: ૯૪ : આત્મધર્મ ૨૪૭૯: ફાગણ:
તથા તું જગતની સત્ વસ્તુ છો, તો સત્ને વળી બીજું કારણ કોણ હોય? માટે દ્રવ્યનું કોઈ કારણ છે જ નહિ.
વળી કોઈ એમ પૂછે કે : દ્રવ્યનું કારણ ભલે કોઈ ન હોય, પણ ‘હું ચેતન છું ને જડ નથી’ તેનું શું
કારણ? કોઈ દ્રવ્યો ચેતન અને કોઈ દ્રવ્યો જડ–તેનું કારણ શું? ઉત્તર:–જે ચેતન છે તે પોતાના સ્વભાવથી જ
ચેતન છે અને જે જડ છે તે પોતાના સ્વભાવથી જ જડ છે, તે સ્વભાવમાં કોઈ કારણ છે જ નહિ. એટલે આ
ચેતન કેમ અને આ જડ કેમ–એવો પ્રશ્ન જ રહેતો નથી.
એ જ પ્રમાણે પર્યાયમાં પણ કોઈ એમ પૂછે કે ‘આ સમયે આવી જ પર્યાય કેમ થઈ? ને બીજી કેમ ન
થઈ?’ તો તેનો ઉત્તર એ છે કે–તે દ્રવ્યનો પર્યાયસ્વભાવ જ તેવો છે. જે દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાનો
સ્વભાવ હોય તે જ હોય, બીજી પર્યાય ન જ હોય –એવો તેનો સ્વભાવ છે, તેમાં કોઈ બીજું કારણ નથી.
આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેયમાં અકાર્યકારણસ્વભાવ રહેલો છે. ‘આમ કેમ?’–એમ કારણ શોધવાનું
રહેતું નથી. દ્રવ્ય–ગુણ–પર્યાય જેમ સત્ છે તેમ જાણી લેવું–એવો જ આત્માનો સ્વભાવ છે; જાણવામાં વચ્ચે
‘આમ કેમ?’ એવો પ્રશ્ન ઉઠાડવાનો જ્ઞાનનો સ્વભાવ નથી.
પ્રશ્ન:– વસ્તુમાં અકાર્યકારણશક્તિ છે તેથી ત્રિકાળી દ્રવ્યને કે ગુણને તો પરનું કાર્ય–કારણપણું નથી–એ વાત
ખરી, પરંતુ પર્યાય તો નવી પ્રગટે છે માટે તેનું કારણ તો પર છે ને? પર્યાયમાં તો પરનું કાર્ય–કારણપણું છે ને?
ઉત્તર:– જે અકાર્યકારણસ્વભાવ છે તે દ્રવ્ય–ગુણ અને પર્યાય ત્રણેમાં રહેલો છે, તેથી જેમ દ્રવ્ય–ગુણનું
કારણ કોઈ બીજું નથી તેમ પર્યાયનું કારણ પણ કોઈ બીજું નથી. અરે ભાઈ! શું ત્રિકાળી દ્રવ્ય કદી પણ
વર્તમાન પર્યાય વગરનું હોય? દ્રવ્ય પોતાની કોઈ ને કોઈ પર્યાય સહિત જ હોય, પર્યાય વગરનું દ્રવ્ય કદી ન
હોય. જો પર્યાયનું કારણ પર કહો તો તેનો અર્થ એ થયો કે દ્રવ્ય પોતે પર્યાય વગરનું છે એટલે કે દ્રવ્ય જ નથી.
