Atmadharma magazine - Ank 120
(Year 10 - Vir Nirvana Samvat 2479, A.D. 1953).

< Previous Page  


PDF/HTML Page 25 of 25

background image
ATMADHARMA Regd No. B, 4787
“આત્મધર્મ” ના દસ વર્ષની પૂર્ણતા–પ્રસંગે....
નમ્ર નિવેદન
આજે આ અંકની સાથે આત્મધર્મના દસ વર્ષ પૂરા થાય છે. ‘આત્મધર્મ’ એટલે
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીની પાવન વાણીમાં વહેતો જૈનસિદ્ધાંતનો પુનીતપ્રવાહ. આ દસ
વર્ષમાં આત્મધર્મ દ્વારા જે વિપુલ–ઉચ્ચ સાહિત્ય અપાયું છે તે, પૂ. ગુરુદેવશ્રીની ભવ્યજીવોને
અમૂલ્યભેટ છે. પૂ. ગુરુદેવશ્રીની વાણી જ આ આત્મધર્મની જનની છે. જેઓ પૂ.
ગુરુદેવશ્રીની વાણીનું શ્રવણ–મનન કરતા હશે તેઓ જાણતા જ હશે કે ગુરુદેવના
શબ્દેશબ્દમાં આત્મિક આનંદના ઝરણાં છે.... ઉલ્લાસની પ્રેરણા છે.... આત્મકલ્યાણના
ભણકાર છે.... પરમસત્યની ઘોષણા છે. જેમ તબલાના તાલ નૃત્યકારના પગને ઉછાળે છે
તેમ ગુરુદેવની વાણીનો નાદ ભવ્યજીવોના આત્મિક ઉલ્લાસને ઉછાળનાર છે.
–પરમપૂજ્ય ગુરુદેવની આવી કલ્યાણકારી વાણી ઝીલીને આત્મધર્મમાં આપવાનું,
અને એ રીતે ગુરુદેવની પવિત્ર વાણીની સેવા કરવાનું જે સૌભાગ્ય મને મળ્‌યું તે મને
અતિશય લાભનું કારણ થયું છે. પૂ. ગુરુદેવશ્રીની વાણીમાંથી મે જે કાંઈ ઝીલ્યું છે તે
ઉલ્લાસ અને ભક્તિપૂર્વક ઝીલ્યું છે.–આમ છતાં અત્યારે સુધીના દસ વર્ષમાં મારી
બાલબુદ્ધિને લીધે જે કાંઈ ભૂલો થઈ હોય–અવિનય, કે અપરાધ થયો હોય–તે સર્વેની, પરમ
પૂજ્ય ગુરુદેવ તેમ જ શ્રુતમાતા મને બાળક જાણીને ક્ષમા કરો!
આત્મધર્મની અભિવૃદ્ધિ માટે પૂ. બેનશ્રી જી તરફથી પણ વારંવાર ચીવટપૂર્વક મને
પ્રોત્સાહન મળ્‌યું છે, તેમ જ અનેકવાર માર્ગ બતાવીને મૂંઝવણ મટાડી છે, તે માટે
તેઓશ્રીનો પણ ઉપકાર છે. તેઓશ્રી પ્રત્યે પણ જે કોઈ અપરાધ થયો હોય તેની
બાલકભાવે ક્ષમા માંગું છું.
માનનીય મુરબ્બી સંપાદક શ્રી રામજીભાઈએ પોતાના વિશાળ અભ્યાસ અને ખાસ
કાર્યશક્તિ દ્વારા આત્મધર્મનું સફળ સંપાદન કર્યું છે, મને વારંવાર ઉત્સાહિત કર્યો છે અને
દિન–રાત સતતપણે સંભાળ કરીને તેમણે ‘આત્મધર્મ’ ને ઉછેર્યું છે;–અત્યાર સુધીમાં અનેક
પ્રસંગોમાં કે કોઈવાર પણ તેમને મારાથી મનદુઃખ થયું હોય અગર બીજા કોઈપણ સાધર્મી
જિજ્ઞાસુ બંધુઓને મારાથી મનદુઃખ થયું હોય તો તે બદલ સર્વેની વિનમ્ર ભાવે ક્ષમા માગું
છું. અને આત્મધર્મના વિકાસમાં અત્યારસુધી જેમનો જેમનો જે જે પ્રકારે સહકાર મળ્‌યો છે
તે સર્વેનો આભાર માનું છું.
આ પ્રસંગે સર્વે જિજ્ઞાસુઓને હૃદયપૂર્વક એટલુ જ કહેવાનું કે: આત્મધર્મમાં જે કાંઈ
આવતું હોય તે, આ કાળે તીર્થંકર ભગવંતોના વારસાની એક અમૂલ્ય ભેટ પૂ. ગુરુદેવ
આપણને આપી રહ્યા છે–એમ સમજીને, ગુરુદેવ પ્રત્યે અતિશય ભક્તિ અને અર્પણતાપૂર્વક
તેનું સ્વાધ્યાય–મનન કરીને તેને અંતરમાં પરિણમાવવાનો પ્રયત્ન કરો.
–હરિલાલ જૈન
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભ–વિદ્યાનગર, (ગુજરાત)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી, અનેકાન્ત મુદ્રણાલય: વલ્લ્ભ–વિદ્યાનગર, (ગુજરાત)