Atmadharma magazine - Ank 116
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
ઃ ૧૬૪ઃ આત્મધર્મઃ ૧૧૬
જુઓ, આ પંચકલ્યાણકનો મોટો મહોત્સવ છે ને સમ્યગ્દર્શનની અપૂર્વ વાત આવી છે. સમ્યગ્દર્શન એટલે
કે ધર્મની શરૂઆત કેમ થાય, ચોથું ગુણસ્થાન કેમ પ્રગટે? તેની આ વાત છે. આત્માના ભૂતાર્થ સ્વભાવના
આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.
આત્માનો ધર્મ શરીર–મન–વાણીમાં, મકાનમાં કે પર્વત ઉપર નથી, ધર્મ તો જીવની પોતાની પર્યાયમાં છે;
અને જીવનો અધર્મ પણ બહારમાં નથી, અધર્મ પણ પોતાની પર્યાયમાં છે. જે જીવ પોતાના ચૈતન્યસ્વભાવને
ચૂકીને પરથી ધર્મ માને છે તેને પર્યાયમાં મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ અધર્મ છે. તે અધર્મ ટાળીને ધર્મ કરવા
માંગે છે. તે ધર્મ થવાની તાકાત વસ્તુમાં છે. આત્માના સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ
થાય છે. જો વસ્તુમાં ધર્મ થવાની તાકાત ન હોય તો ક્યાંથી આવે? જેને સમ્યગ્દર્શન જોઈતું હોય–શાંતિ જોઈતી
હોય–આનંદ જોઈતો હોય–ધર્મ જોઈતો હોય તેને ક્યાં જોવું? સુખ અને શાંતિનું ધામ ક્યાં છે? શરીર વગેરે
પરમાં તો શાંતિ કે સુખ નથી, રાગમાં પણ સુખ કે શાંતિ નથી; જે સમ્યગ્દર્શન અને શાંતિ પ્રગટ કરવા માગે છે
તેને વર્તમાનપર્યાયમાં સમ્યગ્દર્શન–શાંતિ નથી, પર્યાયનો આશ્રય કરવાથી પણ સુખ કે શાંતિ થતા નથી,
આત્માના ધુ્રવ ચૈતન્યસ્વભાવમાં સુખ–શાંતિનું સામર્થ્ય છે, તે ભૂતાર્થસ્વભાવની દ્રષ્ટિથી જ પર્યાયમાં સુખ–
શાંતિ–સમ્યગ્દર્શન–ધર્મ થાય છે. ભૂતાર્થસ્વભાવના આશ્રયે જ કલ્યાણ છે તેથી ભૂતાર્થનો જ આશ્રય કરવા જેવો
છે; વ્યવહાર તો અભૂતાર્થ છે માટે તે આશ્રય કરવા જેવો નથી, તેના આશ્રયે કલ્યાણ થતું નથી. અભેદ વસ્તુનું
પ્રતિપાદન કરતાં વચ્ચે ભેદ આવે છે ખરો, પણ તે ભેદરૂપ વ્યવહાર આશ્રય કરવા જેવો નથી. પોતામાં
અભેદસ્વભાવનું અવલંબન લેવા જતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવે છે પણ તે આશ્રય કરવા જેવો નથી; ભેદના કે
વિકલ્પના અવલંબનમાં રોકાય તો સમ્યગ્દર્શન થતું નથી, અભેદરૂપ ભૂતાર્થસ્વભાવની સન્મુખ થવાથી જ
સમ્યગ્દર્શન થાય છે.
