Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
જેઠઃ ૨૪૭૯ઃ ૧૬૩ઃ
સાધકના આંગણે મોક્ષના માંડવા
અને
સિદ્ધોની સ્થાપના
*
અપૂર્વ સમ્યગ્દર્શન થવાની રીત
સિદ્ધદશાને સાધવા નીકળેલા સાધક જીવ
પોતાના મોક્ષના માંડવે ભગવાનને
ઉતારતાં કહે છે કેઃ હે સિદ્ધ ભગવાન!
મારા આત્મામાં બિરાજો...હું મારા
આત્મામાં સિદ્ધપણું સ્થાપુ
છું....દ્રવ્યદ્રષ્ટિથી જેણે પોતાના આત્માને
સિદ્ધસમાન પ્રતીતિમાં લીધો તેણે જ
આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું....તેના
આંગણે મોક્ષના માંડવા નંખાયા....હવે
અલ્પકાળમાં તેને સિદ્ધદશા થયા વિના
રહેશે નહીં.
અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ–
અચિંત્ય–મહિમાવંત ચીજ છે; સમ્યગ્દર્શન થતાં
જ આખું પરિણમન ફરી જાય છે. જેને
સમ્યગ્દર્શન થયું તેના ચૈતન્ય–આંગણે
મુક્તિના માંડવા નંખાયા, તેના આત્મામાં
સિદ્ધભગવાનના સંદેશ આવી ગયા.....એને
અનંત ભવમાં રખડવાની શંકા ટળી ગઈ અને
અલ્પકાળમાં મુક્તિ થવાનો નિઃસંદેહ વિશ્વાસ
પ્રગટ થયો.–આવું અપૂર્વ–પરમ–અચિંત્ય
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શું ઉપાય છે તે
આ લેખમાં વાંચો.
[માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન
ચૈત્ર સુદ એકમના દિવસે બપોરના પ્રવચનમાંથીઃ (૧) ]
ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપીને જ આચાર્યદેવે
સમયસારની શરૂઆત કરી છે. જેમ દીકરાના લગ્ન વખતે જાનમાં સાથે મોટા શ્રીમંતોને રાખે છે કે જેથી કન્યાને
પરણ્યા વગર પાછા ન આવે. તેમ અહીં સાધક જીવ પોતાના મોક્ષના માંડવે ભગવાનને ઉતારે છે. સિદ્ધદશાને
સાધવા નીકળેલા સાધક કહે છે કે હે સિદ્ધ ભગવાન! મારા આત્મામાં બિરાજો; હું મારા આત્મામાં સિદ્ધપણું
સ્થાપું છું; આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું હવે મારી સિદ્ધદશા પાછી ન ફરે, અલ્પકાળમાં સિદ્ધદશા પ્રગટયે જ છૂટકો.
જેણે પોતાના આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપ્યા તે જીવ વ્યવહારના આશ્રયથી લાભ ન માને પણ સિદ્ધ જેવા
પોતાના ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરીને મોક્ષના
મહોત્સવ ઊજવવાની આ વાત છે. ખરેખર દ્રવ્યદ્રષ્ટિ વગર આત્મામાં સિદ્ધપણાની સ્થાપના થતી નથી;
પર્યાયદ્રષ્ટિથી જુઓ તો તો આત્મામાં વિકાર છે; તે વિકારની દ્રષ્ટિ છોડીને, દ્રવ્ય–દ્રષ્ટિથી જેણે પોતાના આત્માને
સિદ્ધ સમાન પ્રતીતમાં લીધો તેણે જ આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું...તેના આંગણે મોક્ષના માંડવા નંખાયા....હવે
અલ્પકાળમાં તેને સિદ્ધદશા થયા વિના રહેશે નહીં.