ભેદ પાડીને કહેવું હોય તો દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય–એમ કહી શકાય, કેમ કે પર્યાય તે દ્રવ્યની જ છે. પરંતુ
અહીં તો એ ભેદની વાત પણ નથી લેવી, અહીં તો દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને અકારણ સિદ્ધ કરવા છે. તો પછી
પર્યાયનું કારણ પરવસ્તુ છે એ વાત તો રહી જ ક્યાં? જેણે અકાર્યકારણરૂપ દ્રવ્યસ્વભાવને સ્વીકાર્યો તેની
પર્યાય પણ અંતર્મુખ થઈને દ્રવ્યમાં અભેદ થયેલી છે તેથી તે પર્યાય પણ પરનું કાર્યકારણ નથી. જો પરનું કાર્ય–
કારણપણું માને તો તે પર્યાય પરસન્મુખ છે, તેણે અંતરના દ્રવ્યને સ્વીકાર્યું નથી, જેણે અંતરના દ્રવ્યને સ્વીકાર્યું
તેની દ્રષ્ટિ ભિન્ન કારણ–કાર્ય ઉપર હોતી નથી.
એકેક શક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય છે. આ એક અકાર્યકારણ શક્તિને બરાબર સમજે તો આત્માની
સ્વંતત્રતા સમજાઈ જાય; પછી ગમે તેવા સંયોગમાં પણ પરને કારણે મને કાંઈ થાય છે–એમ માને નહિ તેમ જ
હું પરનું કાંઈ કરી દઉં છું–એમ પણ માને નહિ; એટલે તેની પ્રતીતમાં ક્યાંય પણ રાગ–દ્વેષ કરવાનું ન રહ્યું.
આવી વીતરાગી શ્રદ્ધા થયા પછી અલ્પ રાગ–દ્વેષ થાય ત્યાં ધર્મી જાણે છે કે આ રાગ–દ્વેષ કોઈ પર કરાવતું નથી
તેમ જ એ રાગ–દ્વેષ દ્વારા હું પરનાં કાંઈ કામ કરી શકતો નથી, મારા નિર્મળ દ્રવ્યસ્વભાવમાં આ રાગ–દ્વેષ છે
નહિ એટલે મારું દ્રવ્ય પણ રાગનું કારણ નથી, માત્ર અવસ્થાની તે પ્રકારની ભૂમિકા છે પણ તેટલું જ મારું
સ્વરૂપ નથી. આ પ્રમાણે ધર્મી જીવને સર્વ સમાધાન અને વિવેક વર્તે છે.
આત્માનો અકાર્યકારણસ્વભાવ હોવાથી આત્માને ત્રણે કાળે પરવસ્તુના કારણ વગર જ ચાલી રહ્યું છે;
આત્માને પોતાના કાર્યને માટે પરવસ્તુની જરૂર પડે–એવું તેનું સ્વરૂપ નથી. છતાં, મારે પર વસ્તુ વિના ન ચાલે–
એમ અજ્ઞાની માની બેઠો છે તે તેનો મિથ્યા અભિપ્રાય છે. આ મિથ્યા અભિપ્રાય જ સંસારનું મૂળ કારણ છે.
જ્યાં મિથ્યા અભિપ્રાય હોય ત્યાં તીવ્ર રાગ–દ્વેષ થયા વિના રહે જ નહીં.
હું એક સ્વતઃસિદ્ધ વસ્તુ છું, મારું કોઈ કારણ નથી અને હું કોઈનું કારણ નથી. જો મારે પર સાથે
કારણકાર્યપણું હોય તો સ્વ–પરની એકતા થઈ જાય, એટલે હું પરથી ભિન્ન એક સ્વદ્રવ્યપણે જ ન રહું પરંતુ
પરદ્રવ્યપણે પણ થઈ જાઉં! પરંતુ હું તો એક સ્વદ્રવ્યસ્વરૂપ જ છું, કોઈપણ પરદ્રવ્યની સાથે મારે કારણ–કાર્યપણું
નથી.–આ પ્રમાણે યથાર્થ સમજણ કરવી તે સંસારના નાશનું કારણ છે,
–આ પ્રમાણે અકાર્યકારણત્વશક્તિનું વર્ણન
પૂર્ણ થયું. [૧૪]