અનાદિથી મિથ્યાદ્રષ્ટિ જીવો વ્યવહારના આશ્રયે ધર્મ માને છે, તેઓને આચાર્યદેવ સમજાવે છે કે અરે
મૂઢ! વ્યવહારના આશ્રયે લાભ નથી, તારો એકરૂપ ચૈતન્યસ્વભાવ ભૂતાર્થ છે તેની દ્રષ્ટિથી જ સમ્યગ્દર્શન થાય
છે, માટે ભૂતાર્થ સ્વભાવ જ આશ્રય કરવા જેવો છે–એમ તું સમજ. વ્યવહારના અવલંબને આત્માનું પરમાર્થ
સ્વરૂપ જણાતું નથી, શુદ્ધનયના અવલંબનથી આત્માના પરમાર્થસ્વરૂપને જાણવું તે સમ્યગ્દર્શન છે.
શુદ્ધનય કતકફળના સ્થાને છે તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ પાણી અને કાદવ મળેલાં હોય ત્યાં
મૂર્ખ લોકો તો કાદવ અને પાણીના વિવેક વગર તે પાણીને ગંદુ જ માનીને મેલા પાણીનો જ અનુભવ કરે છે;
અને પાણીના સ્વચ્છ સ્વભાવને જાણનારા કેટલાક વિવેકી જનો તો પોતાના હાથથી પાણીમાં કતકફળ
નાંખીને પાણી અને કાદવના વિવેક દ્વારા નિર્મળ જળનો અનુભવ કરે છે.–આ રીતે પાણીનું દ્રષ્ટાંત છે. તેમ
આત્માની પર્યાયમાં પ્રબળ કર્મના સંયોગથી મલિનતા થઈ છે; ત્યાં જેને આત્માના શુદ્ધસ્વભાવ અને વિકાર
વચ્ચેનું ભેદજ્ઞાન નથી એવા અજ્ઞાની જીવો તો આત્માને મલિનપણે જ અનુભવે છે. તેને અહીં આચાર્યદેવ
સમજાવે છે કે હે જીવ! આ મલિનતા દેખાય છે તે તો ક્ષણિક અભૂતાર્થ છે, તે તારો કાયમી સ્વભાવ નથી,
તારો અસલી–ભૂતાર્થ સ્વભાવ તો શુદ્ધ ચૈતન્યરૂપ છે, તેને તું શુદ્ધનય વડે દેખ; શુદ્ધનય વડે તારા આત્માને
કર્મથી અને વિકારથી જુદો જાણ. સંયોગી દ્રષ્ટિથી ન જોતાં શુદ્ધનયનું અવલંબન લઈને આત્માના ભૂતાર્થ
સ્વભાવની પવિત્રતાનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
‘भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो’
એટલે કે ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે–એમ કહીને આચાર્યદેવે સમ્યગ્દર્શનનો
મહાન સિદ્ધાંત બતાવ્યો છે.
આત્માના પરમાર્થ શુદ્ધસ્વભાવ ઉપર તો અજ્ઞાનીની દ્રષ્ટિ નથી, એટલે કર્મના સંયોગની અને
અશુદ્ધતાની જ દ્રષ્ટિ કરવાથી તેની દ્રષ્ટિમાં પોતાનો જ્ઞાયક એકાકાર સ્વભાવ તિરોભૂત થયો છે–ઢંકાઈ ગયો છે;
કર્મોએ નથી ઢાંક્યો પણ પોતાની ઊંધી દ્રષ્ટિથી તે ઢંકાઈ ગયો છે. અજ્ઞાની જીવ અંતરમાં પોતાના
જ્ઞાયકસ્વભાવને તો દેખતો નથી ને કર્મને જ દેખે છે, તેને ‘પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત’ કહ્યો છે. કર્મના કારણે
વિકાર થયો એમ જે માને છે અથવા તો આત્માને એકલો વિકારી જ અનુભવે છે પણ શુદ્ધપણે અનુભવતો નથી
તે પણ પુદ્ગલકર્મમાં જ સ્થિત છે, આત્મા તરફ તેની દ્રષ્ટિ વળી નથી.
જ્ઞાનાવરણ કર્મે જ્ઞાનને રોકયું–એ નિમિત્તનું કથન છે, ખરેખર કર્મે જ્ઞાનને રોકયું નથી; પણ જ્ઞાનપર્યાય