્વાર્થસિદ્ધિમાં અહમિંદ્રદેવ હતો અને તેની પહેલાંંના ભવમાં હું મુનિ હતો; તે વખતે મારી
અનુભવદશા અધૂરી રહી ગઈ ને રાગ બાકી રહ્યો તેથી આ અવતાર થયો. હવે તે રાગ છેદીને આ જ ભવે હું
મારી મુક્તદશા પ્રગટ કરવાનો છું. સંસારના ભોગ ખાતર મારો અવતાર નથી પણ આત્માના મોક્ષ ખાતર મારો
અવતાર છે....હું ભગવાન થવા અવતર્યો છું....આ સંસાર શરીર ને ભોગોથી વિરક્ત થઈ અસંસારી અશરીરી
અને અભોગી એવા અતીન્દ્રિય આત્મસ્વભાવમાં લીન થઈને, વન–જંગલમાં ચૈતન્યના આનંદની મસ્તીમાં
ઝૂલવા મારો અવતાર છે. –આ પ્રમાણે ભગવાન સંસારથી વિરક્ત થઈ આત્માના આનંદના વળાંકમાં વળ્‌યા.
‘અહો! ધન્ય એનો અવતાર....! ’
* મુનિદશાનું સ્વરૂપ *
બધાય તીર્થંકર ભગવંતો, વૈરાગ્ય થતાં અંર્ત–બાહ્ય નિર્ગં્રથદશારૂપ મુનિપણું ધારણ કરે છે. જૈનશાસનમાં
એટલે કે વસ્તુના સનાતન સ્વભાવમાં દિગંબર જિનમુદ્રા વગર મુનિપણું હોતું નથી. મુનિને શરીર ઉપર કાંઈ
પણ વસ્ત્ર ન હોય, આહાર માટે પાત્ર ન હોય, પાણી પીવા માટે કમંડળ હોય નહિ, ફક્ત દેહની અશુચિ સાફ
કરવા માટે કમંડળ હોય છે; પરંતુ, તીર્થંકર ભગવાનનો દેહ તો જન્મ્યા ત્યારથી સ્વભાવથી જ અશુચિ વગરનો
હોય છે તેથી તેમને તો કમંડળ પણ નથી હોતું. મુનિદશામાં આત્માની પરિણતિ જ એટલી બધી વીતરાગી થઈ
ગઈ હોય છે કે શરીરના રક્ષણ ખાતર વસ્ત્રાદિ બાહ્ય પદાર્થોના ગ્રહણની વૃત્તિ જ નથી ઊઠતી. આટલી હદની
વીતરાગી પરિણતિ વગર છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતી મુનિદશા હોતી નથી.
* ધન્ય એ મુનિદશા *
અહો, ધન્ય એ મુનિદશા! મુનિઓ કહે છે કે અમે તો ચિદાનંદસ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ
સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. મુનિદશામાં નિર્મમત્વપણે એકમાત્ર શરીર હોય છે કેમકે શરીર હઠપૂર્વક
છોડ્યું જતું નથી; દિવસમાં એક જ વખત નિર્દોષ આહારની વૃત્તિ ઊઠે છે. ખરેખર તો સંસાર ત્યાગ કરતી વખતે
મુનિએ જે નિશ્ચય પ્રત્યાખ્યાનની પ્રતિજ્ઞા કરી તેમાં નિર્દોષ આહારની વૃત્તિનું પણ પ્રત્યાખ્યાન કર્યું હતું;
પંચમહાવ્રતની શુભવૃત્તિ પણ ન કરવી ને ચૈતન્યના અનુભવમાં લીન થવું–એવી જ ભાવના હતી. પણ પાછળથી
આહારાદિની શુભવૃત્તિ ઉઠતાં મુનિ વિચારે છે કે : અરે, મારા નિશ્ચયપ્રત્યાખ્યાનમાં ભંગ પડ્યો! અપ્રમત્તપણે
આત્મઅનુભવમાં ઠરવાની પ્રતિજ્ઞા હતી ને વિકલ્પનું પ્રત્યાખ્યાન કર્યું હતું, –એ રીતે પૂર્ણદશાની જ ભાવના હતી,
પણ અપ્રમત્તપણે આત્મામાં સ્થિર ન રહેવાયું ને આહારની વૃત્તિ ઉઠી તેટલે અંશે મારા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં
ભંગ પડ્યો છે; –માટે હું તેનું પ્રતિક્રમણ કરીને નિશ્ચય પ્રત્યાખ્યાનની સંધિ જોડી દઉં છું. જુઓ, આ દિગંબર
સંતોની ઉગ્ર વાણી! આ સંતોની વાણીમાં વીતરાગતા ભરી છે. શ્રી જયધવલાકાર કહે છે કે સંતો તો સ્વરૂપમાં
ઠરવાના જ કામી હતા–તેમને નિશ્ચય પ્રત્યાખ્યાનની જ પ્રતિજ્ઞા હતી, છતાં સ્વરૂપમાં પૂર્ણપણે ન ઠરાયું તેથી આ
આહારાદિની વૃત્તિ ઊઠી; તેને સંતો દોષ તરીકે સમજે છે. પંચ મહાવ્રતના શુભ વિકલ્પો પણ પુણ્યાસ્રવ છે, તે
કરવાની મુનિની ભાવના નથી; છતાં તે વૃત્તિ ઊઠે છે તો તેને નિશ્ચયપ્રત્યાખ્યાનમાં દોષરૂપ જાણીને છોડે છે,
–તેનું પ્રતિક્રમણ કરીને પાછા નિર્વિકલ્પપણે સ્વરૂપમાં ઠરે છે. –આવી સંત–મુનિઓની દશા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યસ્વરૂપમાં ન ઠર્યા હોય ત્યારે પણ તેમને સર્વ ભાવોથી ઉદાસીનતા તો હોય જ
છે; પછી ચૈતન્યમાં ઠરવાનાં ટાણાં આવતાં બાહ્ય–અભ્યંતર સર્વ પરિગ્રહ છૂટી જાય છે, દેહનો સંયોગ રહે છે પણ
તેના પ્રત્યેની મૂર્છા છૂટી જાય છે અને દેહની દશા સહજ દિગંબર હોય છે. ચૌદ બ્રહ્માંડના મુનિઓની દશા સદા
આવી જ હોય છે, વસ્ત્ર કે પાત્રના પરિગ્રહની વૃત્તિ તેમને કદી હોતી નથી; છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની ભૂમિકાનો
આવો સ્વભાવ છે. આ જ અનંત તીર્થંકર–સંતોએ પોતે પાળેલો અને કહેલો મુક્તિનો રાજમાર્ગ છે. આવા
મુક્તિના રાજમાર્ગે ચાલવા શાંતિનાથ ભગવાન આજે તૈયાર થયા છે.