Atmadharma magazine - Ank 122
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
અરિહંત ભગવાને ઓળખો
(અનાદિના મોહનો ક્ષય કરીને અપૂર્વ સમ્યગ્દર્શન પામવાની રીત)
(શ્રી પ્રવચનસાર ગા. ૮૦ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી તારવેલુંઃ લેખાંકઃ ૨)
*શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર હો.
*જેણે પોતાના આત્માનું અપૂર્વ હિત કરવું હોય તેણે પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે ઓળખવું
જોઈએ; અને તે ઓળખવા માટે અરિહંત ભગવાનનું સ્વરૂપ ઓળખવું જોઈએ. અરિહંત ભગવાનને
ઓળખતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાય છે.
* * *
*અરિહંત ભગવાનના આત્માને જાણતાં અનુમાન પ્રમાણથી પોતાના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થાય છે કે અહો!
મારા આત્માનું સ્વરૂપ તો આવું સર્વ પ્રકારે શુદ્ધ છે, પર્યાયમાં વિકાર તે મારું ખરું સ્વરૂપ નથી, અરિહંતમાં
જે નથી તે મારું સ્વરૂપ નથી, જેટલું અરિહંતમાં છે તેટલું જ મારા સ્વરૂપમાં છે, નિશ્ચયથી મારાંમાં અને
અરિહંતમાં કાંઈ ફેર નથી,–આવી આત્મપ્રતીતિ થતાં, અજ્ઞાન અને વિકારનું કર્તૃત્વ છૂટીને જીવ પોતાના
સ્વભાવ તરફ વળ્‌યો એટલે સ્વભાવમાં પર્યાયની એકતા થતાં સમ્યગ્દર્શન થયું. હવે પુરુષાર્થ દ્વારા તે
સ્વભાવના જ આધારે રાગદ્વેષ સર્વથા ક્ષય કરી, અરિહંત ભગવાન જેવી જ પૂર્ણ દશા તે જીવ પ્રગટ કરશે.
* આ વાત ખાસ સમજવા જેવી છે, આમાં એકલા પરની વાત નથી. અરિહંત ભગવાનને જાણવાનું કહ્યું તેમાં
ખરેખર તો આત્માના પૂર્ણ શુદ્ધસ્વરૂપને જાણવાનું કહ્યું છે. અરિહંત ભગવાન જેવા જ આ આત્માના પૂર્ણ
શુદ્ધ સ્વભાવ સ્થાપીને તેને જાણવાની વાત કરી છે. જે જીવ પુરુષાર્થ વડે શુદ્ધસ્વભાવને જાણે તેને ધર્મ થાય,
જે જીવ આવું જાણવાનો પુરુષાર્થ ન કરે તેને ધર્મ થાય નહિ. આ રીતે આમાં યથાર્થ જ્ઞાન અને પુરુષાર્થ બંને
સાથે છે; અને સત્ નિમિત્ત તરીકે અરિહંતદેવ છે–તે વાત પણ આવી જાય છે. અરિહંત ભગવાન સિવાય
બીજા કુદેવાદિને જે માનતો હોય તેને મોહક્ષય થતો નથી.
* * *
* ધ્યાન રાખજો, આ અપૂર્વ વાત છે; આમાં એકલા અરિહંતની વાત નથી પણ પોતાના આત્માને ભેળવીને
વાત છે. અરિહંત ભગવાન સાથે પોતાના આત્માની એમ મેળવણી કરવી જોઈએ કેઃ ‘અહો! આ આત્મા
તો કેવળજ્ઞાનસ્વરૂપ છે, તેમને પૂર્ણ જ્ઞાનસામર્થ્ય છે ને વિકાર જરાપણ નથી, મારો આત્મા પણ અરિહંત
જેવા જ સ્વભાવવાળો છે.’
* –આવી પ્રતીત જેણે કરી તેને હવે સ્વદ્રવ્ય તરફ જ વળવાનું રહ્યું, પણ નિમિત્તો તરફ વળવાનું ન રહ્યું, કેમ કે
પોતાની પૂર્ણદશા પોતાના સ્વભાવમાંથી આવે છે, નિમિત્તમાંથી આવતી નથી; તેમ જ તેને પુણ્ય–પાપ તરફ
કે અધૂરી દશા તરફ પણ જોવાનું ન રહ્યું કેમ કે તે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી, તેમાંથી પૂર્ણદશા
આવતી નથી. જેમાં પૂર્ણદશા પ્રગટવાનું સામર્થ્ય છે એવા પોતાના દ્રવ્ય–ગુણમાં જ પર્યાયની એકાગ્રતા
કરવાનું રહ્યું, આવી એકાગ્રતાની ક્રિયા કરતાં કરતાં પર્યાય–શુદ્ધ થઈ જાય છે ને મોહ ટળી જાય છે.
માગશરઃ ૨૪૮૦ ઃ ૩પઃ