Atmadharma magazine - Ank 121
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
સંસાર અર્થે દિવાળી ઊજવે છે. પરંતુ ખરેખર તો આજનો દિવસ આત્માના પૂર્ણાનંદસ્વભાવને પ્રગટ કરવાની
ભાવનાનો છે. આ દિવસે તો ભગવાનને યાદ કરીને વિશેષપણે ભાવના કરવી જોઈએ. અહો! જે મુક્તિપંથે ભગવાન
વિચર્યા તે પંથે હું કયારે વિચરું!! ભગવાન જેવી પૂર્ણાનંદદશાને પામ્યા તેવી દશા હું કયારે પામું? જેવો ભગવાનનો
આત્મા છે તેવો જ મારો આત્મા છે–એમ ઓળખાણ કરી સ્વભાવની ઉગ્ર ભાવના વડે વિભાવને તોડીને હું
કેવળજ્ઞાન પામું,–એમ વીર્યના ઉલ્લાસનો આજનો દિવસ છે.
ભગવાન નિર્વાણ પામ્યા તેને ‘મૃત્યુ’ ન કહેવાય પણ એ તો મુક્તિ છે. ભગવાન તો મૃત્યુને જીતીને અમર
પદને પામ્યા; તેથી ભગવાનની મુક્તિનો મહોત્સવ ઉજવાય છે.
*
અત્યારે આ ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાનનું શાસન ચાલી રહ્યું છે. મહાવીરભગવાન મોક્ષ પધાર્યા પછી
ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી એ ત્રણ પેઢી સુધી કેવળજ્ઞાન રહ્યું, અને ત્યારપછી એકાવતારી થયા.
અને હજી પાંચમા આરાના છેડા સુધી એકાવતારી જીવો થવાના છે. જેવું એકાવતારીપણું પંચમ આરાની શરૂઆતના
ચૌદપૂર્વધારી મુનિઓને હતું તેવું જ એકાવતારીપણું પંચમ–આરાના છેડાના જીવોને પણ થશે.
અરિહંત દશામાં શ્રી મહાવીર પરમાત્માએ દિવ્યધ્વનિ દ્વારા જે વસ્તુસ્વરૂપ કહ્યું ને ગણધર ભગવંતોએ
ઝીલ્યું, તે જ આચાર્ય પરંપરાથી અત્યાર સુધી ચાલ્યું આવે છે. વીતરાગી સંતોએ સર્વજ્ઞ ભગવાનની વાણીની પરંપરા
ટકાવી રાખી છે ને મોક્ષમાર્ગને વહેતો રાખ્યો છે. અહો! પંચમઆરાના છેડે પણ આત્મભાન કરીને એકાવતારીપણું
પ્રગટ કરનારા જીવો થશે, તો અત્યારે તો જરૂર આત્મભાન કરી શકાય છે. આત્માનું ભાન થતાં અંદરથી ભવના
અંતની ખાતરી આવી જાય છે.
*
જુઓ, આજે ભગવાનની મુક્તિનો મહોત્સવ છે. કોઈ કહે કે ભગવાન મોક્ષ પામ્યા તેમાં અમારે શું?– પણ
ભાઈ! જેને પોતાને મોક્ષની ભાવના હોય તેને ભગવાનનો મોક્ષ જોઈને અંતરથી તેના બહુમાનનો ઉલ્લાસ ઊછળ્‌યા
વિના રહે નહીં. મહાવીર ભગવાન જેવું પોતાનું સ્વરૂપ જે સમજશે તે જરૂર મુક્તિને પામશે. પરમાર્થે જેવું મહાવીર
ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સમજીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
પ્રગટ કરવાં તે જ મુક્તિનો સાચો મહોત્સવ છે.
*
‘અહો! આજે પવિત્રાત્મા શ્રી મહાવીરપ્રભુજી સદાને માટે સંસારથી મુક્ત થઈને અભૂતપૂર્વ સિદ્ધદશા
પામ્યા.....અને શ્રી ગૌતમગણધરપ્રભુ કેવળજ્ઞાન પામ્યા’–એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું આનંદથી ન નાચી ઊઠે!
હજારો વર્ષ પહેલાં તીર્થધામ શ્રી પાવાપુરીમાં આસો વદી અમાસના પ્રાતઃકાળમાં શ્રી મહાવીર પ્રભુજીએ
યોગનિરોધ કર્યો અને કર્મો તથા શરીરના સંયોગ રહિત થઈને અશરીરી સિદ્ધ થયા...ચતુર્ગતિનો અંત લાવીને અપૂર્વ
એવી પંચમગતિને પામ્યા....અને, જે દિવસે ભગવાન સિદ્ધ થયા તે જ દિવસે ગૌતમપ્રભુજીએ કેવળજ્ઞાન પ્રગટ કરીને
ભગવાનના અરિહંત પદનો વારસો સંભાળ્‌યો. એ રીતે સિદ્ધદશા અને અરિહંતદશા–એવા બે સર્વોત્કૃષ્ટ પદનો
કલ્યાણક મહોત્સવ છે.
*
૨૪૭૯ વર્ષ પહેલાં બનેલા એ પવિત્ર પ્રસંગને વર્તમાનપણે યાદ કરીને...એટલે કે જાણે આજે જ એ પ્રસંગ
બન્યા હોય–એમ ભાવીને ભવ્યજીવો ઉત્સાહથી તેનો ઉત્સવ ઊજવે છે,–તેમાં ખરેખર તો પોતાને તેવી પૂર્ણદશા
પામવાની ભાવના છે તેથી પોતાની પૂર્ણ દશાને ભાવથી નજીક લાવીને તેનો ઉત્સાહ કરે છે. અહો! મહાવીર ભગવાન
આજે મુક્ત થયા...સાદિ અનંતકાળ સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું શુદ્ધ આત્મજીવન ભગવાને પ્રાપ્ત કર્યું....મારો
આત્મા પણ હવે આ ભવભ્રમણથી છૂટીને એવી મુક્તદશા કયારે પામે!!–આ પ્રમાણે સિદ્ધસ્વભાવની અત્યંત ઉત્કંઠા
અને માહાત્મ્ય વડે ભવ્યજીવો ભગવાનની મોક્ષદશાનો મહોત્સવ ઊજવે છે.
ખરેખર તો–જેવો સિદ્ધ ભગવાનનો આત્મા છે તેવો જ આત્મા હું છું એમ પોતાના આત્મામાં સિદ્ધપણું
સ્થાપીને...સિદ્ધપણાનો અંશ પોતામાં પ્રગટ કરવો તે જ મંગળમહોત્સવ છે. શ્રી વીરપ્રભુ પોતે સિદ્ધ થયા એ તો
સર્વોત્કૃષ્ટ મંગળ છે....અને....જે ભવ્યાત્માઓએ પોતાના આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને સિદ્ધદશા
સન્મુખ પુનીત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે...તે પણ અપૂર્વ મંગળ છે.
“નમસ્કાર હો......શ્રી મહાવીર પ્રભુને.......અને તેમના મુક્તિ પંથે વિચરનારા સંતોને.......”
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૨૧ઃ