Atmadharma magazine - Ank 113
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: ફાગણ: ૨૪૭૯ આત્મધર્મ : ૯૫ :
‘આત્મા કોણ છે
ને કઈ રીતે પમાય?’
[૧૫]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં
વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૧૨ થી ચાલુ)
• જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે : ‘પ્રભો! આત્મા કોણ છે ને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?’
• શ્રી આચાર્યદેવ ઉત્તર આપે છે કે : આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને
અનંત નયાત્મક શ્રુતજ્ઞાનપ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.
• તે આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન કર્યું છે, તેમાંથી ૨૬ નયો ઉપરનાં પ્રવચનો
અત્યારસુધીમાં આવી ગયા છે, ત્યારપછી આગળ અહીં આપવામાં આવે છે.
[૨૭] અનિયતિનયે આત્માનું વર્ણન
નિયતિનયથી આત્માના એકરૂપ દ્રવ્યસ્વભાવનું વર્ણન કર્યું હવે અનિયતિનયથી પર્યાયની વાત કરે છે.
આત્મદ્રવ્ય અનિયતિનયે અનિયતસ્વભાવે ભાસે છે, જેમ પાણીમાં ઉષ્ણતા નિયમિત નથી પણ અગ્નિના નિમિત્તે
ક્યારેક તેમાં ઉષ્ણતા થાય છે તેમ અનિયતનયથી આત્મા રાગાદિ અનિયતસ્વભાવપણે જણાય છે.
પાણીનો કાયમી સ્વભાવ ઠંડો છે તે નિયત છે, ને ઉષ્ણતા તેના ઠંડા સ્વભાવથી વિપરીત દશા છે, તે
ઉષ્ણતા પાણીમાં કાયમ રહેનાર નથી તેથી અનિયત છે; તેમ આત્માની અવસ્થામાં રાગાદિ વિકારી ભાવો થાય
છે તે કાયમી રહેનાર નથી પણ ક્ષણિક છે માટે તે અનિયત છે. આવું અનિયતપણું તે પણ આત્માનો એક ધર્મ
છે. પરંતુ ‘થવાનું ન હતું ને થયું’–એવો અહીં અનિયતનો અર્થ નથી. રાગાદિને અનિયત કહ્યા તેથી કાંઈ
પર્યાયનો ક્રમ તૂટી જાય છે–એમ નથી, જે રાગાદિ થયા તે કાંઈ પર્યાયનો ક્રમ તૂટીને થયા નથી. પર્યાયના ક્રમની
અપેક્ષાએ તો રાગાદિ પણ નિયતક્રમમાં જ છે, પરંતુ રાગાદિ અશુદ્ધભાવ છે તે આત્માનો કાયમી સ્વભાવ નથી
માટે તેને અનિયત સ્વભાવ કહ્યો છે. અનિયતનયથી જુઓ તો તેમાં પણ કાંઈ ક્રમબદ્ધ પર્યાયનો ફેરફાર થવાનું
નથી આવતું, પર્યાયનો ક્રમ તો નિયત જ છે.
ગોમટ્ટસારમાં નિયતવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે તે તો જુદી વાત છે ને અહીં જુદી વાત છે. ગોમટ્ટસારમાં
જે નિયતવાદીને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે તે તો નિયતના નામે માત્ર સ્વચ્છંદ સેવે છે, પણ નિયત સાથે પોતાનો
જ્ઞાતાસ્વભાવ છે તેને તે જાણતો નથી, સર્વજ્ઞને માનતો નથી, પરસન્મુખ જ રુચિ રાખે છે પણ જ્ઞાનસ્વભાવની
રુચિ કરતો નથી, સ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનના પુરુષાર્થને તે સ્વીકારતો નથી, પોતાની નિર્મળ પર્યાયરૂપ
સ્વકાળને તે જાણતો નથી, તેમ જ નિમિત્તમાં કેટલા કર્મોનો અભાવ થયો તેને પણ તે સમજતો નથી.–એ પ્રમાણે
કોઈ જાતના મેળ વગર માત્ર નિયતની વાતો કરીને સ્વચ્છંદી થાય છે; નિયતની સાથેના બીજા સમવાયોને તે
માનતો નથી ને શ્રદ્ધાજ્ઞાનનો સમ્યક્પુરુષાર્થ પ્રગટ કરતો નથી તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિ તો
નિયતના નિર્ણયની સાથેસાથે સર્વજ્ઞનો પણ નિર્ણય કરે છે અને ‘હું જ્ઞાતાસ્વભાવ છું’ એમ પણ સ્વસન્મુખ
થઈને પ્રતીતિ કરે છે એટલે નિયતના નિર્ણયમાં તેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો પુરુષાર્થ પણ ભેગો જ છે, તે વખતે
નિર્મળપર્યાયરૂપ સ્વકાળ છે તથા નિમિત્તમાં