Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
*–એવી એકાગ્રતાની ક્રિયા કોણ કરે? જેણે પ્રથમ અરિહંત ભગવાનને ઓળખ્યા હોય અને અરિહંત જેવું
પોતાના આત્માનું સ્વરૂપ ખ્યાલમાં લીધું હોય તે જીવ પર્યાયની અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરવા માટે
પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતાનો પ્રયત્ન કરે. પરંતુ જે જીવ અરિહંત ભગવાનને ઓળખતો નથી,
અરિહંત જેવા પોતાના સ્વરૂપને ઓળખતો નથી અને પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે તે જીવ
અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરવાનો પ્રયત્ન કરે નહિ. માટે સૌથી પહેલાં આત્માનું શુદ્ધ–સ્વરૂપ ઓળખવું
જોઈએ અને તે માટે અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખવા જોઈએ.–આ ધર્મની રીત છે.
* * *
*અત્યારે આ ભરતક્ષેત્રે અરિહંત ભગવાન વિચરતા નથી, પરંતુ અહીંથી થોડે દૂર મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર
ભગવાન વગેરે તીર્થંકરો અરિહંતપણે સાક્ષાત્ વિચરે છે. ક્ષેત્રથી અમુક અંતર હોવા છતાં ભાવથી પોતે
પોતાના જ્ઞાનમાં અરિહંત ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરે તો તેમાં ક્ષેત્રનું અંતર નડતું નથી. જેણે અરિહંત
ભગવાન જેવા પોતાના આત્મસ્વભાવનો નિર્ણય કર્યો તેને તો પોતાના ભાવમાં અરિહંત ભગવાન સદાય
નજીક જ વર્તે છે. ‘જેવા અરિહંત તેવો હું’ એવી પ્રતીતના જોરે ભાવમાંથી તેણે અરિહંત ભગવાન સાથેનું
અંતર તોડી નાખ્યું છે.
* * *
*કોઈને એમ શંકા થાય કે અત્યારે તો અરિહંત નથી તો તેમનું સ્વરૂપ કઈ રીતે નક્કી થાય?–તેનું સમાધાનઃ
અહીં અરિહંતની હાજરીની વાત નથી કરી પણ અરિહંતનું સ્વરૂપ જાણવાની વાત કરી છે. અહીં અરિહંતની
સાક્ષાત્ હાજરી હોય તો જ તેમનું સ્વરૂપ જાણી શકાય–એમ નથી. અત્યારે આ ક્ષેત્રે અરિહંત ભગવાન નથી
પણ મહાવિદેહ ક્ષેત્રે તો અત્યારે પણ અરિહંત ભગવાન સાક્ષાત્ બિરાજે છે, અને જ્ઞાનદ્વારા તેમના સ્વરૂપનો
નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે.
* * *
*સામે અરિહંત ભગવાન સાક્ષાત્ બિરાજતા હોય ત્યારે પણ જ્ઞાનદ્વારા જ તેમનો નિર્ણય થાય છે.
પરમઔદારિક શરીર, સમવસરણ, દિવ્યધ્વનિ, તે કાંઈ ખરેખર અરિહંત ભગવાનનું સ્વરૂપ નથી, એ બધું
તો આત્માથી જુદું છે. ચૈતન્યસ્વરૂપ આત્મા તે દ્રવ્ય, જ્ઞાન–દર્શનાદિ તેના ગુણો, અને કેવળજ્ઞાન–અતીન્દ્રિય
આનંદ વગેરે પર્યાય,–આવા દ્રવ્ય–ગુણ–પર્યાયથી અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખે તો અરિહંતને
ઓળખ્યા કહેવાય.
* * *
*ક્ષેત્રથી નજીક અરિહંતની હાજરી હોય કે ન પણ હોય તેની સાથે સંબંધ નથી પણ પોતાના જ્ઞાનમાં તેમના
સ્વરૂપનો નિર્ણય છે કે નહિ તેની સાથે સંબંધ છે. ક્ષેત્રથી નજીક અરિહંતપ્રભુ બિરાજતા હોય પરંતુ તે વખતે
જો જ્ઞાનવડે જીવ તેમના સ્વરૂપનો નિર્ણય ન કરે તો તે જીવને આત્માનું સ્વરૂપ જણાય નહિ અને તેના માટે
તો અરિહંત ભગવાન ઘણા દૂર છે.
––અને અત્યારે ક્ષેત્રથી નજીક અરિહંતપ્રભુ ન હોવા છતાં પણ જો પોતાના જ્ઞાનવડે અરિહંત પ્રભુના
સ્વરૂપનો નિર્ણય કરે તો તેને માટે અરિહંતપ્રભુ નજીક હાજરાહજૂર છે.
* * *
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૧૨૨